હવામાન વિભાગની આગાહી:રાજ્યમાં 17થી 20 નવેમ્બર સુધી માવઠાની સંભાવના, નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 8 શહેરમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે રહ્યો, અમદાવાદમાં તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું

અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. 17થી 20 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડવાની સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં માવઠાની અસર હેઠળ 17મીએ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. એ જ રીતે 18 અને 19 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે. વધુમાં સોમવારે દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 8 જેટલા શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે પહોંચી જતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ઘટીને 31.9 ડિગ્રી તેમ જ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઘટીને 15.9 ડિગ્રી નોંધાતા મોડી સાંજ પછી અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વધુમાં વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે જો કે રાતના સમયમાં તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે. સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ઠંડી 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...