તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુસ્તક દિનની ઉજવણી:મણિનગર ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ પુસ્તક દિનની ઉજવણી, સ્વામિનારાયણ ભગવાન સન્મુખ સદગ્રંથોનું પૂજન-અર્ચન કરાયું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સદગ્રંથોનું પૂજન-અર્ચન કરાયું - Divya Bhaskar
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સદગ્રંથોનું પૂજન-અર્ચન કરાયું
  • સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ સૌને સદ્ગ્રંથોનું વાંચન કરવાનો સંદેશો આપ્યો

વિશ્વની સભ્યતા અને સંસ્કૃતિનો આધારસ્તંભ તેનાં પુસ્તકો છે. જે તે સંસ્કૃતિનાં પુસ્તકો બચી જાય તો તેની સંસ્કૃતિ પણ જળવાઈ રહે. હજારો વર્ષો પછી પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે તેનાં મૂળમાં વેદો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા વગેરે ધાર્મિક ગ્રંથો છે. સારાં પુસ્તકો સાથે દોસ્તી થઈ જાય તો માનવી ગમે તેવી વિકટ પરિસ્થિતિનો પણ હિંમતપૂર્વક અને આનંદથી સામનો કરી શકે. પુસ્તકોનું મહત્ત્વ દર્શાવતા લોકમાન્ય તિલકે કહ્યું છે કે “હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.”

વિશ્વ પુસ્તનદિનની ઉજવણી
પુસ્તકોનું મહત્ત્વ સ્વીકારીને યુનેસ્કો દ્વારા ઈ.સ.1995થી અને ભારતમાં 2001થી 23મી એપ્રિલને વિશ્વ પુસ્તકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં અનેક સ્થળોએ પુસ્તકમેળો, પુસ્તક રસદર્શન- પરિસંવાદ વગેરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું. કોરોનાની મહામારીને કારણે પુસ્તકમેળાનું આયોજન હાલમાં શક્ય નથી, પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં સારાં પુસ્તકો સાથે દોસ્તી કરવામાં આવશે તો મુશ્કેલી ચોક્કસ હળવી થઈ જશે.

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા નજીવી કિંમતે પુસ્તકોનું વેચાણ
મણિનગર ગાદી સંસ્થાન દ્વારા નજીવી કિંમતે પુસ્તકોનું વેચાણ

મંદિર તરફથી વ્યાજબી ભાવે પુસ્તકોનું વેચાણ
હાલમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા એકદમ વાજબી ભાવે પુસ્તકોના પ્રચાર અને પ્રસારનું કાર્ય ચાલી રહ્યું છે. સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીને પુસ્તકો બહુ પ્રિય. એમના અંતરની ભાવના એવી કે, સારાં પુસ્તકો ઘર-ઘર સુધી પહોંચવા જોઈએ. આથી તેઓશ્રીએ ઈ.સ.2010માં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીને સંસ્કારપોષક પુસ્તકોનું તદ્દન નજીવી કિંમતે વેચાણ કરવા પ્રાર્થના કરી.

ઘરે-ઘરે પુસ્તકો પહોંચાડવાનો ઉમદા પ્રયાસ
પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રીએ લોકોપયોગી પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. સૌ ટ્રસ્ટીઓએ સર્વ સંમતિથી નિર્ણય કર્યો કે, હરિભક્તોના સૌજન્યથી પુસ્તકોનું પ્રકાશન કરવું અને અતિ વ્યાજબી ભાવે – પડતર કિંમતના માત્ર 10% રકમે પુસ્તકોનું વેચાણ કરવું. ઘરે-ઘરે સારાં પુસ્તકો પહોંચે - આ ઉમદા વિચારને ભક્તોએ ખૂબ ઉમળકાથી વધાવી લીધો અને આર્થિક સૌજન્ય પૂરું પાડ્યું. છેલ્લા દસ વર્ષમાં આશરે બાર લાખ જેટલાં પુસ્તકો છપાયા અને અસંખ્ય લોકોના ઘર-ઘર સુધી પહોંચ્યાં છે.

આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ વિશ્વ પુસ્તક દિને પુસ્તકોનું વાંચન કર્યું હતું
આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ વિશ્વ પુસ્તક દિને પુસ્તકોનું વાંચન કર્યું હતું

વિશ્વ પુસ્તક દિને સદગ્રંથોનું પૂજન અર્ચન કરીને વાંચન કરાયું
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માત્ર ધાર્મિક પુસ્તકો જ નહીં, પરંતુ ‘સરદાર પટેલ- એક સિંહપુરુષ’, ‘ગાંધી ટીળક નોખા અનોખા’, ‘ ટિળકની ટેક, સરદારની ભેખ’, વગેરે જેવાં ઐતિહાસિક અને ‘જીવનપુષ્પ’, ‘વ્યસનનું વમળ’, ‘કર્તવ્યનું કમળ’ સામાજિક પુસ્તકોનું અને બાળ સાહિત્યનું પણ પ્રકાશન કર્યું છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓમાં ગદ્ય,પદ્ય ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકો http : //www.swaminarayangadi.com/Publications પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આજના ઐતિહાસિક દિને - વિશ્વ પુસ્તક દિવસના શ્રી સ્વામિનારાયણ ભગવાનની સન્મુખ સજાવટ કરેલા સદ્ગ્રંથોનું પૂજન-અર્ચન કરીને વાંચન કર્યું હતું.