રાહતનો નિર્ણય:વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને ફરજિયાત વેક્સિન લેવાની સમયમર્યાદા વધારી 10 જુલાઈ કરાઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારીની ફાઈલ તસવીર - Divya Bhaskar
વેપારીની ફાઈલ તસવીર
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો
  • વેક્સિન ન મળતા વેપારીઓએ ફરજિયાત વેક્સિન લેવાની મુદત વધારવા રજૂઆત કરી હતી

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં લઈને સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી હતી. જોકે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાના કારણે ઘણા લોકોને વેક્સિન મળી રહી નથી. એવામાં સરકારે વેક્સિન લેવાની સમય મર્યાદા વધારીને 10 જુલાઈ સુધીની કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેપારીઓ, સ્ટાફને ફરજિયાત વેક્સિન લેવાની મુદત વધારાઈ
રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનેસન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, તેની સમય મર્યાદા 30 જૂનથી વધારીને હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી કોઈ વેપારી કે તેના સ્ટાફે વેક્સિન લીધી ન હોય તો તેને વેપારનું કામ કે દુકાન બંધ નહીં રાખવી પડે. વેક્સિનનો જથ્થો ન હોવાથી હજુ તમામ વેપારીઓને વેક્સિન મળી નથી. તેથી ગઈકાલે જ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સરકાર સમક્ષ રજૂઆત કરીને માંગણી કરી હતી કે, તેમને આ ફરજિયાત વેક્સિનેશનમાં 1 મહિના સુધી રાહત મળે.

વેક્સિન લેતા વેપારીની ફાઈલ તસવીર
વેક્સિન લેતા વેપારીની ફાઈલ તસવીર

18 શહેરોમાં વેપારીઓ અને સ્ટાફને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની હતી
સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જુનાગઢ, ગાંધીધામ, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરુચ, પાટણ, મોરબી, ભુજ આ 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામ માટે 30 જૂન સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદમાં વેક્સિન માટે લોકોના ધક્કા
છેલ્લા 4 દિવસથી નાગરિકો વેક્સિનેશન માટે ફાંફાં મારે છે. મ્યુનિ.એ જ 21 જૂનથી રોજના 1 લાખ લોકોને વેક્સિન આપવાના આયોજનની વાતો કરી હતી. છેલ્લા 9 દિવસમાં માંડ 2.88 લાખ નાગરિકોને જ વેક્સિન અપાઇ છે, એટલે કે લક્ષ્યાંકના ત્રીજા ભાગનું પણ વેક્સિનેશન થઇ શક્યું નથી. મ્યુનિ.એ 175 વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી હતી, જોકે આજે એ પૈકીનાં માંડ 70 સેન્ટરો પર જ વેક્સિન આપી શકાઇ છે. 30 જૂન સુધી શાકભાજી, દુકાનદાર, ફેરિયાઓ, પાથરણાંવાળા સહિતના વ્યવસાયીઓનું ફરજિયાત વેક્સિનેશન કે એક સપ્તાહ પહેલાં કરેલો આરટી-પીસીઆર રિપોર્ટ સાથે રાખવાનો આદેશ મ્યુનિ.એ કર્યો હતો. જોકે અત્યારસુધીમાં 12170 સુપર સ્પ્રેડર્સને વેક્સિન અપાઈ છે.

અન્ય શહેરોમાં પણ વેક્સિનની અછત
આવી જ રીતે સુરત, વડોદરા તથા રાજકોટમાં પણ વેક્સિનની અછતના કારણે વેક્સિનેશન પર બ્રેક લાગી ગઈ છે. શનિ તથા રવિવારે અમદાવાદ સહિતના આ તમામ શહેરોમાં ઘણા વેક્સિનેશન સેન્ટરો રસી ન હોવાના કારણે બંધ રહ્યા હતા. એવામાં વેપારીઓ, દુકાનદાર, ફેરિયાઓ તથા અન્ય નોકરિયાત વર્ગ જેમને રસી લેવાની બાકી છે તેઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા.