સન્ડે બિગ સ્ટોરીડ્રગ્સના 'બાતમીકિંગ' પોલીસ ઓફિસર:મળો ભાવેશ રોજિયાને, જેમના નેટવર્કે ક્યારેક પથ્થરમાંથી તો ક્યારેક ભંગારમાંથી 6000 કરોડનાં ડ્રગ્સને પકડાવ્યું!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

"આ વાત 2019ની છે. અમને બાતમી મળી હતી કે, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા અને ઈરાની ડ્રગ્સ માફિયા ભેગા મળી દરિયાઈ માર્ગે હેરોઇનની ડિલિવરી કરવાના છે. આ માટે ઈરાનના કોનાર્ક પોર્ટથી ફિશિંગની આડમાં બોટમાં હેરોઇન રવાના કર્યું છે. આ બોટ હિન્દુસ્તાની જળસીમામાં એન્ટર થઈ ત્યારે જ અમે જેમિની જેટ ફાઈબર બોટમાં ત્યાં પહોંચ્યા. પરંતુ અચાનક જ મોટો ધડાકો થયો અને અમે ચોંકી ગયા. હકીકતમાં ડ્રગ્સ સાથે ઝડપાઈ ન જવાય તે માટે ઈરાની ક્રૂએ પોતાની જ બોટને આગ ચાંપીને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા માટે સૌથી પહેલી ચેલેન્જ તો બોટને બચાવવાની, બોટ પરના ક્રૂને બચાવવાની અને પછી ડ્રગ્સને પકડવાની હતી. પરંતુ અમે અમારાં સાધનો વડે આગ બુઝાવીને 9 ઈરાની ક્રૂને બચાવ્યા અને તેમાં છુપાવેલો 100 કિલો હેરોઈનનો જથ્થો પણ પકડી પાડ્યો. મધદરિયે આ રીતે અમારું આ પહેલું ડ્રગ્સ રિકવરીનું ઓપરેશન હતું."

એક કડી પરથી ડ્રગ્સની હેરાફેરી સૂંઘવામાં છે માહેર
ડ્રગ્સ હોય કે ગેંગસ્ટર તેને પકડવા માટે પોલીસ અધિકારીઓએ જીવ સટોસટનો ખેલ ખેલવો પડે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. પોલીસે એક્શનપેક્ડ ફિલ્મની જેમ જ આ દિલધડક ઓપરેશનો પાર પાડ્યાં છે. તેમાં જો જરા પણ ચૂક થઈ જાય તો જીવ પણ જઈ શકે અથવા તો ડ્રગ્સનો જથ્થો નજર સામે જ હવામાં ઓગળી શકે છે. ડ્રગ્સ પકડવા માટે ઇન્ફોર્મરે આપેલી એક કડી પરથી જ એક જ પળમાં આખી વાત સમજી જાય એને જ તો જાંબાઝ ઓફિસર કહેવાય. ગુજરાતમાં પણ આવા જ એક અધિકારી છે અને તેનું નામ છે રોજિયા. સુરત ક્રાઇમબ્રાન્ચમાં આસિ.પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા ભાવેશ રોજિયા અને તેમની ટીમે એક બાદ એક ઓપરેશન કેવી રીતે પાર પાડ્યાં તેની દિલધડક કહાની જાણો આજની સંડે બિગ સ્ટોરીમાં.

2001માં PSI તરીકે જોડાયા હતા રોજિયા
આવાં તો ઘણાં સંસ્મરણો છે, હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આસિ. પોલીસ કમિશનર (ACP) તરીકે ફરજ બજાવી રહેલા ભાવેશ રોજિયાનાં. આ એ જ ભાવેશ રોજિયા છે જેઓ 2001માં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસ ફોર્સમાં જોડાયા હતા, અને પોતાની મહેનત, બાહોશ કામગીરી થકી ATSમાં Dy.SP અને હવે સુરત ક્રાઈમ બ્રાંચમાં ACPના હોદ્દા સુધી પહોંચ્યા છે. આ એ જ ભાવેશ રોજિયા છે જેમણે પોતાના બાતમીના નેટવર્કના આધારે 6 હજાર કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે. નિયમ પ્રમાણે એવરેજ કાઢીએ તો ગુજરાત સરકાર ડ્રગ્સ પકડનાર અધિકારીને 5% ઈનામી રકમ આપે છે. આ રીતે હિસાબ માંડીએ તો ACP ભાવેશ રોજિયાએ ગુજરાત સરકાર પાસે રૂ. 300 કરોડ ઈનામી રકમ તરીકે લેવાના નીકળે. જો કે, સરકારના નિયમ મુજબ કોઈ એક પોલીસ અધિકારીને તેમના કાર્યકાળમાં મહત્તમ રૂ. 20 લાખનું જ ઈનામ મળી શકે છે.

