ભાસ્કર ઓરિજિનલ:માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મેગા કૌભાંડ - બે હજારના પેઈન્ટ માટે 82 હજાર મજૂરી ચૂકવાઈ, એક જ ઝોનમાં 50થી વધુ સ્થળે ગેરરીતિ

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અલ્પેશ ભટ્ટ
  • કૉપી લિંક
  • ખુદ મ્યુનિ.ના ઓડિટ વિભાગે કરેલો ઘટસ્ફોટ, કેટલાક બિલની રકમ તો ગળે ઉતરી શકે તેમ જ નથી
  • પ્રથમ લહેરમાં મધ્ય ઝોનની કામગીરીમાં કૌભાંડ, 6 ઝોનનું ઓડિટ હજુ બાકી છે
  • કન્ટેઈનમેન્ટ માટે આડશો ઊભી કરવાના બિલ મૂક્યા પણ ઓડિટમાં ફોટા રજૂ ન કર્યા
  • મ્યુનિ. પાસેથી કામનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી એજન્સીઓની એકસરખી મોડસ ઓપરેન્ડી
  • અંદાજે 50 કામ માટે વિવિધ એજન્સીએ 43.58 લાખના બિલ મૂક્યા, જે મ્યુનિ.એ મંજૂર પણ કરી દીધા હવે ઓડિટ વિભાગે રિકવરી કાઢી છે
  • પતરાં જડવાની કામગીરી માટે 39થી 52 બામ્બુ લગાડ્યા પણ બતાવ્યા 78 અને 104
  • એક એજન્સીએ 4 વિસ્તારમાં માત્ર કૂંડાળાં દોરવા 94થી 96 હજાર સુધીનું બિલ મૂક્યું

કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ કેસ હોય તે વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવાની પ્રક્રિયા દરમિયાન મસમોટું કૌભાંડ થયું છે. મ્યુનિ.ના ઓડિટ વિભાગે કોરોનાની પહેલી લહેર દરમિયાન મધ્ય ઝોનમાં હાથ ધરવામાં આવેલી ક્વોરન્ટાઈન અને અન્ય કામગીરી દરમિયાન થયેલી ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે.

જુદી-જુદી યુક્તિ અજમાવી ઘાલમેલ કરી
હાલ તો માત્ર મધ્ય ઝોનમાં આ કૌભાંડના તાણાવાણા બહાર આવ્યા છે. પરંતુ શહેરના સાતેય ઝોનમાં માઈક્રો કન્ટેઈનમેન્ટની નીતિ અમલમાં મૂકાઈ હોવાથી અન્ય ઝોનમાં પણ આ રીતે મોટું નાણાકીય કૌભાંડ થયાની શક્યતા નકારી શકાય નહીં. કૌભાંડની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એક ઝોનમાં 50થી વધુ સ્થળે જુદી જુદી યુક્તિ અજમાવી ઘાલમેલ કરવામાં આવી છે. જે એજન્સીઓને કામ સોંપાયું હતું તેમણે 2 હજારનો પેઈન્ટ કરવા 82 હજારની અધધ મજૂરી ચૂકવી હોવાના બિલ મૂક્યા છે.

ગળે ન ઉતરે તેવા બિલ બનાવ્યાં!
મધ્ય ઝોનના અસારવા શાહપુર, જમાલપુર અને દરિયાપુર જેવા વોર્ડમાં એપ્રિલ 2020થી જૂન 2020ના 3 મહિના દરમિયાન કોરોનાની પ્રથમ લહેરે આતંક મચાવ્યો હતો. આ સમયે આ વિસ્તારોની અનેક પોળ, ચાલીઓ, સોસાયટીઓને બંને તરફથી સીલ કરી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવી હતી. આ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઊભા કરવા વપરાતા પતરાં, બામ્બુ, ખાડા ખોદવા માટેના મશીનો, મજૂરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્કિંગ બતાવતા કૂંડાળાં દોરવામાં વપરાતા કલરના ખર્ચમાં ગળે ન ઉતરે તેવો હિસાબ બતાવવામાં આવ્યો છે.

