શોર્ટ-ટર્મ કોર્સ:જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે હસ્તપ્રતશાસ્ત્ર સંબધીત એમઓયુ કરવામાં આવ્યાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રાહ્મી, દેવનાગરી, શારદા જેવી લિપિઓ અને વિવિધ હસ્તપ્રતોના અભ્યાસઅર્થેના શોર્ટ-ટર્મ કોર્સ શરૂ કરાશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે, વિવિધ સ્તર પર હંમેશા કાર્યરત હોય છે. આપણી પ્રાચીન હસ્તપ્રતો અને લિપિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, તાજેતરમાં જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , વિદ્યાર્થીઓ ન માત્ર ટેક્નિકલ શિક્ષણ જ પરંતુ આપણી સંસ્કૃત્તિ અને ભવ્ય વારસાને પણ જાણે તે માટે જીટીયુ સતત કાર્યરત રહે છે. આ એમઓયુથી વિદ્યાર્થીઓ વિવિધ હસ્તપ્રતો અને લિપિઓનું જ્ઞાન મેળવી શકશે. આ એમઓયુ પર જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને ભારત શોધ સંસ્થાનના અધ્યક્ષશ્રી રાજેશ પરીખે હસ્તાક્ષર કર્યાં હતાં. જીટીયુના કુલપતિ અને કુલસચિવે જીટીયુ ખાતે કાર્યરત ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર – ધરોહરના ઓએસડી શ્રીમતી શ્રુતિ આણેરાવને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

આપણી પ્રાચીન હસ્તપ્રતોની ઉત્પતિ , તેનો ઈતિહાસ , સંરક્ષણ અને સંપાદન કેવી રીતે કરવામાં આવતું હતું, તે બાબતેનો અભ્યાસ આગામી દિવસોમાં કરાવવામાં આવશે. આ ઉપરાંત વેદકાલિન સમયમાં ઉપયોગમાં આવતી વિવિધ લિપિઓ જેવી કે, બ્રાહ્મી , દેવનાગરી , શારદા વગેરેના ઈતિહાસ બાબતે પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેનાથી આપણા ભવ્ય ઈતિહાસ અને સંસ્કૃતિ તેમજ વિસરાઈ જતી લિપિ સંદર્ભે આજની યુવા પેઢી પણ જાગૃત થશે. આ ઉપરાંત આ હસ્તપ્રતો અને વિવિધ લિપિઓમાં લખવામાં આવેલ સાહિત્ય અને ઈતિહાસ સંબધીત અનેક માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થશે.

અન્ય સમાચારો પણ છે...