મિથેનોલ કેમ છે મોતનો સામાન?:લઠ્ઠાકાંડમાં 57 લોકોના જીવ લેનારું મિથેનોલ સૌથી ઘાતક, જાણો પીધા બાદ કઈ રીતે મોત તરફ લઈ જાય છે

અમદાવાદ13 દિવસ પહેલા

બરવાળા લઠ્ઠાકાંડ બાદ લોકોના મુખે ઇથેનોલ અને મિથેનોલ શબ્દ પ્રચલિત બન્યો છે. જેને પગલે દિવ્ય ભાસ્કરે આ બંને કેમિકલના ઉત્પાદન, ઉપયોગ અને જોખમ અંગેની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય રીતે ઇથેનોલ શેરડીનો રસ કાઢ્યા બાદ તેમાંથી બચતા કચરામાંથી તૈયાર થાય છે. જે મોલાસીસના નામથી ઓળખવામાં આવે છે, સાદી ભાષામાં ગોળની રસી તરીકે પણ ઓળખાય છે. સૌથી પહેલા આ મોલાસિસનું આથમણ કરવામાં આવે છે, બાદમાં યીસ્ટ નામનો પદાર્થ ઉમેરવામાં આવે છે અને તેને ફરીથી પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે મિથેનોલ પેટ્રોલિયમ ક્રૂડમાંથી તૈયાર થાય છે.

સાઉદી દેશો અને મિડલ ઇસ્ટમાંથી કરાય છે આયાત
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ અને ડાઇનિંગ એસોસિએશનના સેક્રેટરી અનિલ જૈને જણાવ્યું કે, આ બંને પ્રકારના કેમિકલ એ નશા અને આબકારી વિભાગના નિયંત્રણ હેઠળ હોય છે. જે માટે આ વિભાગની પરવાનગી પણ ફરજિયાત હોય છે. જેથી ઇન્ડસ્ટ્રી દ્વારા આ કેમિકલનો કેટલો ઉપયોગ અને તેના સ્ટોક અંગેની માહિતી પણ વિભાગને દર મહિને આપવી પડતી હોય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્ય સિવાય સાઉદી દેશો અને મિડલ ઇસ્ટ દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે.

દારૂ બનાવવા માટે પણ 30-40% જેટલો ઈથેનોલનો ઉપયોગઃ પંકજ કસવાલા
વટવામાં ડાઈનિંગ માટેના કેમિકલ તૈયાર કરતી કેમિકલ કંપનીના સંચાલક ડોક્ટર પંકજ કસવાલાએ જણાવ્યું કે, દારૂ બનાવવા માટે પણ 30-40% જેટલો ઈથેનોલનો ઉપયોગ થતો હોય છે. જ્યારે હવે તો પેટ્રોલમાં પણ કેન્દ્ર સરકારે 10 થી 40 % સુધી મિશ્રણ કરવાની પરવાનગી આપી છે. જેથી પેટ્રોલની બચત થઈ શકે. જોકે મિથેનોલનો ઉપયોગ માત્ર સોલિડ પ્રકારના લિક્વિડ બનાવવા માટે થઈ શકે છે, જેમકે પેઇન્ટ, એડહેસિવ, ડાઈનિંગ, સનમાઇકા, નેઈલ પોલિશ, વિનિયર, ફાર્મા કંપનીમાં સોલવન્ટ તરીકે ઉપયોગ થતો હોય છે.

મિથેનોલના ઉપયોગ અંગે નશા અને આબકારી વિભાગને જાણ જ નથી
આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે નશા અને આબકારી વિભાગના નિયામક કચેરીનો સંપર્ક કરીને રાજ્ય અને મિથેનોલના ઉપયોગ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની પાસે આવી કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...