AMC કેમ નિષ્ફળ?:વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમના કારણે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ભાજપના સત્તાધીશો અને તંત્રએ બદલાવ જ ન કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડ રસ્તા તમામ પાણી પાણી - Divya Bhaskar
રોડ રસ્તા તમામ પાણી પાણી

અમદાવાદમાં રવિવારે સાંજથી મોડી રાત સુધી પડેલા અનરાધાર વરસાદે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પ્રિ મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ડ્રેનેજ, કેચપીટ સફાઈ પાછળ ખર્ચે છે. પરંતુ અનરાધાર વરસાદમાં જ કામગીરીની પોલ ખૂલી ગઈ છે. અમદાવાદની વસ્તી અને વિસ્તાર ધીરે ધીરે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી વધુ પાણી ભરાય છે ત્યારે શહેરની જુની ડ્રેનેજ સિસ્ટમને બદલવાની જરૂર છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હજી પણ વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમ જાળવી રાખતું હોવાના કારણે વરસાદમાં શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે.

લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા
લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા

ડ્રેનેજ સિસ્ટમની કોઈ સરખી વ્યવસ્થા જ નથી
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત ડ્રેનેજ સફાઈ અને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેની વ્યવસ્થાની વાત કરે છે. પરંતુ શહેરનો પોશ વિસ્તાર ગણાતો એવો બોડકદેવ વોર્ડનો સિંધુભવન રોડ જ આખો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.ચાર કલાક સુધી સિંધુભવન રોડ પરથી પાણી ઓસર્યા ન હતા. સિંધુભવન રોડ કરોડો રૂપિયાના ખર્ચે આરસીસીનો બનાવવામાં આવ્યો છે. પરંતુ ત્યાં ડ્રેનેજ સિસ્ટમની કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ઓસર્યા ન હતા.

રોડ ઉપર પણ પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
રોડ ઉપર પણ પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

દિવાલ અને ભુવા પડવાની ઘટના પણ બની હતી
બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં જ ભેળવવામાં આવેલા બોપલ- ઘુમા અને આંબલી વિસ્તારની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. બોપલ વિસ્તારમાં કરોડો રૂપિયાના બંગલા આવેલા છે. પરંતુ ડ્રેનેજ સિસ્ટમ ન હોવાના કારણે કરોડો રૂપિયાના બંગલામાં પાણી ભરાઈ ગયા હતા. બોપલ વિસ્તારમાં આવેલી મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રોડ ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં દિવાલ અને ભુવા પડવાની ઘટના પણ બની હતી.

પાણીના નિકાલની કામગીરી અને વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોએ હેરાન પરેશાન થવું પડ્યું
પાણીના નિકાલની કામગીરી અને વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોએ હેરાન પરેશાન થવું પડ્યું

ઘુમા વિસ્તારમાં ટેક્સ લેવાનું તો શરૂ કર્યું પણ કામગીરી નહીં
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ બોપલ અને ઘુમા નગરપાલિકા વિસ્તારમાં ટેક્સ લેવાનું તો શરૂ કરી દીધું હતું પરંતુ ડ્રેનેજ સિસ્ટમની અને ચોમાસાની પ્રિમોન્સુન કામગીરી ઝડપી ન કરતા ચોમાસામાં બોપલવાસીઓને હેરાન પરેશાન થવું પડ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર લોકોને ગટર- પાણીની સુવિધા આપવાની વાત કરે છે. પરંતુ ચોમાસા પહેલા બોપલ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની વરસાદી પાણીના નિકાલની કામગીરી અને વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોએ હેરાન પરેશાન થવું પડ્યું હતું. આંબલી ગામમાં પણ પાણી ભરાઈ ગયા હતા સવારે 11:30 સુધી પણ આ વિસ્તારોમાંથી પાણી ઓસર્યા ન હતા જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...