ઠગાઇ:મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરેલી દવાના રૂ. 15.10 લાખ લઈને સેલ્સમેન ફરાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેનેજરે બાકી પેમેન્ટ માટે ફોન કરતાં સેલ્સમેનનો ભાંડો ફૂટ્યો
  • સ્ટોર પાસેથી પેમેન્ટ લઈને પૈસા કંપનીમાં જમા કરાવ્યા ન હતા

ફાર્મા કંપનીનો સેલ્સમેન મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરેલી દવાઓના બિલના રૂ. 15.10 લાખ રોકડા ઉઘરાવીને ભાગી ગયો હતો. મેનેજરે બિલો ચેક કરીને બાકી પેમેન્ટ માટે ફોન કરતાં સેલ્સમેનનો ભાંડો ફૂટ્યો હતો. સેલ્સમેને 10 માસમાં પૈસાનો ફાંદો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નારણપુરાના નીલેશભાઈ મોદી ગોતા શાયોના સિલ્વર એસ્ટેટ-2માં આવેલી ધ્રુવી ફાર્મા કંપનીમાં મેનેજર છે. તેમના હાથ નીચે 7 સેલ્સમેન અને 5 બિલિંગ કર્મચારી મળી 12 માણસોનો સ્ટાફ છે.

એક અઠવાડિયા પહેલાં નીલેશભાઇ મેડિકલ સ્ટોરમાં સપ્યાલ કરેલી દવાઓની યાદી ચેક કરતા હતા. જેમાં અક્ષર મેડિસિન, જય મેડિસિન અને ઓનેસ્ટ મેડિકલ સ્ટોરને સપ્લાય કરેલી દવાઓનું પેમેન્ટ આવ્યું ન હતું. જેથી નીલેશભાઈએ ત્રણેય મેડિકલ સ્ટોરમાં ફોન કરતાં તેમણે કહ્યું હતું કે, તમારું પેમેન્ટ સેલ્સમેન મુકેશ ગમનાજી પ્રજાપતિને રોકડ આપી દીધું હતું.

જેથી તમામ મેડિકલ સ્ટોરમાં સપ્યાલય કરેલી દવા અને પેમેન્ટની યાદી ચેક કરતા 34 મેડિકલ સ્ટોરો એવા હતાં, કે જ્યાં સપ્યાલ કરેલી દવાઓના પેમેન્ટના રૂ.15.10 લાખ મુકેશ પ્રજાપતિ રોકડેથી લઈ આવ્યો હતો. પરંતુ મુકેશે તે પૈસા કંપનીમાં જમા કરાવ્યા ન હતા. નીલેશભાઈએ માલિક રૂપેશભાઈ શાહને જાણ કરતા તેમણે મુકેશ પ્રજાપતિ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. મુકેશે 10 મહિનામાં કંપનીના રૂ.15.10 લાખનો ફાંદો કર્યો હતો.

સ્ટોરના પેમેન્ટનું આઉટસ્ટેન્ડિંગ લિસ્ટ ચેક કરાયું
મુકેશ પ્રજાપતિ જે-જે મેડિકલ સ્ટોરમાંથી રોકડા પૈસા લઈ આવ્યો હતો. તે તમામ મેડિકલ સ્ટોર પર નીલેશભાઈ જાતે તેમણે મગાવેલી દવાના બિલ અને તેની સામે મેડિકલ સ્ટોરે કરેલા પેમેન્ટનું આઉટસ્ટેન્ડિંગ લીસ્ટ ચેક કર્યું હતું. જેમાં ખરેખર મુકેશ તેમની પાસેથી પૈસા લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...