લઠ્ઠાકાંડનો મોતનો સામાન CCTVમાં કેદ:જયેશે 4 મહિના ભેગો કરેલો મિથેનોલ ફોઈના દીકરાને આપ્યો, અમદાવાદના પીપળજની ફેક્ટરીથી 1500માં ભાડે ટેમ્પો કરી બોટાદ પહોંચાડ્યો

અમદાવાદ18 દિવસ પહેલા

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મિથેનોલ પીવાથી એક બાદ એક મોત થઈ રહ્યા છે. અમદાવાદના પીપળજ પાસેની ફેક્ટરીમાંથી મિથેનોલ લઈ જવા માટે લોર્ડિગ ટેમ્પો એક જગ્યાએ પેટ્રોલ ભરાવવા ઉભો રહ્યો હતો. જેનાના સીસીટીવી સામે આવ્યા છે.

આ સમગ્ર મામલે મિથેનોલ સપ્લાય કરનાર જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. કેટલા સમયથી આ મિથેનોલ દારૂની જગ્યાએ મિશ્રણ કરીને આપવામાં આવતો હતો. તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

બરવાળા પોલીસે ગુનો નોંધ્યો
ગઈકાલે બોટાદના બરવાળા તાલુકાના નભોઈ ગામે દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે. તેમાં અત્યાર સુધી 26ના મોત થયા છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આ દેશી દારૂમાં મિથેનોલ આલ્કોહોલ કેમિકલનું મિશ્રણ કરી દેશી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે બરવાળા પોલીસમાં 302, 328, 120(બી) તથા પ્રોહિબિશન એક્ટ કલમ 67-1એ, મુજબનો ગુનો દાખલ કરાયો છે.

કોણ છે મિથેનોલનો વેચનાર
મુખ્ય સપ્લાયર જયેશ ખાવડીયા મુળ ગામ સાલાસર, તા.ધંધુકા, જી. અમદાવાદ ખાતેનો વતની છે. જે છેલ્લા ચાર વર્ષથી એમોસ કોર્પોરેશન, દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, પીપળજ ખાતે આવેલી સમીરભાઈની ફેક્ટરીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જે કંપનીમાં પોતે ઈન્ચાર્જ તરીકે ફીનાર લિમિટેડ કંપની-ચાંગોદર દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી અઢી લીટરની કાચની બોટલમાં ભરી બોટલિંગ એન્ડ ક્રિમ્પિંગનું જોબ વર્કનું કામ કરતો હતો.

4 મહિના ભેગો કરેલો મિથેનોલ ફોઈના દીકરાને આપ્યો
આ દરમિયાન બોટલિંગ એન્ડ ક્રિમ્પિંગની પ્રક્રિયામાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાચની બોટલમાં ભરતા પહેલાં આજ કેમિકલથી રાઈસિંગ (વોશ કરવું) કરી પ્રવાહી ભરવામાં આવે છે. જયેશ ખાવડીયાનાએ રાઈસિંગની પ્રક્રિયામાં ઉપયોગ થયેલો મિથેનોલ કેમિકલને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એકત્ર કરવાની કામગીરી કરી 600 લીટરના ત્રણ બેરલ સપ્લાય કરવાના હેતુસર અલગ કરેલા હતા. જ્યાં અગાઉથી નક્કી થયા મુજબ આરોપી જયેશ ખાવડીયાનાએ આ 600 લીટર મિથેનોલ ત્રણ બેરલ પોતાના ફોઈ કંચનબેન ભીખાભાઈ કુમારખાણીયાના પુત્ર સંજય કુમારખાણીયાને નભોઈ, તા-બરવાળા, જી-બોટાદ ખાતે પહોંચડાવાનું આયોજન કરેલું હતું.

ચાર દિવસ પહેલાં જ લોર્ડિંગ રીક્ષામાં મોતનો સામાન રવાના કરાયો
22મી જુલાઈએ જયેશ ખાવડીયાનાએ પોતાના મિત્ર ગોપાલ ભરવાડની લોર્ડિંગ રીક્ષા લઈ આવી પોતાના અન્ય સાગરીત દિનેશ ઉર્ફે બંટી રાજપૂતની સાથે સાંજના પાંચ એક વાગે રવાના થયેલા. જ્યાં બંને ઈસમો કમોડ-ધોળકા-બગોદરા-ધંધુકા તગડી થઈ ભલગામડા ગામ પાસે આવેલી કેનાલ પર સંજયને બોલાવી લોર્ડિંગ રીક્ષામાંથી બોલેરો ગાડીમાં સંજય સાથે આવેલા અન્ય ઈસમોની મદદથી બેરલને બોલેરો ગાડીમાં મુકાવેલી. 600 લીટર મિથેનોલ આલ્કોહોલ પેટે જયેશ ખાવડીયાએ સંજય કુમારખાણીયા પાસેથી રૂ. 40,000 તથા ભાડાના રૂ. 1500 મળી કુલ રૂ. 41500 લીધેલા. બાદ બંને ઈસમો રાત્રિના બે વાગ્યાની આસપાસ પરત ઘરે આવી ગયેલા.

આરોપીઓને બોટાદ પોલીસને હવાલે કરવા તજવીજ
જયેશ ખાવડીયાનાએ એમોસ કોર્પોરેશન, દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, પીપળજ ખાતેથી બેરલને લોર્ડિગ રીક્ષામાં મૂકનાર ત્રણ ઈસમો સહિત અન્ય આ બનાવ સાથે સંકળાયેલા વ્યક્તિઓની ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી વિગતવાર પુછપરછ પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ આ સમગ્ર લઠ્ઠાકાંડના બનાવમાં 600 લીટર મિથેનોલ આલ્કોહોલ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર જયેશ રમેશભાઈ ખાવડીયા તથા સાગરિત દિનેશ ઉર્ફે બંટી રાજપૂતને ગુના સબંધે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ બોટાદ જિલ્લા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...