આરોગ્ય મંત્રીએ રોકડું પરખાવ્યું:મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ ગેરકાયદે-ગેરવાજબી, પાછી નહીં ખેંચે તો પગલાં લેવાશે, PGમાં એડમિશન નહીં મળેઃ નીતિન પટેલ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્યમંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ. - Divya Bhaskar
આરોગ્યમંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ.
  • કેન્દ્ર સરકારે મોરબીમાં 100 બેઠક ધરાવતી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપી, નીતિન પટેલની જાહેરાત
  • ઈન્ટર્નશીપ કર્યા વિના ડોક્ટર નથી થવાતું, ઈન્ટર્ન્સે સરકારની મજબૂરીનો લાભ લેવા કોશિશ ન કરવી જોઈએ
  • રાજ્યમાં જે તે શહેરના ખાનગી હોસ્પિટલના નામાંકિત ડૉક્ટરોની માનદ સેવા સરકારી હૉસ્પિટલને મળશે

રાજ્યમાં હાલમાં સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારા માટે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને રૂ. 12,800 સ્ટાઈપેન્ડ મળે છે, જે વધારીને રૂ. 20 હજાર કરવું જોઈએ. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા ઈન્ટર્ન્સ સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. ઈન્ટર્ન્સની આ આખી હડતાળ જ ગેરકાયદેસર અને ગેરવાજબી હોવાનું રોકડું પરખાવતા નીતિન પટેલે ઉમેર્યું હતું કે, તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તેમને PGમાં એડમિશન નહીં મળે. ઈન્ટર્નશીપ કર્યા વિના ડોક્ટર થવાતું નથી અને આ ઈન્ટર્ન્સે સરકારની મજબૂરીનો લાભ લેવાની કોશિશ કરવી ન જોઈએ. અલબત્ત, મોરબીમાં 100 સીટ સાથે નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે અને તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ હોવાનું નીતિનભાઈએ કહ્યું હતું.

મોરબીમાં નવી મેડિકલ કૉલેજની જાહેરાત
નીતિન પટેલે જણાવ્યું કે અમે અગાઉ કેન્દ્ર સરકારને પત્ર લખીને મોરબીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. હવે કેન્દ્ર સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષથી જ મોરબીમાં 100 બેઠક ધરાવતી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનનો આ મંજૂરી સાથેનો પત્ર આજે આવી ગયો છે.

ઈન્ટર્ન્સ સાથે મુલાકાતમાં નીતિનભાઈએ કહ્યું- હડતાળ ગેરકાયદે
પોતાને મળતા માસિક માનદ વેતનની રકમ રૂ. 12,800થી વધારી રૂ. 20 હજાર કરવાની માગ સાથે મેડિકલ ઈન્ટર્ન્સનું એક પ્રતિનિધિમંડળ આજે આરોગ્યમંત્રી નીતિન પટેલને મળ્યું હતું. આ બેઠકમાં અને ત્યારબાદ પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, આ આખી હડતાળ જ ગેરવાજબી અને ગેરકાયદે છે. મેડિકલ ઈન્ટર્ન્સે હાલની સ્થિતિનો ગેરલાભ લેવા પ્રયત્ન કરવો ન જોઈએ. જો ઈન્ટર્ન્સ તેમની હડતાળ જારી રાખશે તો સરકાર આકરા પગલાં ભરશે અને કાલથી ગેરહાજરી ભરવાનું શરૂ કરશે. ગેરહાજરી હશે તે ઈન્ટર્નને પીજીમાં એડમિશન પણ નહીં મળે.

અમદાવાદ સિવિલમાં સાંજની OPD ફરી શરૂ કરાશે
પત્રકારોને નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સ્થિતિને જોતા અગાઉ સાંજની OPD બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ હળવી થતા અમદાવાદ સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાં OPD શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગની સારી કામગીરી અને પ્રજાની જાગૃતિના કારણે હાલમાં કોરોનાની 84% પથારી ખાલી છે. અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ અને અન્ય તમામ સ્થિતિને જોતા ગુજરાતની જનતાના સહયોગથી કોરોના પર નિયંત્રણ લેવામાં આપણે સફળતા મેળવી છે.

સોલા સિવિલમાં વેક્સિનના ટ્રાયલમાં સાઇડ ઇફેક્ટની કોઈ ફરિયાદ નથી
નીતિન પટેલે ઉમેર્યું હતું કે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની વેક્સિનની પ્રથમ ટ્રાયલ ચાલી રહી છે. અત્યારસુધી આ ટ્રાયલ લેનારા એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થઈ નથી. જેથી રસીનો ડોઝ લેનારને હવે બીજો ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

જે-તે શહેરના નામાંકિત ડૉક્ટરોની માનદ સેવા સરકારી હૉસ્પિટલને મળશે
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત તબીબો સરકારી હૉસ્પિટલમાં માનદ સેવા આપશે. સરકારે આ માટેનું આયોજન કર્યું છે અને રાજ્યમાં નાગરીકોને ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની સેવા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...