ફેંદી ચિરોડી ને મળ્યું 2500 કરોડનું 250 કિલો ડ્રગ્સ!
હવે વાત કરીએ કંડલા પોર્ટ પરથી પકડાયેલા 2500 કરોડના ડ્રગ્સની. ભાવેશ રોજિયાને પાક્કી બાતમી મળી હતી કે, કંડલા પોર્ટ પર અફઘાનિસ્તાનથી મોટા જથ્થામાં ડ્રગ્સ આવી રહ્યું છે, પરંતુ શરૂમાં પાક્કું લોકેશન નહોતું મળ્યું. એક કન્ટેનરમાં ડ્રગ્સ છે અને 200 કિલોથી વધુ ડ્રગ્સ છે તે પણ બાતમી હતી. હવે પોર્ટ ઉપર તો હજારો કન્ટેનર પડ્યા હોય અને તેમાંથી ડ્રગ્સને શોધવું એ તો ઘાસના પૂળામાંથી સોય શોધવા જેવું કામ હતું. પરંતુ રોજિયા આમ થોડા હાર માને.. તેમણે પોતાના નેટવર્કને વધુ સઘન બનાવ્યું ને છેલ્લે માહિતી મળી કે ચિરોડી (એક પ્રકારનો પથ્થર) ભરેલા કન્ટેનરમાં આ ડ્રગ્સ છે. હવે ચિરોડી લઈને આવેલા કન્ટેનરને શોધતાં-શોધતાં ATS અને DRIની સંયુક્ત ટીમ એ કન્ટેનર સુધી પહોંચી જેમાં ડ્રગ્સ હતું. DRIએ કન્ટેનરમાંથી 250 કિલો હેરોઇન જપ્ત કર્યું. આ હેરોઇનની ઇન્ટરનેશનલ માર્કેટમાં આશરે રૂ. 2500 કરોડની કિંમત હતી. ચિરોડીની આડમાં પણ ડ્રગ્સ આવી શકે છે તેવું પોલીસને આ દરોડામાં પહેલીવાર જાણવા મળ્યું હતું.

ભાવેશ રોજિયા એકદમ 'ડાઉન ટુ અર્થ' માણસ..
દિવ્ય ભાસ્કરે જ્યારે રોજિયાને તેમના બાતમીના નેટવર્ક થકી પકડાયેલા ડ્રગ્સ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે હસતાં હસતાં ના પાડી દીધી. "અરે ભાઈ.. આ તો ટીમવર્ક છે અને મેં એકલાએ થોડું ડ્રગ્સ પકડ્યું છે.." જો કે, એ વાત અલગ છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ કલકત્તા, દિલ્હી, UP, વેસ્ટ બંગાળમાંથી પણ ભાવેશ રોજિયાએ બાતમીના આધારે ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપ્યો છે. ભાવેશ રોજિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનથી ખૂબ નજીક છે અને આ કારણે જ ડ્રગ્સની હેરાફેરી માટે વલ્નરેબલ છે. અગાઉ ડ્રગ્સની તસ્કરી માટે પંજાબ બોર્ડરનો પાકિસ્તાનમાંથી ઉપયોગ કરાતો હતો. પરંતુ બીએસએફે પંજાબની આખી બોર્ડર સીલ કરી દીધી છે અને આ કારણે પાકિસ્તાનનો પીઓકે સાથે ડ્રગ્સનો ટ્રેડ બંધ થયો છે. આ કારણથી જ હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાનથી શિપ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ હવે મોટાપાયે ઘુસાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ લાવી પંજાબ-દિલ્હી મોકલાયઃ રોજિયા
ગુજરાતમાં એક વાર ડ્રગ્સ આવી જાય પછી તેના અલગ અલગ રૂટ બને છે. ભાવેશ રોજિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ગુજરાતમાં લેન્ડ થયા બાદ ડ્રગ્સને દિલ્હી અને પંજાબ મોકલવામાં આવે છે. બીજી તરફ ભારતીય એજન્સીઓ પાસે એવી પણ માહિતી છે કે, ગુજરાત આવ્યા બાદ ડ્રગ્સને ચાઈના તથા પૂર્વ એશિયાના દેશોમાં રવાના કરાય છે. આ ઉપરાંત મિડલઈસ્ટના દેશોમાં પણ અહીંથી ડ્રગ્સના કન્સાઈન્મેન્ટ મોકલવામાં આવે છે. આમ, અફઘાનિસ્તાન દ્વારા ગુજરાત થઈને ડ્રગ્સને ભારતમાં ઘુસાડી ત્યાંથી દુનિયાભરમાં મોકલવા સિલ્કરૂટની જેમ તેનો ઉપયોગ કરાવાની શંકા છે. પરંતુ ATSએ વારંવાર ડ્રગ્સના જંગી જથ્થા ઝડપી પાડીને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાંખી છે.

