નરોડાવાસીઓના મનની વાત:પાયલ કુકરાણીના અન્ય સમાજમાં લગ્નને સિંધીઓએ મુદ્દો બનાવ્યો, થાવાણીનો હુંકાર- પાર્ટીએ ટિકિટ આપી છે, જીતાડવાની જવાબદારી મારી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કેટલીક જગ્યાએ ઉમેદવારો ને રીપીટ કરવામાં આવ્યા નથી. તેમની સ્થાને નવા જ ઉમેદવાર મૂકવામાં આવ્યા છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઊભો થયો છે. અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સૈજપુર બોઘા વોર્ડના મહિલા કોર્પોરેટર રેશમા કુકરાણીના પુત્રી ડો. પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવતા સિંધી સમાજમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી છે. પાયલ કુકરાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે અને હવે તેઓ સિંધી સમાજમાં ગણી શકાય નહીં, જેથી તેઓની સ્થાને સ્થાનિક સિંધીને ટિકિટ આપવી જોઈએ તેવી ચર્ચા નરોડા વિસ્તારના સિંધી સમાજમાં ચર્ચા રહી છે.

કુકરાણી સામે સિંધી સમાજમાં લગ્નનો વિરોધ
દિવ્યભાસ્કરે નરોડા વિધાનસભામાં આવતા કુબેરનગર સહિતના વિસ્તારોમાં સિંધી સમાજના લોકો અને વિધાનસભાના મતદારો સાથે વાતચીત કરી હતી. જેમાં કપિલભાઈએ જણાવ્યું હતું કે, મનોજ કુકરાણીની પુત્રી પાયલ કુકરાણીને ભાજપમાંથી ટિકિટ આપી છે, જેનો સિંધી સમાજમાં વિરોધ છે. પાયલ કુકરાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે, જેથી લગ્ન બાદ હવે તે અન્ય જ્ઞાતિમાં છે. સિંધી સમાજના જે હોય તેને ટિકિટ આપવી જોઈએ. વાસુભાઈએ જણાવ્યું હતું કે, પાયલ કુકરાણીને ટિકિટ આપી છે, પરંતુ તેઓ એ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે, જેથી હવે તેઓ કુકરાણી ન કહેવાય અને સિંધી સમાજમાં આ બાબતે વિરોધ તો છે જ. કોઈપણ સિંધી વ્યક્તિ હોય તેને ટિકિટ આપવી જોઈતી હતી, પરંતુ હવે મજા નહીં આવે.

સિંધી સમાજ આગળ વધે તેમ ટિકિટ આપવી જોઈએ
રાજુભાઈ નામના વેપારીએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, તેમાં સિંધી સમાજના લોકો વિરોધ તો કરે છે, પરંતુ હવે પાર્ટી દ્વારા કોઈ પણ વિચાર કરી અને જ ટિકિટ આપવામાં આવી હશે. જે માણસ કામ કરે તેને ટિકિટ આપવી જોઈએ અને તેને ઉમેદવાર તરીકે ઉભો રાખવો જોઈએ. પાયલબેનને ટિકિટ આપી છે તો તે બરાબર છે. રેખાબેન લાલવાણીએ જણાવ્યું હતું કે, સમાજની અંદર અત્યારે આ જ ચર્ચા ચાલી રહી છે કે પાયલ કુકરાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી લીધા છે, તો હવે જે સિંધી સમાજના છે તેને ટિકિટ આપવી જોઈએ. તેમના માતા-પિતા ભલે સિંધી છે, પરંતુ તેઓના લગ્ન ચૌહાણમાં થયા છે, તો પછી હવે સિંધી સમાજ આગળ વધે તે રીતે ટિકિટ આપવી જોઈએ.

પક્ષના નિર્ણય સાથે જ રહીશ- થાવાણી
ધારાસભ્ય બલરામ થાવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ડો. પાયલ કુકરાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જે બાબતે મને કોઈપણ પ્રકારની નારાજગી નથી અને હું પક્ષની સાથે જ છું. ડો. પાયલ સાથે ભાજપનું કમળનું નિશાન છે અને હું તેમની સાથે છું, તેમને જીતાડવાની જવાબદારી મારી છે. મારી નારાજગી નથી અને કાર્યકરો દ્વારા જે પણ વિરોધ કરવામાં આવ્યો હતો, તો તે લોકોની આવે પોતાની ઈચ્છા હોઈ શકે. જો કે મારે પક્ષના નિર્ણયની સાથે જ રહેવાનું છે અને હું પાયલની સાથે રહી અને તેમને જીતાડીશ. અપક્ષ દાવેદારી નોંધાવવાની કે એવી કોઈ જ વાત નથી.

મૂળ સિંધી સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માગ હતી
નરોડા વિધાનસભાના ઉમેદવાર તરીકે ડો. પાયલ કુકરાણીનું નામ જાહેર થયા બાદ નરોડા વિસ્તારના સિંધી સમાજમાં કેટલીક નારાજગી જોવા મળી હતી. જેનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે ડો. પાયલ કુકરાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે અને હવે તેઓ સિંધી સમાજમાં ગણી શકાય નહીં, જેથી મૂળ સ્થાનિક સિંધી સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે. સિંધી સમાજમાં આ રીતની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બલરામ થાવાણીને ફરીથી ટિકિટ ન મળતા વિરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...