તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓનું સંશોધન:GTU રેમડેસિવિર અસલી છે કે નકલી તેની 5 મિનિટમાં વિનામૂલ્યે ચકાસણી કરશે; ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ મેથડ તૈયાર કરી

અમદાવાદ5 મહિનો પહેલા
વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે
  • GTU દ્વારા રેમડેસીવરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
  • ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરવામાં આવી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પેન્ડામિક સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઓફ ફાર્મસી ( GSP) કાર્યરત રહી છે. ત્યારે તાજેતરમાં જ GSPના આસિસ્ટન્ટ પ્રો. ડૉ કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે.

મહામારીનો સામે સંસ્થાઓએ આગળ આવવું પડશે
આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે GTU દ્વારા રેમડેસીવરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને GSPના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે
ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે

ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરાશે
ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશન દ્રારા મંજૂર થયેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની‌ ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી. ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડ લાઈન પ્રમાણે, પ્રથમ વખત GTU દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી(HPLC) મેથડ વિકસાવવામાં આવી છે.GTU ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મીનીટની સમયમર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો‌ નાશ કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસીવર યોગ્ય છે ‌કે નહીં તથા તેમાં રહેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ
GTU દ્રારા રીસર્ચ કર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે.દરેક જન સામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. ‌GTUના કુલપતિએ ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે તથા કેટલાક અસામાજીક તત્વો કે‌ જેઓ નકલી રેમડેસીવરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે વેચાણ કરે છે. તેઓ પર લગામ લાગશે.

શહેરમાં 12 હજાર રેમડેસિવિરની માગ સામે સરકારે માત્ર 1900 ઇન્જેક્શન આપ્યાં
મ્યુનિ. સંલગ્ન 12 સરકારી હોસ્પિટલ, 172 ખાનગી હોસ્પિટલ, 223 નર્સિંગ હોમમાં દાખલ દર્દીઓ માટે દરરોજ 12 હજાર રેમડેસિવિરની માગ છે ત્યારે રાજ્ય સરકારે બુધવારે ફકત 1900 રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા હતા. આ તમામ ઈન્જેક્શન પશ્વિમ અમદાવાદમાં ફાળવાયા હતા. 1900 રેમડેસિવિર પૈકી 1100 પશ્વિમ ઝોન, 300 ઉત્તર-પશ્વિમ ઝોન અને 150 ઈન્જેક્શન દક્ષિણ-પશ્વિમ ઝોન વચ્ચે વહેચવામાં આવ્યા હતાં. બાકી રેમડેસિવિરનો જથ્થો કોર્પોરેશને પોતાની પાસે ઈમરજન્સી માટે રાખ્યો છે. આ બાબતે રાજ્ય સરકારના આરોગ્ય સચિવ જયંતી રવિનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

કાળાબજાર કરનારો યુવક અંતે ઝડપાયો
સુરતના ડોક્ટર પાસેથી રૂ.9 હજારમાં અને જુહાપુરાની મહિલા પાસેથી રૂ8 હજારમાં રેમડેસિવિર ઈન્જેકશન લાવીને રૂ.11 હજારમાં વેચતો યુવક પકડાયો છે. પોલીસે એસજી હાઈવેના કારગીલ પેટ્રોલ પંપ પાસેથી મેડિકલ સર્જીકલ સાથે સંકળાયેલા યુવકને 6 રેમડેસિવિર સાથે ઝડપી લીધો હતો.