ઉદ્યોગપતિની આપમાં એન્ટ્રી:મળો, હજારો અનાથ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીને, બિલ્ડર અપહરણ કેસમાં ફરાર થઈ ગયા હતા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેશ સવાણી મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની
  • સુરતમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચલાવે છે
  • રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને છોડાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી

હાલ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં જોડાયા બાદ આજે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો કર્યો છે અભ્યાસ
ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

કોરોના દર્દીની ખબર પૂછી રહેલા મહેશ સવાણી
કોરોના દર્દીની ખબર પૂછી રહેલા મહેશ સવાણી

વર્ષોથી અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે
આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

પીએમ મોદી સાથે મહેશ સવાણી
પીએમ મોદી સાથે મહેશ સવાણી

પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નજીવા દરે સારવાર
પી.પી. સવાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.

બિલ્ડરના અપહરણનો લાગ્યો હતો આરોપ
મહેશ સવાણી સાથે જોડાયેલા કેટલાક વિવાદોની વાત કરીએ તો ચારેક વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીયેશનના પ્રમુખની સાથે જમીનમાં ચિટિંગ કરી ધમકી આપવા મામલે મહેશ સવાણી અને તેના પિતા વલ્લભભાઈ સવાણી(ટોપી) સામે કતારગામ પોલીસમાં અરજી થઈ હતી. આ ઉપરાંત જાન્યુઆરી, 2020માં બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણીની ઓફિસમાંથી પકડી પાડ્યા હતા. આ સમયે મહેશ સવાણી ફરાર થઈ ગયા હતા.

3 કરોડના બદલે રૂ.19 કરોડ માગવાનો આક્ષેપ થયો હતો
મહેશ સવાણી પર આરોપ લાગ્યો હતો કે, પાર્લે પોઇન્ટની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર ગૌતમ ખોડીકા પટેલના બંગલે મહેશ સવાણી અને તેના સાગરીતોએ બિલ્ડરને કારમાં બેસાડી ઓફિસે લઈ જઈ માર માર્યો હતો. બિલ્ડરની પાસેથી 3 કરોડની રકમના બદલામાં બંગલો લખી આપવા અથવા 19 કરોડની રકમ આપવા દબાણ કર્યુ હતું.

ભાજપમાંથી સુરત લોકસભા બેઠક માટે નામ ચર્ચામાં હતું
2019ની લોકસભા ચૂંટણીમાં મહેશ સવાણીને ભાજપમાંથી સુરત બેઠક માટે ટિકિટ આપવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી. મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડીરૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહફાળો આપ્યો હતો.

બીજી લહેરમાં સુરતમાં 11 કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા
સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ કોરોનીની બીજી લહેર સમયે ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠનની 11 કોવિડ અઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તેમની ટીમ લઈને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પહોંચ્યા હતા.