શાહીનબાગવાળા હૈદરે પાડોશીને ત્યાં 150 કિલો ડ્રગ્સ છુપાવ્યું હતું
ગુજરાત ATSની મદદથી ગત મે મહિનામાં NCBએ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાંથી 50 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. જેની કિંમત રૂ. 300 કરોડ થતી હતી અને પોલીસે આ કેસમાં ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ATSને બાતમી મળી હતી કે, અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું એક કન્સાઈનમેન્ટ દિલ્હી આવ્યું હતું, જે ઈ-કોમર્સ સાઈટના પેકિંગમાં બંધ હતું. આમ તો આ કેસ અહીં જ સમેટાઈ ગયો હતો. પરંતુ ભાવેશ રોજિયાને તો આનાથી પણ 5 ગણાં મોટા કન્સાઈન્મેન્ટની બાતમી હતી. ગુજરાત ATSએ તપાસ જારી રાખીને એક પછી એક કડી જોડવાનું ચાલુ રાખ્યું. અંતે ATSને શાહીનબાગના ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણામાંથી 150 કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત લગભગ રૂ. 900 કરોડ હતી. હૈદરની NCBએ શાહીનબાગના એક ઘરમાંથી ધરપકડ કરી હતી. હૈદરે આમાં પણ એક કારી કરી હતી જે ફાવી નહોતી. બન્યું એવું કે હૈદરે પોતાના ઘર પર દરોડો પડવાની આશંકાએ 150 કિલો હેરોઈન મુઝફ્ફરનગરમાં પાડોશીના ઘરે સંતાડી દીધું હતું. શરૂમાં તો ATSને પણ હૈદરના ઘરે ડ્રગ્સ ન મળતા ફાંફે ચઢી હતી. પરંતુ બાતમી પાક્કી હતી જેથી ATSએ હૈદરના પાડોશીને ત્યાં તપાસ કરતા હેરોઈન મળી આવ્યું હતું.

ભાવેશ રોજિયાનું આખું નેટવર્ક આ રીતે કામ કરે છે
ડ્રગ્સ પકડવવા બાબતે ભાવેશ રોજિયાએ કહ્યું કે, અમે ટીમ બનીને કામ કરતા હોઈએ છીએ. આ માટે તમારાં બધા પ્રકારનાં નેટવર્ક હોવાં જરૂરી છે કારણ કે ડ્રગ્સ માફિયા અલગ અલગ MO વાપરીને ડ્રગ્સ ઘુસાડતા હોય છે. ડ્રગ્સને પહેલાં તો સંતાડીને કે પછી કન્ટેનરમાં કે પછી કોઈને શંકા ના જાય એ રીતે ડ્રગ્સ ઘુસાડતા હોય છે. ડ્રગ્સ પકડાવવામાં ઘણા પડકાર પણ હોય છે માટે આ કોઈ એક માણસનું કામ નથી. ATS ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ તથા બીજી એજન્સીઓ એક થઈને કામ કરે છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ પકડવાની વાત કરીએ તો ગુજરાત કોસ્ટગાર્ડ ઉપરાંત ATS, DRI અને NCB જેવી એજન્સીઓની મદદ લઇ કામ કરીએ છીએ.

