ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જે માસ્કે લાખોની કમાણી કરાવી એનો હવે કોઈ લેવાલ નથી, ફેક્ટરીમાં મશીનો ધૂળ ખાય છે;

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • એક સમયે માસ્કના ઓર્ડરમાં અઠવાડિયા સુધીનો વેઇટિંગ પિરિયડ ચાલતો હતો
  • કોરોનાના કેસ ઓછા થતાં માસ્કની ડિમાન્ડ ઘટી જતાં હવે ખરીદદાર પણ નથી મળતા
  • વેપારીએ કહ્યું, 'ભયંકર મંદી છે, કલ્પના પણ નહોતી કે આવી સ્થિતિ આવશે'

વિશ્વભરમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી વાઇરસથી બચવા માટે માસ્કને સૌથી અસરકારક માનવામાં આવે છે. કોરોનાની દેશ અને રાજ્યમાં પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો માસ્કનો ઉપયોગ કર્યો હશે. એક સમયે માસ્ક ખરીદવા માટે મેડિકલ સ્ટોર પર લાઈનો લાગતી હતી. પરિણામે, માસ્કનું પ્રોડક્શન કરનારા એકમો દિવસ-રાત ધમધમતા હતા, પણ હાલમાં આ એકમો મંદીનો માર સહન કરી રહ્યા છે. કોરોના પીક પર હતો ત્યારે ઓર્ડરની ડિલિવરી માટે એક અઠવાડિયાનું વેઇટિંગ ચાલી રહ્યું હતું, જોકે હવે સ્થિતિ એ છે કે મોટી માત્રામાં માસ્કનો જથ્થો સ્ટોકમાં પડેલો છે, જેનો કોઈ લેવાલ નથી.

24 કલાક ધમધમતાં માસ્ક બનાવવાનાં મશીનો ધૂળ ખાય છે
જ્યારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી માસ્ક લોકો માટે જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયું હતું. જ્યારે કોરોના પીક પર હતો ત્યારે માસ્કના ભાવ ડબલ થયેલા જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન માસ્કનું ઉત્પાદન કરતા એકમો 24 કલાક ધમધમતા, પરંતુ હવે પરિસ્થિતિ જાણે એવી છે, 'ગરજ સરી અને વૈદ્ય વેરી'. કોરોનાના કેસો ઘટી જવાથી માર્કેટમાં માસ્કની માગમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. એની સીધી અસર એના પ્રોડક્શન પર પડી છે, જેથી માસ્કનું ઉત્પાદન કરતા યુનિટોમાં માસ્ક બનાવવાનાં મશીનો છેલ્લા 2 મહિનાથી ધૂળ ખાઈ રહ્યાં છે.

કોરોનાના કેસો ઘટતાં માસ્કનો સ્ટોક પડી રહ્યો
અમદાવાદના કઠવાડા પાસે હેતવી મિડિટેક્સ માસ્ક ઉત્પાદન યુનિટના ભાવિક દવેએ જણાવ્યું હતું કે 'કોરોનાની ત્રણેય લહેર દરમિયાન માસ્કના ઉત્પાદનમાં તેજી હતી. માસ્કની ડિમાન્ડ હોવાથી દિવસ-રાત માસ્ક તૈયાર કરવામાં આવતાં. પરિસ્થિતિ એવી હતી કે ઓર્ડરમાં એક સપ્તાહ સુધીનો વેઇટિંગ પિરિયડ ચાલતો. જોકે ફેબ્રુઆરી મહિના બાદ કોરોનાના કેસ ઘટવા લાગ્યા, જેથી માસ્કની ડિમાન્ડ ઘટી. પરિણામે, તેમની પાસે હાલ મોટા પ્રમાણમાં માસ્કનો સ્ટોક પડેલો છે.

ખોટ સાથે વેપાર કરવાની સ્થિતિ આવી ગઈ
અમદાવાદમાં માસ્ક બનાવવાનાં મશીનના વેપાર તથા માસ્કના ઉત્પાદન સાથે સંકળાયેલા જયેશભાઈ ખાંધલાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભયંકર મંદીની પરિસ્થિતિ તેમના વેપારમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિ આવશે એની કલ્પના પણ ન હતી. ઉત્પાદકોને પડતર કિંમતથી પણ ઓછી કિંમતે માસ્ક વેચીને ખોટ સાથે વેપાર કરવો પડી રહ્યો છે.'

રોજ 1-3 લાખ માસ્કના યુનિટમાં મશીનો બંધ
કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ત્યારે કેટલાક યુનિટોએ માસ્ક બનાવવામાં નવાં મશીન વિદેશથી મગાવ્યા હતા, પરંતુ હવે આ મશીનો બંધ છે અને ધૂળ ખાઈ રહ્યાં છે. પહેલાં જે યુનિટમાં દૈનિક 1-3 લાખ માસ્ક તૈયાર થતાં અને 150-200 લોકો કામ કરતા, આજે મશીનો બંધ છે, તો ક્યાંક એક જ મશીન ચાલી રહ્યું છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિયેશનના સેક્રેટરી જિતુલ પટેલે જણાવ્યું હતું કે રિટેલ માર્કેટમાં પણ માસ્ક વેપાર નહીંવત જોવા મળી રહ્યો છે.

24 કલાકની સામે હાલ 6-8 કલાક મશીન ચાલે છે
જ્યારે અન્ય વેપારી ભાવિકભાઈએ જણાવ્યું હતું કે અત્યારે ઘણીબધી કંપનીઓમાં પુષ્કળ પ્રમાણમાં માસ્કનો જથ્થો પડ્યો છે. અત્યારની સ્થિતિ જોતાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, જે સારું છે અને આશા છે કે ચોથી લહેર ન આવે. અત્યારે જોવા જઈએ તો જાન્યુઆરીની શરૂઆતમાં રોજનું પ્રોડક્શન N95 માસ્કનું 2.5 લાખ અને થ્રી પ્લાય માસ્કનું 3.5 લાખ હતું. અત્યારે રોજનું N-95નું 10-20 હજાર ઓર્ડર પ્રમાણે પ્રોડક્શન કરીએ છીએ. સ્ટોકમાં હાલ અમારી પાસે 5-7 લાખ N-95 માસ્ક અને 15 લાખ થ્રી પ્લાય માસ્કનો જથ્થો પડ્યો છે. છે. અત્યારે ધીમે ધીમે માસ્ક જાય છે. માસ્કનું સેલિંગ ધીમે ધીમે થાય છે. હાલમાં અમારાં મશીન 6-8 કલાક ચાલે છે, પહેલાં 24 કલાક મશીનો ચાલતં હતાં.

અન્ય સમાચારો પણ છે...