જગતનો તાત બેહાલ:વરસાદ ખેંચાતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું, ખેડૂતોને પાક સુકાવાની ચિંતા, હજી એક સપ્તાહ વરસાદની શક્યતાઓ નથી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથીઃ હવામાન વિભાગ.
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.

ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની કોઈ શક્યતાઓ નથી. વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી વધી ગયું છે. ગરમી વધવાથી લોકો હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ છે તો કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત છે.

18 ઓગસ્ટ બાદ વરસાદ થવાની શક્યતાઓ
ચાલુ વર્ષે ચોમાસાના સાનુકૂળ સંજોગો હોવા છતાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે. વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા.18 થી 24 સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

ખેડૂતોએ વાવેલો પાક સુકાઈ જવાની ચિંતા ( ફાઈલ ફોટો)
ખેડૂતોએ વાવેલો પાક સુકાઈ જવાની ચિંતા ( ફાઈલ ફોટો)

24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, સુરતમાં હળવો વરસાદ થયો છે. આગામી સમયમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ નહીંવત છે. 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં ડાંગર અને કપાસ સહિતના પાકોને લઈ ખેડૂતોમાં ચિંતા ( ફાઈલ ફોટો)
અમદાવાદમાં ડાંગર અને કપાસ સહિતના પાકોને લઈ ખેડૂતોમાં ચિંતા ( ફાઈલ ફોટો)

ડાંગર, કપાસ સહિતના પાકોને લઇને ખેડૂતો ચિંતામાં
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતા ખરીફ વાવેતરને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઉંચા જીવે કર્યું છે.ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા, અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતા આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.