મળો,અમદાવાદની ફર્સ્ટ ફૂડ ડિલિવરી વુમનને:હીનાબેન ભટ્ટ કહે છે-ફૂડ ડિલિવરી કરવા જાઉં તો કસ્ટમર્સ મારી સાથે સેલ્ફી ખેંચાવે છે, મને ક્યારેય ખરાબ અનુભવ નથી થયો

એક મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • 40 વર્ષીય હિનાબેન માને છે કે કોઈ કામ નાનું નથી, ધગશ-હિંમત હોય તો બધું થઈ શકે

નામ : હિનાબેન ભટ્ટ. ઉંમર : 40 વર્ષ અભ્યાસ : 10 પાસ કામ : ઝોમેટોમાં ફૂડ ડિલિવરી વુમન. કામનો સમય: સવારે 9 થી રાત્રે 11. આ નાનકડો બાયોડેટા એ વ્યક્તિનો છે, જે અન્ય મહિલાઓને એવી પ્રેરણા આપે છે કે કોઈ કામ નાનું નથી. તમારામાં ધગશ હોય, હિંમત હોય તો બધું કરી શકો છો. જી હા, આ વાત છે અમદાવાદનાં પહેલાં ફૂડ ડિલિવરી વુમનની.

ચાર વર્ષ પહેલાં ફૂડ ડિલિવરી કરવાનું શરૂ કર્યું
હિનાબેન ભટ્ટ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે કે ''ચાર વર્ષ પહેલાં હું સ્વિગીમાં ફૂડ ડિલિવરી કરતી હતી. પછી સંજોગોને કારણે એ જોબ મૂકીને બીજું કામ કર્યું અને ફરી બે વર્ષથી ઝોમેટોમાં ફૂડ ડિલિવરી કરું છું. ફૂડ ડિલિવરી એક વુમન કરી શકે એવો વિચાર કેવી રીતે આવ્યો ? જવાબમાં હિનાબેન કહે છે, મારી દૃષ્ટિએ કોઈ કામ નાનું નથી હોતું. મને પહેલેથી માર્કેટિંગ લાઈનમાં જ કામ કરવામાં વધારે રસ. મેં માર્કેટિંગ લાઇનમાં કામ કર્યા પછી એકવાર હું પ્રહલાદનગર પાસે બેઠી હતી ત્યારે ફૂડ ડિલિવરી બોય બાઈક પર જતો હતો. મને થયું કે ફૂડ ડિલિવરીનું કામ આ લોકો કરી શકે છે તો મહિલા કેમ ન કરી શકે ?''
હિનાબેન વાત આગળ વધારતાં કહે છે, ''ચાર વર્ષ પહેલાંની વાત કરું તો અમારા માર્કેટિંગ ગ્રુપના લોકો ચાની કીટલીએ બેઠા હતા ત્યારે ત્યાં ફૂડ ડિલિવરી બોયસ્ પણ બેઠા હતા. મેં પૂછ્યું, હું વુમન તરીકે ફૂડ ડિલિવરી કરી શકું? એ લોકોએ કહ્યું, તમને મોબાઈલમાં નેવિગેશન જોતાં આવડવું જોઇએ. બાકી, વાંધો ન આવે. કંપનીમાં પૂછી જુઓ.'' હિનાબેને સ્વિગીમાં સંપર્ક કર્યો અને ઇન્ટરવ્યુમાં એ સિલેક્ટ થઈ ગયાં. આ રીતે અમદાવાદને મળ્યાં પહેલાં ફૂડ ડિલિવરી વુમન.

9મા ધોરણથી જ જોબ શરૂ કરી
હિનાબેનના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા વાયરમેન હતા. માતા પણ બીજાને ત્યાં રસોઈ બનાવીને ઘર ચલાવતાં. આ માતા-પિતાને સંતાનમાં બે પુત્રી. હિના અને ગ્રીષ્મા. બંનેએ નક્કી કર્યું કે આપણે પણ ઘર ચલાવવામાં મદદ કરવી જોઈએ. 2005માં પિતાના અવસાન પછી જવાબદારી હિનાબેન પર આવી પડી, પણ તેઓ મૂંઝાયાં નહીં. 2007થી ટાટા ઈન્ડિકોમમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી શરૂ કરી.
તેઓ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, ઘરની સ્થિતિ એવી હતી કે મારે કામ કરવું પડે એમ હતું. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે હું દીકરી છું એટલે કામ ન થઈ શકે. દીકરી પણ દીકરા સમાન જ હોય છે. એટલે મેં 9મા ધોરણથી કામ શરૂ કર્યું. હું ઘરેથી જ સિલાઈ મશીન પર બટુવા, નાનાં બાળકોના બૂટ, કેપ, જિયાણાંની વસ્તુઓ બનાવતી. ત્યારે પણ સવારે માર્કેટિંગમાં જોબ કરતી અને રાતના સિલાઈકામ કરતી.

ફૂડ ડિલિવરી વુમન તરીકે અનુભવો કેવા રહ્યા ?
મેં જ્યારે આ કામ શરૂ કરવાનું વિચાર્યું ત્યારે થતું કે રેસ્ટોરન્ટવાળા લોકો કેવા હશે? પાર્સલ ડિલિવરી લેનારા કસ્ટમર કેવા હશે ? પણ જેમ જેમ હું કામ કરતી ગઈ તેમ-તેમ સારા અનુભવો થયા. રેસ્ટોરન્ટવાળા પણ મને જોઈને નવાઈ પામતા અને ગર્વ અનુભવતા કે અમારે ત્યાં ફૂડ પાર્સલ લેવા વુમન આવે છે. એવી રીતે કસ્ટમરને પાર્સલ ડિલિવરી કરવા જાઉં તો એ પણ ખુશ થતા અને મને સન્માનની દૃષ્ટિએ જોતા. હજી પણ એમાં ફેર નથી પડ્યો. વુમન તરીકે હું આ પ્રકારનું કામ કરું છું, એ જાણીને મને માન મળે છે. ઘણા કસ્ટમર તો મારી સાથે સેલ્ફી ખેંચાવે છે. હા, વરસાદમાં થોડી તકલીફ પડે. પાર્સલ લેવામાં, ડિલિવરી આપવામાં પહોંચી ન શકાય. ક્યારેક સ્કૂટર પાણીમાં ન ચાલે તો કસ્ટમર તકલીફ સમજીને સામેથી કહે કે પાર્સલ પહોંચાડવામાં ઉતાવળ ન કરતા. તમને તકલીફ ન પડવી જોઈએ.

આજની યુવતીઓએ નાસીપાસ થવાની જરૂર નથી
તેઓ આગળ વધુમાં કહે છે, આજની યુવતીઓ નાની-નાની વાતે નિરાશ બની જાય છે, પણ એના કરતાં તમારી સામે આવેલા સંજોગો સામે ફાઈટ કરો. એક વાત યાદ રાખો કે કોઈ કામ નાનું નથી હોતું અને કોઈ કામ કઠિન નથી. તમે ધારો એ કરી શકો છો. દીકરીઓએ પણ મનમાંથી એ વાત કાઢવાની જરૂર છે કે પોતે દીકરી છે અને કઠિન કામ નહીં કરી શકે. આ વિચારસરણી બદલાશે તો ઘણી સમસ્યા દૂર થશે.

(વીડિયો-તસવીર : કિશન પ્રજાપતિ)

અન્ય સમાચારો પણ છે...