જો દીકરીઓને થોડી મોકળાશ નહિ આપવામાં આવે તો તેઓ ગમે ત્યારે ઘર છોડીને મુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરશે. ત્યારે પરિવારજનો અને પોલીસને દોડવાનો વારો આવશે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. શહેરના શાહઆલમમાં રહેતી મામા-ફોઈની ત્રણ બહેનો પરિવારજનોના અતિશય બંધનથી કંટાળીને બહાર ફરવા જવાનો પ્લાન ઘડ્યો હતો.
સગીરાઓને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
12થી 15 વર્ષની ત્રણ બહેનો પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ લાલદરવાજા ખાતે ખરીદી કરવા જવાનું કહીને નિકળી હતી. કલાકો સુધી પરત નહિ ફરતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. દીકરીઓની ગુમ થવાની વાતની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ત્રણેય સગીરાઓને મુંબઇ મીરા રોડ પરથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પરિવારજનોના પ્રતિબંધથી ગુંગળાઈ સગીરાઓ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચૈતન્ય માંડલીકને આ કામગીરી માટે જવાબદારી સોંપી હતી. મુંબઇથી મળી આવેલી સગીરાઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઘરમાં તેમના ઉપર ખુબ જ પ્રતિબંધ હોવાથી તેઓ ગુંગળાતા હતા માટે ત્રણેય બહેનોએ મુંબઇ ફરવા જવાનો પ્લાન ઘડ્યો હતો. ત્રણેય બહેનો લાલ દરવાજા ખરીદી કરવા જવાનું કહી ઘરેથી નિકળી હતી અને કાલુપર રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી.
સગીરાઓએ મુંબઇ આવી હોવાનો કોલ કર્યો
જ્યાં મોડી રાત્રિ સુધી સૂઈ ગઈ હતી અને મુંબઇ ટ્રેનમાં બેસીને મુંબઇ પહોંચી ગઈ હતી. મુંબઇમાં ત્રણેય બહેનો જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પરિવારના સભ્યો તેમને શોધવા દોડધામ કરતા હતા. ત્યારે જ સગીરાઓએ પોતે ફરવા માટે મુંબઇ આવી હોવાનો કોલ કર્યો હતો. લોકલ નંબરને આધારે પોલીસે તરત જ સગીરાઓ મુંબઇના મીરા રોડ પર હોવાની માહિતી મેળવી લીધી હતી.
આઇડી પ્રુફ ન હોવાથી હોટેલ ન મળી
મીરા રોડ, કાશમીરા પોલીસ સ્ટેશનની મદદથી સગીરાઓની ભાળ મેળવી લીધી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે સગીરાઓને તાત્કાલીક અમદાવાદ લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જોકે, મુંબઇ ગયેલી ત્રણેય સગીરાઓ પાસે કોઈ જ આઇડી પ્રુફ ન હોવાથી અને તેઓ નાનકડી લાગતી હોવાથી તેમને મુંબઇમાં કોઈ હોટલમાં રહેવાનો રૂમ મળ્યો ન હતો. જેથી તેઓ જેતે વિસ્તારમાં જ ફરતી હતી. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તેઓ પ્લેટફોર્મ પર જ મોડી રાત સુધી સઇ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.