રૂપાણી તો ગયા, હવે શું?:ભાજપે બાજી ફેરવી, માંડવિયા નહીં પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે, ધારાસભ્ય બેઠકમાં હાજર રહેવા સૂચના

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણીના રાજીનામા બાદ પહેલા માંડવિયાનું સીએમ તરીકે નામ વહેતું થયું હતું, જોકે સાંજ સુધીમાં પ્રફુલ્લ પટેલ રેસમાં આગળ
  • પ્રફુલ પટેલ 2010થી 2012 દરમિયાન રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હતા
  • હાલ લક્ષદ્વીપ ઉપરાંત દમણ-દીવ અને દાદરાનગરના પણ પ્રશાસક છે.

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ચોખવટ કરી છે કે આવતીકાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત, આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની એને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને એ લગભગ નક્કી છે. રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે.

રૂપાણીના રાજીનામામાં નવા સીએમને લઈને અનેક નામો વહેતા થયા છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રફુલ્લ પટેલની લાંબી બેઠક ચાલી હતી. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવાર સાંજ સુધીમાં ગાંધીનગર કમલમ્ ખાતે ઉપસ્થિત પ્રફુલ્લ પટેલને સૂચના આપી છે. આવતી કાલે રવિવારે ધારસભ્ય બેઠકમાં પ્રફુલ્લ પટેલના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. (ફાઈલ ફોટો)
પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. (ફાઈલ ફોટો)

પ્રફુલ પટેલ અને વિવાદ
પ્રફુલ પટેલ લક્ષદ્વીપ ઉપરાંત દમણ-દીવ અને દાદરાનગરના પણ પ્રશાસક છે. સૌથી પહેલાં તેઓને 2016માં દમણ-દીવના પ્રશાસક બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં દાદરાનગર હવેલીની જવાબદારી પણ મળી. ડિસેમ્બર 2020થી તેઓ લક્ષદ્વીપના પ્રશાસક પણ છે. પ્રફુલ પટેલ અને વિવાદોનો જૂનો સંબંધ છે. આ વર્ષની શરૂઆતમાં જ તેમના પર દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. તેમ છતાં કેન્દ્ર સરકારનો તેમના પર વિશ્વાસ અકબંધ છે. પ્રફુલ પટેલ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

કોણ છે પ્રફુલ પટેલ અને કેટલો છે તેમનો દબદબો?
ઍન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર મોદીના ખાસ એવા ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના(તડીપાર) આદેશ અપાયા હતા, અને તે સમયે મોદી સરકાર પર આફત આવી પડી હતી તે જ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે 2010થી 2012 દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા હતા.પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિધ્ધિ એ હતી કે,તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યાર બાદ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા. છતાં કામ કરવાની તેમની પદ્ધતિથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા.

ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રી પદે હતા. અને તે સમયે સરકાર સામે એન્કાઉન્ટરનો વિવાદ સર્જાયો હતો. જેમાં તેમણે પણ એક ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી. ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલ પ્રફુલ્લ પટેલ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના ધુરંધર ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપ્યો હતો.અને પ્રથમ વખત હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા. નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે ઉત્તર ગુજરાતના નેતાઓનું કહેવું હતું કે પ્રફુલ્લ પટેલને રાતોરાત મંત્રી પદ મળ્યું ન હતું, પરંતુ તેમના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. મોદીનો તેમના સાથે વર્ષોથી ઘરોબો હતો.

સરદારધામનો કાર્યક્રમ નવા મુખ્યમંત્રી પાટીદાર હોવાનો સ્પષ્ટ સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. તદુપરાંત પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. આ કાર્યક્રમ બાદ જ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હોઈ શકે છે.

આગામી ચૂંટણીમાં 150+ના ટાર્ગેટ માટે પાટીદાર સપોર્ટ અનિવાર્ય
ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સીઆર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જિતાડવાના ટાર્ગેટની ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતે અને નવો વિક્રમ રચે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરુર છે, પરંતુ હાલ પાટીદાર સમાજ ભાજપને ભયંકર નારાજ હોવાના સંકેતો મળતાં ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

માંડવિયા મોદી અને અમિત શાહ બંનેની ગુડબુકમાં
મનસુખ માંડવિયા કુનેહપૂર્ણ પાટીદાર નેતા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની પણ ગુડબુકમાં છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં એ માટે ઘણીખરી કામગીરી માંડવિયાએ પાર પાડી હતી. આ ઉપરાંત પાટીદાર સમાજના બંને ફાંટા- કડવા અને લેઉઆમાં તેમની સારી સ્વીકાર્યતા છે. સ્વભાવે મૃદુભાષી હોવા ઉપરાંત માંડવિયા પ્રામાણિક નેતાની છબિ ધરાવે છે અને સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે.

ઝડફિયા-રૂપાલાનાં નામોની પણ ચર્ચા, પણ માંડવિયા ટોચે
એક વાત એવી પણ આવી છે કે આજે રૂપાણી રાજીનામું આપવા ગાંધીનગર રાજભવન ગયા અને તેમણે રાજીનામાની જાહેરાત કરી ત્યારે માંડવિયા ઉપરાંત રૂપાલા પણ તેમની સાથે હાજર હતા. બીજી તરફ, ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. અલબત્ત, સૂત્રોનું તો એવું જ કહેવું છે કે માંડવિયા જ નવા મુખ્યમંત્રી બની શકે છે.