નરેન્દ્ર મોદીના રોડ-શો અને જાહેર સભા રૂપી મોજાએ ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીના વાતાવરણને સદંતર પલટી નાખ્યું હતું. વિધાનસભાની ચૂંટણીના છેલ્લા દિવસોમાં વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસે 2002, 2007, 2012 અને 2017થી વધુ બેઠક, વધુ લીડ અને વધુ વોટ શેરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ચૂંટણી ખૂબ જ રોમાંચક રહી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલ દેશના વડાપ્રધાન છે ત્યારે પણ અમદાવાદની 16 પૈકી 8 બેઠકો પર ભાજપના ગમે તે ઉમેદવાર હોય તેની લીડ સતત વધતી રહી છે.
સતત લીડ વધી હોય એ બેઠકોમાં શહેરની ઘાટલોડિયા, એલિસબ્રિજ, વટવા, નારણપુરા, નરોડા, મણિનગર, સાબરમતી અને અસારવા બેઠકનો સમાવેશ થયો છે. આ આઠે બેઠક પર વર્ષ 2012ની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સતત લોકપ્રિયતાના કારણે 64 ટકા મતોનો જંગી વધારો થયો છે. આ વખતે ભાજપે ઘાટલોડિયા, નિકોલ અને જમાલપુર-ખાડિયા બેઠક સિવાય તમામ 13 બેઠક પર નવા ચહેરા ઉતાર્યા હતા. આ પૈકી ઘણાને તો રાજકારણનો બિલકુલ અનુભવ જ નથી, પણ તેમને એક માત્ર નરેન્દ્ર મોદીના ચહેરાના હિસાબે જંગી બહુમતીથી વિજય મળ્યો છે.
મોદીના કારણે ભાજપની લોકપ્રિયતા વધી
વિધાનસભા | 2022 | 2017 | 2012 |
ઘાટલોડિયા | 1,92,263 | 1,17,750 | 1,10,395 |
એલિસબ્રિજ | 1,04,796 | 85,205 | 76,672 |
વટવા | 1,00,046 | 62,380 | 46,932 |
નારણપુરા | 92,800 | 66,215 | 63,335 |
નરોડા | 1,04,740 | 60,142 | 58,352 |
મણિનગર | 90,301 | 75,199 | 49,652 |
-2014 | |||
સાબરમતી | 98,261 | 68,810 | 67,583 |
અસારવા | 54,173 | 49,264 | 35,045 |
અમરાઈવાડી | 43,272 | 5,528 | 65,173 |
-2019 | |||
વેજલપુર | 59,651 | 22,567 | 40,720 |
ઠક્કરબાપાનગર | 63,799 | 34,088 | 49,273 |
નિકોલ | 55,198 | 24,880 | 48,558 |
દાણીલીમડા | 13,487 | 32,510 | 14,301 |
બાપુનગર | 12,070 | 3,067 | 2,603 |
દરિયાપુર | 5,243 | 6,184 | 2,621 |
જમાલપુર-ખાડિયા | 13,658 | 29,339 | 6,331 |
ઘાટલોડિયા, એલિસબ્રિજ, વટવા, નારણપુરા, નરોડા, મણિનગર, સાબરમતી અને અસારવામાં છેલ્લી 3 ટર્મથી ભાજપના મતમાં વધારો થઈ રહ્યો છે.
મણિનગરમાં બાય ઈલેક્શનના કુલ મતદાન કરતાં પણ વધારે લીડ મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2007 અને 2012માં મણિનગર બેઠક પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2014 લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનતા મોદીએ રાજીનામંુ આપ્યું હતું ત્યારબાદ આ બેઠક પર બાય ઈલેક્શન થયું હતું. જેમાં કુલ 87,713 લોકોએ મતદાન કર્યું હતું. 2022ની ચૂંટણીમાં ભાજપે અમુલ ભટ્ટેને ઉમેદવાર બનાવ્યા હતા તેમને અન્ય પાર્ટીના ઉમેદવારો કરતા 90,301 વોટ વધુ મળ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે 1.92 લાખની લીડ મેળવી માયાબેનનો 15 વર્ષ બાદ રેકોર્ડ તોડ્યો
સિંધી સમાજનું પ્રભુત્વ ધરાવતી નરોડા બેઠક પરથી ડૉ. માયાબેન કોડનાની 2007માં ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને સૌથી વધુ 2,37,518 મતો મળ્યા હતા. જેમાં તેમણે રેકોર્ડ બ્રેક 1,80,442ની લીડથી જીત મેળવી હતી. છેલ્લા 15 વર્ષમાં તેમનો કોઈ રેકોર્ડ તોડી શક્યા નહોંતા. આ વખતે ઘાટલોડીયાના ઉમેદવાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1,92,263 લીડથી માયાબેન કોડનાનીનો રેકોર્ડ બ્રેક કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.