રાજ્યભરમાં સોમવારે હોળી પ્રગટાવવાના ટાણે જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરો સહિત રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમરેલી, બગસરામાં 1 ઇંચ તો અન્ય તાલુકાઓમાં 12થી 13 મીમી વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા ભરૂચ નજીક દેડિયાપાડામાં કરા પડ્યા હતા.
ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદને કારણે કેરીના પાકને લઈને ચિંતા સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટરમાં તો નવસારીમાં 33 હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં વિવિધ સ્થળે લોકોએ વરસાદમાં ભીંજાતા હોળીની પરિક્રમા કરી હતી.
કાશ્મીરની યાદ અપાવી દે એવાં દૃશ્યો દક્ષિણ ગુજરાતના ઉમરપાડા, ઓલપાડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. અહીં કરા સાથે વરસાદ તૂટી પડ્યા બાદ ઠેરઠેર જાણે બરફની ચાદર ફેલાઈ ગઈ હતી. લોકોએ વરસતા કરાની વચ્ચે હોળી પ્રગટાવી હતી.
અમદાવાદમાં હોળી પ્રાગટ્યના સમયે જ ચોમાસાની યાદ અપાવી દે એવો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં ઠેરઠેર લોકોએ વરસતા વરસાદ વચ્ચે હોળીની પરિક્રમા કરી હતી. ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા.
હોળીને વરસાદથી બચાવવા છત્રીથી ઢાંકવી પડી હોય એવું દૃશ્ય સુરતમાં સર્જાયું હતું. જો કે માત્ર સુરત નહીં રાજ્યના વિવિધ વિસ્તારમાં હોળીને વરસાદી પાણીથી બચાવવા તાડપત્રીથી ઢાંકવી પડી હતી.
આ તસવીર દક્ષિણ ગુજરાતના ઓલપાડની છે. દિવસભર વીજળીની ગાજવીજ રહી હતી. હોળીના દિવસે જ વીજળી પડવાથી તાડનું ઝાડ સળગી ગયું હતું. મોડી સાંજ સુધી ઝરમર વરસાદ યથાવત રહ્યો હતો.
પાલનપુરમાં સમી સાંજે વીજળીના કડાકાની આ તસવીર છે. એક તરફ હોળી પ્રગટી રહી હતી તો બીજી તરફ આકાશમાં ચમકારા થઈ રહ્યા હતા. જેના કારણે ધરતી પર ફાગણ અને આકાશમાં અષાઢી માહોલ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.