તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધાનું દૂષણ:લોકડાઉનમાં અમદાવાદનો પરિવાર ભુવાના ચક્કરમાં ફસાયો, મહિલા હેલ્પલાઈને માનસિક બીમાર યુવતીને ખોટી અંધશ્રદ્ધામાંથી બચાવી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતૃઓના નડતરને દૂર કરવા પરિવારને ભુવાએ પીવા માટે પાવડર આપ્યો હતો.
  • યુવતીએ આ પાવડર પીવાની ના પાડતી તો તેને માતા-પિતા માર મારતા હતા.
  • ખોટી અંધશ્રદ્ધાથી બચવા માટે યુવતીએ મહિલા હેલ્પલાઈનની ટીમેને ફોન કરીને જાણ કરી.

કોરોનાની મહામારીમાં અનેક લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લોકોના મગજમાંથી કોરોનાની અસરના પરિણામે તેઓ વિચારોથી માનસિક રીતે પડી ભાંગવાના કિસ્સા બન્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને કોરોનામાં થયેલા લોકડાઉનના કારણે નોકરી ન મળતાં સતત વિચારો આવતા પરિસ્થિતિ બગડી હતી. જેથી પરિવાર તેની દવા કરાવવાની જગ્યાએ ભુવા પાસે લઇ જઇ દોરા- ધાગા કરાવ્યા હતા. યુવતીએ માતા-પિતાની આ અંધશ્રદ્ધાથી બચવા મદદ માટે મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી હતી અને હેલ્પલાઇનની ટીમે માતા-પિતાને સમજાવી અને યોગ્ય સારવાર કરાવવા કહ્યું હતું.

માનસિક બીમાર યુવતીને પરિવાર ભુવા પાસે લઈ ગયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીનો મહિલા હેલ્પલાઇન ટીમ અભયમ 181ને ફોન આવ્યો હતો કે મારા માતા-પિતા ભુવા પાસે દોરા- ધાગા કરાવે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. યુવતીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેની માનસિક પરિસ્થિતિ સારી ન હતી. જેની દવા ચાલુ છે અને લોકડાઉનમાં નોકરી ન મળતાં તેની માનસિક સ્થિતિ વધુ બગડી હતી. છેલ્લા 10 દિવસથી દવા લેવાનું બંધ કરી દેતા તબિયત વધુ ખરાબ થઈ હતી. દવાની સાથે સાથે તેના માતા-પિતાએ તેને ભુવા પાસે પણ લઈ ગયા હતા.

મહિલા હેલ્પલાઈને પરિવારને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યો
​​​​​​​
ભુવાએ તેમને કોઈ પાવડર આપ્યો હતો. પિતૃઓના નડતરને દૂર કરવા માટે પરિવાર આ પાવડર પીતો હતો. યુવતીએ આ પાવડર પીવાની ના પાડતી તો તેને માર મારતા હતા. પરિવાર સાથે પણ રહેવાની તેઓએ ના પાડી હતી. હેલ્પલાઇનની ટીમે આ સમગ્ર બાબત સાંભળી યુવતીના માતા-પિતાને સમજાવ્યા હતા કે ખોટી અંધશ્રદ્ધા રાખવી નહિ અને યુવતીની સારવાર કરાવવી જોઈએ. આ રીતે હેલ્પલાઇનની ટીમે યુવતીને ખોટી અંધશ્રદ્ધામાંથી બચાવી હતી.

કોરોનાદર્દીને ભુવા પાસે લઈ જતા સારવારના અભાવે મોત
નોંધનીય છે કે કોરોનાકાળમાં આ પ્રકાર ભુવા પાસે જવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કચ્છના આડેસર ગામના 55 વર્ષીય ભવાનભાઈ પ્રજાપતિ કોરોના સંક્રમિત થતાં ડીસામાં તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં જગ્યા ના મળતા પરિવારે ભૂવાને બોલાવીને વિધિ કરાવી હતી. ભૂવાએ તેમને સુવાડીને પેટ પર પગ મૂકીને સાજા થવાના આશીર્વાદ આપ્યા હતા.