તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ધો.10ની માર્કશીટનું વિતરણ થશે, હાઇકોર્ટે કહ્યું-ત્રીજી લહેરમાં સરકારે કડક બનવું પડશે, રાજ કુંદ્રાની ઓફિસમાંથી 119 ફિલ્મ-51 પોર્ન વીડિયો મળ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 24 જુલાઈ, અષાઢ સુદ પૂનમ, ગુરુપૂર્ણિમા.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે સવારના 9 વાગ્યા બાદ ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે.
2) બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતાં રાજ્યના અનેક વિસ્તારમાં ફરીથી ભારે વરસાદ થઇ શકે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
3) પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા સત્તાવાર ભાજપનો ખેસ પહેરશે, પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ રહેશે ઉપસ્થિત
4) ICSE અને ISC બોર્ડનું બપોરે 3 વાગ્યે રિઝલ્ટ, બોર્ડની વેબસાઇટ cisce.org અને results.cisce.org પર જોઈ શકાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, ત્રીજી લહેરમાં લોકો નિયમોનું પાલન કરે એ ખૂબ જરૂરી, સરકારે કડક બનવું પડશે, કોઈ ચૂક કે ભૂલ ન થાય
કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે એમ જણાવ્યું છે, સાથે એવું પણ કહ્યું છે કે રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે, આના માટે સરકારે કડક થવું પડશે.

વાંચો સમાચાર વિગતવાર
2) શિક્ષણ વિભાગના સરવેમાં રાજ્યની સરકારી સ્કૂલોના શિક્ષણની પોલ ખૂલી, ગુણોત્સવ 2.0માં A+ ગ્રેડની માત્ર 14 શાળા
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કેવા પ્રકારનું શિક્ષણ અપાય છે, શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, વિદ્યાર્થીઓ કયા પ્રકારનાં સંશોધનો કરે છે અને શિક્ષકો કેવું શિક્ષણ આપે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. જેના મૂલ્યાંકનનો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, માત્ર 14 સ્કૂલોને A+ ગ્રેડ મળ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર
3) ગોંડલ પોલીસના બાયોડીઝલના ગેરકાયદે ચાલતા બે પંપ પર દરોડા, ભાજપના નેતાની સંડોવણી સામે આવી, ફરિયાદ દાખલ
રાજકોટની ગોંડલ પોલીસ દ્વારા અલગ અલગ 2 દરોડા પાડી 13,500 લિટર બાયોડીઝલ ઝડપી પાડી કુલ 13,66,000નો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ 3 શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓની પૂછપરછમાં ગોંડલ ભાજપના નેતાની ભૂમિકા સામે આવી છે. ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળિયા બાયોડીઝલનું ગેરકાયદે પંપમાં સંડોવણી સામે આવતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંચો સમાચાર વિગતવાર
4) કોરોના વચ્ચે 31મી ઓલિમ્પિક ગેમ્સનો ટોક્યોમાં પ્રારંભ, ખેલાડીઓએ ખાલી સ્ટેડિયમમાં કર્યું માર્ચપાસ્ટ, ભારતના 25 સભ્યએ ભાગ લીધો
કોરોના મહામારીને લીધે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે કોરોનાને લીધે ઓપનિંગ સેરેમનીમાં ફક્ત 1000 ખેલાડી અને અધિકારી જ હાજર રહ્યા હતા. માર્ચપાસ્ટમાં ભારતીય દળ 21માં નંબર પણ આવ્યા હતા. માર્ચપાસ્ટમાં ભારતીય દળના ખેલાડી અને અધિકારી મળીને 25 સભ્યો સામેલ રહ્યાં હતા.

વાંચો સમાચાર વિગતવાર
5) પોર્નોગ્રાફી કેસમાં રાજ-શિલ્પાના ઘરે દરોડા; કુંદ્રાની ઓફિસમાંથી 119 ફિલ્મ, 51 પોર્ન વીડિયો, કરોડોની ડીલ સહિતના ડોક્યુમેન્ટ્સ મળ્યાં
પોર્નોગ્રાફી કેસને લઈ ક્રાઇમ બ્રાંચ શિલ્પા શેટ્ટીના જુહુ સ્થિત ઘરે પહોંચી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાંચને રાજ કુંદ્રાની વિઆન ઇન્ડસ્ટ્રીની ઓફિસમાંથી ત્રણ બોક્સ મળ્યાં હતાં, જેમાં 24 હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળાં આઠ સર્વર હતાં. આ સાથે જ પોલીસને અત્યારસુધી 51 વીડિયો મળ્યા છે. આ તમામ પોર્ન વીડિયો છે. પોલીસને અત્યારસુધી 119 ફિલ્મનું લિસ્ટ મળ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર
6) કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી; મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી ગણાવ્યા હતા
કેન્દ્રના બે મંત્રીએ એકબીજાથી વિપરીત નિવેદન આપ્યાં છે. એક બાજુ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે તો બીજી બાજુ મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી ગણાવ્યા હતા. નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર આંદોલનકારી ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવા માટે તૈયાર છે.

વાંચો સમાચાર વિગતવાર
7) સિદ્ધુ પંજાબ કોંગ્રેસના 'કેપ્ટન' બન્યા; અમરિંદરે કહ્યું- સિદ્ધુનો જન્મ થયો ત્યારે હું સરહદે હતો; નવજોતે કહ્યું- હું જાડી ચામડીનો મને કોઈ ફેર નથી પડતો
પંજાબ કોંગ્રેસ ભવનમાં સિદ્ધુએ ફરી એક વખત પોતાના તેવર દેખાડ્યા. જ્યારે તેઓ ભાષણ આપવા માટે ઊભા થયા તો ભગવાનને યાદ કર્યા, ક્રિકેટ શોટ મારવાની એક્શન પણ કરી. પોતાની જમણી બાજુ બેઠેલા કેપ્ટન અને હરીશ રાવતને ઈગ્નોર કરતાં તેઓ આગળ વધ્યા હતા. સિદ્ધુએ કહ્યું- મારું દિલ મારો જ વિરોધ કરે તેવું નથી, તે મને વધુ મજબૂત બનાવશે. હું જાડી ચામડીનો છું. મને કોઈ કંઈ પણ કહે મને કોઈ જ ફર્ક પડવાનો નથી.

વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અફઘાનિસ્તાનમાં 100 લોકોની હત્યા; તાલિબાનના સ્પિન બોલ્ડકમાં આ ઘ્રૂણાસ્પદ ઘટના બની, જોકે જવાબદારી લેવાનો ઈનકાર
2)રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારની સિંહ સાથે સરખામણી કરી; કહ્યું- દિલ્હીનો સિંહ ચૂપ છે, કોઈ કાર્યવાહી થશે, ગ્રામીણો તૈયાર રહે
3) ઝોમેટોના IPOનું શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ, કંપનીનું માર્કેટકેપ રૂપિયા એક લાખ કરોડને પાર થયું
4) મહારાષ્ટ્રમાં ભારે વરસાદ; ચિપલૂણમાં પૂરનું પાણી કોવિડ હોસ્પિટલમાં ઘૂસતાં 8 દર્દીનાં મોત; રાયગઢ-સતારામાં ભૂસ્ખલનથી 44થી વધુનાં મૃત્યુ

આજનો ઈતિહાસ
વર્ષ 1991માં આજના દિવસે એ સમયના નાણામંત્રી મનમોહન સિંહે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેમાં ભારત માટે આર્થિક ઉદારીકરણનો માર્ગ ખોલી નાખ્યો.

અને આજનો સુવિચાર
કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...