હ્યુમન ઈન્ટેલિજન્સ ડ્રગ્સ પકડવામાં સૌથી મહત્ત્વનું!
ડ્રગ્સ તસ્કરોની બદલાયેલી મોડસ ઓપરેન્ડીથી પણ ACP રોજિયા સારી રીતે વાકેફ છે. આ માટે જ ATS અને ક્રાઈમ બ્રાન્ચ પોતાના બાતમીદારોના નેટવર્કને સજ્જડ બનાવવા ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાત પોલીસની સજ્જતા વિશે ભાવેશ રોજિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ગુજરાતનો દરિયાકિનારો આમેય 1600 કિ.મી. લાંબો છે. આ કારણથી અંદર માલ-સામાન ઘુસાડવા તસ્કરો લલચાય તે સ્વાભાવિક છે. તેમાં પણ કચ્છનો દરિયાકિનારો તો પાકિસ્તાનથી ખૂબ નજીક છે. અહીં છીંડા પાડવાની પણ પાકિસ્તાની અને અફઘાની ડ્રગ્સ માફિયાએ ઘણી કોશિશો કરી. પરંતુ ગુજરાત પોલીસ તથા કેન્દ્રની બધી એજન્સીઓ કો-ઓર્ડિનેશન કરીને કામ કરે છે. આ ઉપરાંત ડ્રગ્સ પકડવામાં હ્યુમન ઈન્ટેલિજન્સ સૌથી વધુ ઉપયોગી નીવડે છે. ડ્રગ્સને દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડીને પંજાબ, દિલ્હી જેવાં બીજાં રાજ્યો ઉપરાંત કોલકાતા જેવાં શહેરોમાં મોકલાય છે. ATSએ આવાં દૂર શહેરો અને રાજ્યોમાં જઈને ત્યાંથી પણ ડ્રગ્સ પકડ્યું છે.

નાર્કોસની જેમ વડોદરાની ફેક્ટરીમાંથી 225 કિલો ડ્રગ્સ પકડ્યું
કોલમ્બિયન ડ્રગલોર્ડ પાબ્લો એસ્કોબાર ગવિરિયાની મોડસ ઓપરેન્ડીથી વડોદરાના સાવલીમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી. અહીં ગૃહઉદ્યોગની જેમ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ ચાલતું હતું. ATSએ આ ફેક્ટરીમાં દરોડો પાડીને ગેરકાયદેસર બનાવાયેલું 1125 કરોડની કિંમતનું 225 કિગ્રા મેફેડ્રોન ડ્રગ પકડી પાડ્યું હતું. આ આખેઆખું કૌભાંડ ભાવેશ રોજિયાને મળેલી બાતમીના આધારે પકડી પડાયું તેની પણ રસપ્રદ કહાણી છે. ડ્રગ્સ બનતું હતું ત્યાંથી બહુ દૂરના લોકેશનના એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવની મહત્ત્વની ભૂમિકાએ આ જથ્થો પકડાવ્યો હોવાનું સૂત્રો કહે છે. આ દરોડામાં પકડાયેલા આરોપીમાંથી રાકેશ મકાણી કેમિસ્ટ્રી વિષય સાથે M.Sc. થયા હતા અને 2011થી ફાર્માસ્યુટિકલ સૅક્ટરમાં કાર્યરત હતા. જ્યારે વિજય વસોયા, દિલીપ વઘાસિયા, મહેશ ધોરાજી અને પીયૂષ પટેલ તેમના સાગરીત હતા. પોલીસ અનુસાર આ તમામ આરોપીઓ જાતે જ કાચા માલ થકી નાની ફેક્ટરી સ્થાપી અને તેનું ઘરગથ્થુ ઉત્પાદન કરતા હતા.

