અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 ક્રિકેટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ અંતર્ગત મોબાઇલ ફોનમાં “HELLO-BET” નામની એપ્લીકેશનમાં ઓનલાઇન ગેમ્બ્લીંગનો જુગાર રમાડતા ઇસમને શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે PAYTM-T20 સીરીઝ અંતર્ગત ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે અમદાવાદ શહેરમાં રમાઇ રહેલ ક્રિકેટ મેચ અનુસંધાને કેટલાક ઇસમો જુદી જુદી ઓનલાઇન એપ્લીકેશનો મારફતે ક્રિકેટ રમત ઉપર ઓનલાઇન હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી.
આ બાતમીને આધારે પોલીસ સ્ટાફના અધિકારી/કર્મચારીઓ સાથે લવ પોઇન્ટ રેસ્ટોરન્ટ આગળ ખુલ્લી જગ્યામાં, રતનબા સ્કુલ રોડ સામે, ઠક્કરબાપાનગરમાં ગઈકાલે ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપી વિજય પોપટભાઇ પીઠવાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મોબાઈલ નંગ-2 તથા રોકડા રૂપિયા બે લાખ 37 હજાર 480 સહિત કુલ 2 લાખ 47 હજાર 480નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.