મજૂરોની વધુ સંખ્યા બતાવી તોતિંગ બિલ મૂક્યાં
કન્ટેઈનમેન્ટની જુદી જુદી કામગીરીમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ઓડિટ વિભાગના પ્રાથમિક અહેવાલમાં પકડી પાડવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં તો કન્ટેઈનમેન્ટ ઝોન ઊભો કરવા લગાડવામાં આવતા બામ્બુની સંખ્યા બમણી બતાવી ખોટાં બિલો મૂકવામાં આવ્યા છે. એ જ રીતે મજૂરોની વધુ પડતી સંખ્યા બતાવી મજૂરીના તોતિંગ બિલ મૂકવામાં આવ્યા છે. કેટલાક સ્થળે તો ખાડો ખોદવા વપરાતું બ્રેકર મશીન અને તે ચલાવવા માટેના ફ્યુઅલ કે જનરેટરનું ભાડું પણ અલગથી વસૂલવામાં આવ્યું છે.

ઓડિટ વિભાગે ગેરરીતિઓ પકડાતા રિકવરી કાઢી
કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા દોરવામાં આવેલા કૂંડાળાંમાં વપરાતા પેઈન્ટમાં પણ મોટું કૌભાંડ છે. કૂંડાળાં દોરવા માંડ હજાર - બે હજારનો પેઈન્ટ વપરાયો હતો પણ તેના માટે હજારોમાં મજૂરીના બિલ મૂકવામાં આવ્યા છે. સંબંધિત એજન્સીઓને તોતિંગ બિલોની ચૂકવણી થઈ ગઈ છે પરંતુ હવે ઓડિટ વિભાગે ગેરરીતિઓ પકડાતા રિકવરી કાઢી છે. માત્ર મધ્ય ઝોનના અંદાજે 50 બિલની રકમ 43.58 લાખની આસપાસ થવા જાય છે. આમાં મૂળ રકમના ખર્ચ કરતાં કેટલાક કિસ્સામાં 20થી 40 ગણી મજૂરી કે અન્ય સંલગ્ન ખર્ચ બતાવાયો છે.

એજન્સીઓએ મૂકેલાં કેટલાંક બિલ, ચૂકવાયેલી રકમ અને રિકવરી

ક્રમવોર્ડબિલ નંબરએજન્સીકુલ રકમજીએસટીફ્યુઅલ રિકવરીપેઈન્ટમજૂરીબામ્બુ
1અસારવા461રિતિકા એન્ટરપ્રાઈઝ78,8288,44514,000---
2અસારવા459રિતિકા એન્ટપ્રાઈઝ82,3288,820---13,560
3જમાલપુર493ગુજરાત કામદાર સહકારી મંડળી97083----25,000
4દરિયાપુર496ગુજરાત કામદાર સહકારી મંડળી97155-----
5દરિયાપુર437રાહુલ કોર્પોરેશન94,76610,15411,200--22,628
6દરિયાપુર467વિશ્વા ડેવલપર્સ94,91710,17014,000--20,330
7દરિયાપુર452વિશ્વા ડેવલપર્સ93,90310,06114,000--19,050
8દરિયાપુર439રાહુલ કોર્પોરેશન94,31610,10511,200--22,990
9દરિયાપુર446રિતિકા એન્ટરપ્રાઈઝ95,613-14,000---
10દરિયાપુર447રિતિકા એન્ટરપ્રાઈઝ97,534-14,000---
11દરિયાપુર438રાહુલ કોર્પોરેશન90,222-22,400-1968 (R)-
12દરિયાપુર445રિતિકા એન્ટરપ્રાઈઝ96,694-14,000---
13અસારવા429રિતિકા એન્ટરપ્રાઈઝ94,70610,146-680077760-
14અસારવા460રિતિકા એન્ટરપ્રાઈઝ72,2527,74114,000--12,792
15અસારવા477રિતિકા એન્ટરપ્રાઈઝ69,1867,41314,000--10,222
16અસારવા456રિતિકા એન્ટરપ્રાઈઝ83,0568,89916,800--22,384
17અસારવા457રિતિકા એન્ટરપ્રાઈઝ70,2017,52214,000--10,876
18અસારવા474રિતિકા એન્ટરપ્રાઈઝ78,9858,46314,000--9,852
19અસારવા480રિતિકા એન્ટરપ્રાઈઝ84,9579,10914,000--15,162
20અસારવા455રિતિકા એન્ટરપ્રાઈઝ87,62816,800---16,708
21અસારવા479રિતિકા અેન્ટરપ્રાઈઝ79,2098,48616,800--8,942
22અસારવા454રિતિકા એન્ટરપ્રાઈઝ55,1185,90511,200--6,230
23અસારવા471રિતિકા એન્ટરપ્રાઈઝ82,5238,84014,000--13,854
24શાહપુર449વિશ્વા ડેવલપર્સ97,67510,03716,800--17,400

