કોરોનાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ 12ની પરીક્ષા યોજવા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આવતીકાલે શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી વચ્ચે રિવ્યૂ બેઠક યોજાશે, જેમાં પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા યોજાવાની શક્યતા છે.
પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા
ગુજરાત બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ 10ની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે ધોરણ 12ની પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ 12ની પરીક્ષા માટે આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ, શિક્ષણમંત્રી, આરોગ્ય વિભાગ, મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક યોજાશે, જેમાં ધોરણ 12માં ભણતા 5.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
જૂનમાં પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને 20 દિવસનો સમય મળે
મળતી માહિતી મુજબ, આવતીકાલની બેઠકમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા યોજવા નિર્ણય લેવામાં આવશે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, જૂન મહિના સુધીમાં કેસમાં ખાસો એવો ઘટાડો થશે. ઉપરાંત આવતીકાલે નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓને તૈયારી માટે 20 દિવસ કરતાં વધુ સમય મળી રહે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવતીકાલે પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.