બધા જીવ બચાવવા ભાગ્યા પણ રોજિયા દારૂ ભરેલી ટ્રક પાછળ લટકી ગયા
ભાવેશ રોજિયાએ 2001માં પોલીસ સબઈન્સપેક્ટરની ભરતી આવી ત્યારે તેની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પાસમાં થઈને ભાવેશ રોજિયાએ PSI તરીકે કામગીરી શરૂ કરી હતી. આમેય સ્વભાવ પહેલેથી સાહસિક એટલે મુશ્કેલ પળોમાં જીવની પરવા કર્યા વિના કૂદી જ પડે. એક વખત જ્યારે રોજિયાનું વડોદરા જિલ્લામાં પોસ્ટિંગ હતું ત્યારે તેમને દારૂની ટ્રક પસાર થવાની બાતમી મળી હતી. નાકાબંધી કરીને ઊભા હતા ત્યારે પેલી ટ્રક આવી પણ ચાલકે ટ્રક મારી મૂકતા બધા જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા. પરંતુ ભાવેશ રોજિયા જીવની પરવા કર્યા વિના દારૂ ભરેલી આ ટ્રકને રોકવા તેની પાછળ લટકી ગયા હતા. અંતે ઢસડાતા-ઘવાતા રોજિયાએ ટ્રક પડકી ખરી અને ગંભીર રીતે ઘવાયા પણ હતા. ભારત સરકારે આ ઘટનાની કદર રૂપે ભાવેશ રોજિયાને શૌર્ય ચંદ્રક એનાયત કર્યો હતો જે બહુ ઓછા પોલીસ અધિકારીઓને એનાયત કરાય છે.

ડ્રગ્સ સાથે ઝડપાઈ ન જવાય તે માટે ઈરાની ક્રૂએ પોતાની જ બોટને આગ ચાંપીને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો પણ રોજિયાની ટીમ તેમાંથી પણ ડ્રગ્સ પકડી લાવી.
ડ્રગ્સ સાથે ઝડપાઈ ન જવાય તે માટે ઈરાની ક્રૂએ પોતાની જ બોટને આગ ચાંપીને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો પણ રોજિયાની ટીમ તેમાંથી પણ ડ્રગ્સ પકડી લાવી.

જખૌમાં તો 56 કિલો ડ્રગ્સ પકડવા ફાયરિંગ કરવું પડેલું
એપ્રિલ, 2022માં તો ATSને ડ્રગ્સ પકડવામાં જાણે એક પછી એક લોટરી લાગી હતી. કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે એક ઓપરેશનમાં 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન પકડી પાડયું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનની બોટ અલ-હજમાં સવાર 9 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ડ્રગમાફિયા મુસ્તુફાએ આ કન્સાઈન્મેન્ટ મોકલ્યું હતું. જોકે કોસ્ટ ગાર્ડની બોટ જોઈને ડ્રગ-પેડલર્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા કોસ્ટ ગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો, જેમાં 3થી 4 ડ્રગ-પેડલર ઈજાગ્રસ્ત થયા હતા. મુસ્તુફાએ ઉત્તર ભારતમાં મોકલવા માટે હેરોઈનનું આ કન્સાઈન્મેન્ટ પાકિસ્તાનથી રવાના કર્યાની બાતમી મળી હતી. અલ-હજ નામની બોટમાં આવેલા ડ્રગમાફિયાએ કોસ્ટ ગાર્ડને જોઈને બોટ પૂરઝડપે ભગાવી હતી. જેથી ફાયરિંગ કરી અટકાવેલી બોટમાં પોલીસે સર્ચ કરતાં 56 પેકેટમાંથી 56 કિલો હેરોઈન (કિંમત રૂ.280 કરોડ) મળી આવ્યું હતું.