GST પબ્લિક હેલ્થને કેવી રીતે લાગે?

રૂ.2 હજારથી ઓછી રકમની ખરીદી પર 10 હજારથી વધુ GSTની ચૂકવણી દર્શાવાઈ
મ્યુનિ.એ માઈક્રો કન્ટેઈનમેન્ટ માટે ચૂકવેલા બિલોમાં જીએસટીની 5,900થી માંડી 10,300 સુધીની ચૂકવણીનો ઉલ્લેખ છે. અર્થાત્ સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના કુંડાળા દોરવા કે માઈક્રો કન્ટેઈનમેન્ટ માટે આડશો મૂકવા થયેલી કામગીરીમાં જીએસટી લાગુ કરી તેની વસૂલાત કરવામાં આવી છે. જો કે, ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી છે કે, તમામ કામગીરી પબ્લિક હેલ્થને લગતી હોવાથી જીએસટી શા માટે ચૂકવવામાં આવ્યો છે. વિભાગે આ મુદ્દે જીએસટી કન્સલ્ટન્ટ સાથે ચર્ચા વિચાર કરવા સૂચન કર્યું છે. ઓડિટ વિભાગે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, કુલ બિલમાં જે વસ્તુની 25 ટકા કિંમત હોય તેના પર આટલો બધો જીએસટી કેવી રીતે લાગી શકે? ઉદાહરણ તરીકે જોઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુંડાળા દોરવા રૂ.1768નો ડિસ્ટેમ્પર ખરીદવામાં આવ્યો હતો પણ તેના જીએસટી પેટે 10,162 ચૂકવવામાં આવ્યાનું દર્શાવ્યું છે. ઓડિટ વિભાગે આવું કઈ રીતે બને તેનો પ્રશ્ન ઊઠાવી જીએસટી નિષ્ણાતોનો અભિપ્રાય લઈ ખુલાસો કરવા તાકીદ કરી છે.

કૌભાંડનાં કૂંડાળાં - ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડ્યું
1768ની કિંમતના પેઈન્ટ માટે 82,610 મજૂરી

કરિયાણા, દૂધ, શાકભાજીની દુકાનો કે બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકો ઊભા રહે તે માટે કૂંડાળાં કરવામાં આવ્યા હતા. આ કામગીરી કેટલીક એજન્સીને સોંપાઈ હતી. એક એજન્સી રીતિકા એન્ટરપ્રાઈઝે શાહપુરમાં આ પ્રકારના કૂંડાળાં માટે 4 અલગ અલગ બિલ રજૂ કર્યા છે. તમામ બિલ 94 હજારથી 96 હજાર સુધીના છે. જો કે, તેમાં કૂંડાળાં કરવા માટે ખરીદાયેલા ડિસ્ટેમ્પરની રકમ 1768થી 6120 જેટલી છે જ્યારે તેની સામે મજૂરીની રકમ લગભગ 40 ગણી વધારે એટલે કે 82,610 દર્શાવવામાં આવી છે.

