માસ્કના દંડમાં રાહત મળી શકે:ગુજરાતમાં માસ્કનો દંડ ઘટી શકે છે, રૂ.1000થી ઘટાડી રૂ.100 કરવા સરકારની વિચારણા, આવતીકાલે આવશે નવી SOP

અમદાવાદ6 મહિનો પહેલા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તે જોતા ત્રીજી લહેર પૂર્ણ થવાને આરે આવી ગઈ છે. તે સંજોગોમાં ગુજરાત સરકાર પણ કોરોના ગાઈડલાઈનમાં વધુ છૂટછાટો આપી રહી છે. તેમાં પણ હવે માસ્કનો હાલનો દંડ રૂ.1000માં ઘટાડો કરીને 100 રૂપિયા કરવા સરકાર સક્રિય બની છે.

ગુજરાતમાં પહેલી અને બીજી લહેર દરમિયાન માસ્ક મામલે સરકારે કડક ગાઈડલાઈન અને દંડની રકમ 100થી વધારી 1000 સુધી કરી હતી. પરંતુ ત્રીજી લહેર દરમિયાન સરકાર માસ્ક મામલે હળવી રહી હતી. જેમાં માસ્કના દંડ માટેની કડકાઈ પણ રાખી નહતી, તે પછી હાલ ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર હવે માસ્કના મામલે દંડની રકમ ઘટાડવાની દિશામાં આગળ વધી રહી છે.

આવતીકાલે આવશે નવી ગાઇડલાઇન
ગુજરાત હાઇકોર્ટે માસ્કનો દંડ 1000 રૂપિયા રાખવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે તે સમયે કરેલો 1000નો દંડ કર્યો હતો. ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની ગાઈડલાઈનની મુદત 18 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ રહી હોવાથી નિયંત્રોનો હળવા કરવા માટે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માસ્કનો દંડ ઘટાડવાની પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

માસ્કથી લોકો કંટાળ્યા છેઃ મુખ્યમંત્રી
માસ્કનો દંડ ઘટાડવા આગામી દિવસોમાં ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંકેત આપ્યા હતા. થોડા દિવસ પહેલા ગિફ્ટ સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ મેળવવા બદલ આરોગ્ય વિભાગને અભિનંદન આપતાંની સાથે હળવાશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માસ્કથી લોકો કંટાળ્યા છે.

જુલાઈ, 2021માં હાઇકોર્ટે માસ્કનો દંડ ઘટાડવા કર્યો હતો ઇનકાર
રાજ્યમાં માસ્ક ન પહેરવા પર વસૂલાતો દંડ ઘટાડવા અંગે ગુજરાત હાઇકોર્ટે ઈનકાર કરી દીધો હતો. રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા અંગે રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે 'પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડ ઘટાડા અંગે વિચારીશું. માસ્ક પર 1 હજાર દંડ રાખ્યો છતાં બીજી લહેર આવી'

2020થી માસ્ક ફરજિયાત કર્યું હતું
કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારથી એટલે કે માર્ચ 2020થી માસ્ક ફરજિયાત બનાવાયું છે અને એ પછી દંડની રકમમાં હાઇકોર્ટના આદેશથી વધારો કરવામાં આવ્યો છે. હાલ માસ્ક નહીં પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાના નિયમો અમલી છે, જેથી આ માટેની કાયદાકીય અને અન્ય વહીવટી ઔપચારિકતા અનુસરવામાં આવશે, જેના ભાગરૂપે માસ્કના દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે, એ પછી નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...