માસ પ્રમોશન:અમદાવાદ સહિત ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું, ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 1 અને 2માં મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી, ઓરલ પરીક્ષા અને હોમવર્ક અપાયું
  • ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપરને આધારે માર્ક્સ ગણી ગ્રેડ અપાશે
  • ગત વર્ષે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરાચા હતા એમ આ વર્ષે પણ ઓનલાઈન પ્રીલિમરી પરીક્ષાના આધારે પાસ કરાશે

કોરોનાના કેસ વધી રહેલા કેસને કારણે ગુજરાત બોર્ડમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન અપાશે તે વિદ્યાર્થીઓના પરિણામ અંગે પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને માર્કસ નહીં, પરંતુ ગ્રેડ આપવામાં આવશે.

શૈક્ષણિક પ્રવૃત્તિના આધારે માર્ક્સ અપાશે
વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઇન જ ચાલ્યું હતું. ત્યારે ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી, જેનું પરિણામ તથા ચાલુ વર્ષ દરમિયાન સ્કૂલ તરફથી સોંપવામાં આવેલી પ્રવૃત્તિઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે માર્કસ આપવામાં આવ્યા છે અને કોઈ વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં નહીં આવે, પરંતુ ગ્રેડિંગ સિસ્ટમ પ્રમાણે પરિણામ આપવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીને નાપાસ પણ કરવામાં નહીં આવે.

ઓનલાઈન પરીક્ષાના આધારે માર્ક્સ અપાશે
સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ધોરણ 1 અને 2માં મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી અને બાળકો નાનાં હોઈ, તેથી ઓરલ પરીક્ષા અને હોમવર્ક જ આપવામાં આવ્યું હતું, જેથી તેના આધારે માર્કસ ગણવામાં આવશે તથા ધોરણ 3થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે માર્કસ ગણીને ગ્રેડ આપવામાં આવશે.

ગત વર્ષની માફક આ વર્ષે 9 અને 11ના વિદ્યાર્થીને પાસ કરાયા
મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગત વર્ષે જે પ્રમાણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા એમ અગાઉ આપેલી ઓનલાઇન પ્રીલિમરી પરીક્ષાના આધારે માર્કસની ગણતરી કરવામાં આવશે અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા શિક્ષણ વિભાગ નક્કી કરે એ મુજબ લેવામાં આવશે.