19 માર્ચ સુધી કમોસમી વરસાદની ભીતિ:સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાં, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં બુધવારે વીજળીના કડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં થયાં હતાં - Divya Bhaskar
ભાવનગરમાં બુધવારે વીજળીના કડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં થયાં હતાં
  • 25 વર્ષમાં પહેલીવાર લો બ્લોકિંગ સિસ્ટમ, વિખેરાય નહીં ત્યાં સુધી વિષમ હવામાન
  • હવા(બેઇ)માન!

રાજ્યભરમાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ઠેરઠેર વાદળછાયું વાતાવરણ તો વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા તો ઉત્તર ગુજરાત તથા અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો છે, જેને જેટ સ્ટ્રીમ પણ કહે છે. આ જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણને બ્લોક કરે તેને લો-બ્લોકિંગ સિસ્ટમ કહે છે. લો-બ્લોકિંગથી માવઠાની સ્થિતિ સર્જાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના શબ્દોમાં જાણો કેમ આવું વાતાવરણ

અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સરક્યુલેટ થઇ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં અવારનવાર પલટો આવી રહ્યો છે. જ્યાં સુધી માવઠાંની સાથે કરાના વરસાદની વાત છે ત્યાં સુધી વાદળો ઊંચે ચડતા તેમાં ટીપા બંધાયા અને દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશમાં થતી હિમવર્ષાની અસરના કારણે નાના હિમકણો બની મોટા હિમકણોમાં રૂપાંતરિત થતા કરા બની ગયા અને છૂટાછવાયો કરાનો વરસાદ પણ વરસી રહ્યો છે.

કમોસમી વરસાદ થવાની પ્રક્રિયા હજુ આગળ પણ ચાલુ રહેશે
આકાશી વાદળોમાં નેગેટિવ - પોઝિટિવ ધ્રુવથી (વાદળો અથડાવાથી) વીજપ્રપાત થાય છે અને તે જુદા જુદા જથ્થાને અથડાવાથી ગર્જના થતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરાળ ઠરીને કમોસમી વરસાદ થવાની પ્રક્રિયા હજુ આગળ પણ ચાલુ રહેશે જેના પગલે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને લગભગ 2 થી 8 એપ્રિલ સુધી તેની અસર રહેશે. છેક 14 એપ્રિલ સુધી વારંવાર આવી સ્થિતિ સર્જાશે. એટલું જ નહીં પરંતુ 8 મેથી આંધી- વંટોળનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે ખેતીને નુકસાનની શક્યતા છે.

વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો
વાદળછાયા વાતાવરણનું કારણ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા ,કમોસમી વરસાદ અને બંગાળના ઉપસાગરમાં આવતા ભેજ થી થયેલા વાદળોનું સર્જન છે . જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી. મતલબ બંગાળના ઉપસાગરના ભેજ અને અરબ સાગરના ભેજના અને ઠંડા થયેલા પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળોનો જથ્થો થયો છે .જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી અને સતત વાદળછાયું વાતવરણ રહે છે.

...વાંચો નજીકના દિવસોમાં વાતાવરણ કેવું રહેશે?

અંબાલાલ પટેલે કહ્યું કે 19 માર્ચ સુધી ગુજરાતના વિવિધ ભાગો માં વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ થશે, કરા પણ પડી શકે છે. ચોમાસાની ઋતુમાં જે પ્રકારનો ભેજ સર્જાય છે તેવી ભેજની સ્થિતિ ઉનાળાના પ્રારંભે થવાથી દેશના ઘણા ભાગો માં માવઠાની શક્યતા છે.

આરોગ્ય પર શું અસર થશે?
21 માર્ચથી સૂર્ય સંપાત બિંદુમાં આવતા (આકાશી વિષુવવૃત) સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે.જેના લીધે લીધે ભેજ વધે છે. જેથી શરદ ઋતુમાં શરીરમાં રહેલો કફ ઓગળે છે. શ્વાસરોગ, વાઇરલ વધે છે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું. ઘણી વખતે વિષમ હવામાનના લીધે ઓરી, અછબડાની સમસ્યા થાય છે.

ખેતી પર શું અસર થશે?
પાક માં રોગ જીવાત આવી શકે. વંટોળથી ઘઉં પડી જાય અને તેના દાણા બગડી જાય. તો આંબાના મોર ખરી જાય. ખાસ કરીને ઘઉં, એરંડા, જીરું, બટાકાના પાકને નુકસાનની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...