બાતમીના સ્ટ્રોંગ નેટવર્કને સરકારે પણ બિરદાવ્યું
ગુજરાતમાં સતત પકડાયેલા ડ્રગ્સમાં ભાવેશ રોજિયાના બાતમીના સ્ટ્રોંગ નેટવર્કને સરકારે પણ બિરદાવ્યું હતું. મોરબીમાં પકડાયેલા ડ્રગ્સ માટે રોજિયાને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રોજિયાને ડ્રગ્સવિરોધી ઝુંબેશમાં મહત્ત્વપૂર્ણ કામગીરી બદલ કોસ્ટગાર્ડ ડીજી ડેસ્કનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયામાં ડ્રગ્સ તસ્કરોને પકડવાના એક પછી એક સફળ ઓપરેશનો પાર પાડનારા રોજિયાને તેમની કામગીરી બદલ કોસ્ટગાર્ડે સન્માનિત કર્યા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં પોરબંદર નજીક ભારતીય જળસીમામાં પાકિસ્તાનથી ડ્રગ્સ શ્રીલંકા લઈ જતા આરોપીઓને ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ પકડ્યા તેની બાતમી પણ રોજિયાને જ મળી હતી. આ ઉપરાંત પણ ભાવેશ રોજિયાને અન્ય એક સફળ ઓપરેશન માટે કોસ્ટગાર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાવેશ રોજિયા (ડાબેથી બીજા ક્રમે પોલીસ વડા આશિષ ભાટિયાની પાછળ ભાવેશ રોજિયા)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાવેશ રોજિયા (ડાબેથી બીજા ક્રમે પોલીસ વડા આશિષ ભાટિયાની પાછળ ભાવેશ રોજિયા)

મોટાભાગના કેસોમાં રોજિયાની બાતમીઃ ATS એસપી
ગુજરાત ATSના હાલના SP સુનિલ જોશીએ પણ મોટાભાગના ડ્રગ્સ સીઝરમાં ભાવેશ રોજિયાની જ બાતમી કામ લાગી હોવાનું જણાવ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સુનિલ જોશીએ કહ્યું હતું કે, ભાવેશ રોજિયા ATSમાં હતા ત્યારે તેમજ અત્યારે તેઓ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગયા તે પછી પણ તેમની બાતમીના આધારે સંકલનમાં રહીને ઘણા કેસો અમે કર્યા છે. એ વાત સાચી છે કે, મોટાભાગના ડ્રગ્સ પકડવાના કેસમાં ભાવેશ રોજિયાની બાતમી કારણભૂત છે. એક વાર બાતમીના આધારે ઓપરેશન ચાલુ થાય ત્યારે બીજા અધિકારીઓ પણ તેમાં જોડાય છે અને અલગ-અલગ એજન્સી સાથે પણ રોજિયાનું સંકલન સારું છે. આ માટે અલગ-અલગ રિવોર્ડ પોલિસી પણ છે જ્યારે એક અધિકારીને રૂ. 20 લાખનો લાઈફટાઈમ એવોર્ડ મળી શકે છે.

7 મહિના સુધી કોલકાતા પોર્ટ પર પડેલું 40 કિલો ડ્રગ્સ પકડ્યું
ભાવેશ રોજિયાનું ઈન્ફોર્મેશન નેટવર્ક કેટલું જબરદસ્ત છે તેનો એક દાખલો ગત સપ્ટેમ્બરમાં કોલકાતા પોર્ટ પરથી પકડાયેલા 200 કરોડના 40 કિલો ડ્રગ્સનો છે. ઉલ્લેખનીય છે કે, કોલકાતા પોર્ટના સેન્ચુરી ફ્રેઈટ સ્ટેશન પર હેવી મેલ્ટિંગ સ્ક્રેપ તરીકે ડિક્લેર કરેલું એક કન્ટેઈનર ગત ફેબ્રુઆરી, 2022માં દુબઈથી આવ્યું હતું. પરંતુ ત્યારથી તે કન્ટેઈનર કોલકાતા પોર્ટના સેન્ચુરી ફ્રેઈટ સ્ટેશન ખાતે જ પડ્યું રહ્યું હતું કારણ કે કોઈ તેને લેવા આવ્યું નહોતું. છ મહિના બાદ અચાનક જ આ કન્ટેઈનરને લગતી કોઈ મૂવમેન્ટ થઈ અને સીધો મેસેજ ગુજરાત ATSમાં ભાવેશ રોજિયા પાસે પહોંચી ગયો. બસ, તરત જ ગુજરાત ATS આ મામલે DRIને જાણ કરી. બંનેના સંયુક્ત ઓપરેશનમાં કોલકાતા પોર્ટ પર રેઈડ કરીને આ કન્ટેઈનરમાં ગીયરબોક્સની અંદર છુપાડેલા 40 કિલો હેરોઈનના 72 પેકેટને જપ્ત કર્યા હતા.

