અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસોને પગલે આજથી મોલ-મલ્ટિપ્લેક્સ તેમજ જાહેર સ્થળો પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ દિવસે આરોગ્ય વિભાગની ટીમે માસ્ક વગરના લોકોને દંડ ફટકારવાને બદલે સામેથી મફતમાં માસ્ક વિતરણ કર્યું હતું અને માસ્ક પહેરવા અપીલ કરી હતી. AMCના આરોગ્ય વિભાગે શહેરમાં 8 સ્થળે અલગ અલગ મોલ અને ખરીદીના સ્થળોએ 2845 માસ્કનું વિતરણ કર્યું હતું.
આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દંડાત્મક-શિક્ષાત્મક કાર્યવાહી ન કરી
આજે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ મોલ-મલ્ટિપ્લેક્સમાં તેમજ જાહેર સ્થળો પર ચેકિંગ શરૂ કર્યું હતું. નેશનલ હેન્ડલૂમ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ માસ્ક ન પહેર્યા હોય તેમને માસ્ક આપવામાં આવ્યા હતા અને માસ્ક પહેરવા જણાવ્યું હતું. આ અગાઉ જે પણ વ્યક્તિ માસ્ક ન પહેર્યું હોય તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હતું, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તેઓને કોઇ પણ પ્રકારની દંડની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
સ્થિતિ પ્રમાણે શહેરમાં કોરોના ટેસ્ટિંગના ડોમ ઊભા કરાશે
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન આવતીકાલથી કરવામાં આવશે. જેના માટે અલગ-અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરાશે. લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડે આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે.
સોમવારથી ફરી માસ્ક ફરજિયાત કરાયું
રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાય છે. શહેરમાં વધતા જતા કોરોના કેસના પગલે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની કવાયત AMCના આરોગ્ય વિભાગ દ્વારા આજે સોમવારથી શરૂ કરાઈ છે. શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇન્સનું ચેકિંગ શરૂ કરાયું છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ લોકોને રૂ. 1000નો દંડ કરવાની જગ્યાએ તેઓને માસ્ક આપ્યાં હતાં. તેમજ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.