અસારવામાં પણ રીતિકા એન્ટરપ્રાઈઝને કેટલાક સ્થળે કામ સોંપવામાં આવ્યું હતું. અહીં પણ એજન્સીએ કૂંડાળાં માટે ડિસ્ટેમ્પર 3400થી 4100માં ખરીદ્યો હતો પણ તેની સામે 71000 થી 82000થી વધુ રકમ મજૂરી પેટે ચૂકવી હોવાનું દર્શાવ્યું છે. આમ કેટલાક કિસ્સામાં માલ-સામાન કરતાં મજૂરીની રકમ 41 ગણી વધારે છે. ઓડિટ વિભાગે મજૂરીની આ ગણતરી સામે સવાલ ઉઠાવ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે, કૂંડાળા માટેના પેઈન્ટ કરતાં મજૂરીની રકમ 20થી 40 ગણી કઈ રીતે હોઈ શકે?

બામ્બુ એક કા ડબલઃ પતરાં જડવા લગાડવામાં આવેલા બામ્બુની સંખ્યા પણ બમણી દર્શાવાઈ
કોઈ પોળ, ચાલી કે સોસાયટીને ક્વોરન્ટાઈનમાં મૂકવા પ્રવેશ દ્વાર પાસે ખાડા ખોદી બામ્બુ નાખીને તેના પર પતરાં લગાવી કન્ટેઈનમેન્ટ વિસ્તાર બનાવાતો હતો. સામાન્ય રીતે બામ્બુ સાથેના આ પતરાં 14 દિવસ માટે લગાવવામાં આવતા હતા. જમાલપુરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા વિસ્તારમાં કામગીરી માટે એજન્સીએ રજૂ કરેલા બિલમાં 52ને બદલે બમણાં એટલે કે 104 નંગ બામ્બુ લગાવ્યાનું બહાર આવ્યું છે. અન્ય એક કિસ્સામાં પતરાં જડવા 39 બામ્બુનો ઉપયોગ થયો હતો પરંતુ પેમેન્ટ 78 બામ્બુનું કરવામાં આવ્યું છે. ઓડિટ વિભાગે આ ખર્ચમાંથી 25 હજારથી વધુની રિકવરી કાઢી છે. વધારામાં બામ્બુ કામ માટે ચોરસ ફૂટે રૂ.95નો ભાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ ઓડિટ વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, આ ભાવ માત્ર રૂ.70 છે. આ કામમાં પણ મોટી રિકવરી નીકળે છે. બામ્બુ લગાડવાની કામગીરીમાં મ્યુનિ.ના અધિકારીઓએ જ અલગ અલગ ભાગ દર્શાવ્યા છે. જો કે, કન્ટેઈનમેન્ટ માટે ખરેખર કેટલાક બામ્બુ લગાડવામાં આવ્યા તે કોઈ જાણતું નથી. કેટલાક કિસ્સામાં તો બામ્બુના ફોટા પણ ઓડિટર સમક્ષ રજૂ થયા નથી.

ફ્યુઅલ ...ગુટલીઓ કે ભી દામઃ ખાડા ખોદવા બ્રેકર મશીન અને તેને ચલાવવા ફ્યુઅલ માટે અલગ બિલ
કોઈપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાય એટલે લોકોની અવર જવર બંધ કરવા વિસ્તારને સીલ કરવાના હેતુથી પતરાં લગાવવામાં આવતા હતા અને આ પતરાંને સપોર્ટ આપવા બામ્બુ લગાડવા પડતા હતા. બામ્બુ જમીનમાં ખોડવા ખાડા કરવા પડતા હતા. એજન્સીઓ આ માટે બ્રેકર મશીન ભાડે લાવી હતી. જો કે, આ મશીનમાં વપરાતા ફ્યુઅલ કે જનરેટર સેટનું બિલ અલગથી મૂકવામાં આવ્યું છે. આ સામે વાંધો ઉઠાવતાં ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી છે કે, બ્રેકર મશીનની સાથે જ ફ્યુઅલ કે જનરેટર સેટનું ભાડું આવી જવું જોઈએ. આ માટે અલગથી બિલ કેવી રીતે હોઈ શકે? સમગ્ર રકમ બ્રેકર મશીનની કામગીરીમાં આવવી જોઈએ. લગભગ 35 વિસ્તારમાં આ પ્રકારની કામગીરી માટે ચૂકવાયેલી રકમમાંથી ઓડિટ વિભાગે રૂ. 8,400થી માંડી 16,800 સુધીની રિકવરી કાઢી છે.

અન્ય સમાચારો પણ છે...