સલાયા ડ્રગ્સ ઓપરેશન સમયની તસવીર.
સલાયા ડ્રગ્સ ઓપરેશન સમયની તસવીર.

ટૂંકાગાળામાં જ ગુજરાતમાં 6 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસ અને ખાસ ATSની પીઠ થાબડી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત જ નહીં, અનેક રાજ્યોનાં ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. કોઈ ગમે એવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. ગુજરાત પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

ગુજરાતના દરિયે ડ્રગ્સ મૂવમેન્ટની બાતમી રોજિયા પાસે હોય જ
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષમાં એકાએક વધુ માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે લોકોમાં આશ્ચર્ય એ વાતનું છે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કેમ અચાનક પકડાઈ રહ્યું છે? ત્યારે ડ્રગ્સ પકડવામાં સૌથી મોટું યોગદાન ગુજરાત ATSના એક અધિકારીનું છે. આ અધિકારી કોઈ નહીં અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યરત ભાવેશ રોજિયાનું છે. વિશ્વના કોઈપણ ખૂણામાંથી ડ્રગ્સની મૂવમેન્ટ થાય અને તે ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમામાં આવે તો તેની સચોટ બાતમી ભાવેશ રોજિયા પાસે હોય જ. આ કારણથી જ તેઓ ડ્રગ્સને મોટા પ્રમાણમાં પકડવામાં સફળ થયા છે.

નવેમ્બર-2021માં મોરબીના ઝીંઝુડાથી 600 કરોડનું ડ્રગ્સ પકડનાર ટીમ ડાબેથી પિનાકિન પરમાર, બીએ ચાવડા, હિમાંશુ શુક્લા, દીપન ભદ્રન, કે.કે.પટેલ અને ભાવેશ રોજિયા.
નવેમ્બર-2021માં મોરબીના ઝીંઝુડાથી 600 કરોડનું ડ્રગ્સ પકડનાર ટીમ ડાબેથી પિનાકિન પરમાર, બીએ ચાવડા, હિમાંશુ શુક્લા, દીપન ભદ્રન, કે.કે.પટેલ અને ભાવેશ રોજિયા.

મોરબીમાં અન્ડર કન્સ્ટ્રક્શન મકાનમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
મોરબીના ઝીંઝુડા ગામે પાકિસ્તાનથી આવેલું ડ્રગ્સ સંતાડાયું હોવાની ATSને બાતમી મળી હતી. ATSએ નિર્ધારિત સ્થળે દરોડો તો પાડ્યો પરંતુ ત્યાં તો મકાન બની રહ્યું હતું. ડ્રગ્સ અહીં જ છે એ વાતનું રિકન્ફર્મેશન કરીને રોજિયાએ પોતાની ટીમને પણ થરોલી તપાસ કરવા કહ્યું. અંતે મકાનના બીમના હિસ્સામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત અંદાજે રૂ. 600 કરોડ હોવાનું મનાતું હતું. પોલીસે 3 શખ્સોની અટકાયત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સ પકડવા ATSએ ઝીંઝુડા ગામમાં મધરાતે દરોડા પાડ્યા હતા. પોલીસ અનુસાર, આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ ડીલર ઝાહીદ બલોચ નામની એક વ્યક્તિ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેની સાથે કામ કરનારામાં મુક્તાર હુસૈન અને સમસુદ્દીન સૈયદનાં નામ બહાર આવ્યાં હતાં.

ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ સ્વીકારી રહેલા ભાવેશ રોજિયા.
ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ સ્વીકારી રહેલા ભાવેશ રોજિયા.

રોજિયાને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પણ એનાયત કરાયો
ભાવેશ રોજિયા ગુજરાત ATSના DySP હતા ત્યારે વિશાળ જથ્થામાં ડ્રગ્સ પકડવાના કારણે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આમાં શિરમોર છે ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ, જે તેમને એપ્રિલ 2022માં એનાયત કરાયો હતો. સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...