વેપારીઓને રાહત:રાજ્યમાં વેપારીઓ, ફેરિયાઓ તથા નોકરિયાત વર્ગ માટે ફરજિયાત વેક્સિનેશનની સમયમર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા તમામ લોકો માટે વેક્સિન લેવી ફરજિયાત
  • વેપારીઓની રજૂઆત બાદ સરકારે સમયમર્યાદા લંબાવી
  • અગાઉ 31 જુલાઈ સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાની હતી

રાજ્યમાં વેપારીઓ, ફેરિયાઓ, નોકરીયાત વર્ગ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લઈને ફરજિયાત વેક્સિનની સમયમર્યાદા 15 ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ વેપારીઓ, સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સિન લેવાની સમયમર્યાદા 31 જુલાઈ સુધીની હતી. જોકે ઘણા બધા વેપારીઓ, ફેરિયા તથા નોકરિયાત લોકોને વેક્સિન લેવાની બાકી હોઈ આ સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરાવામાં આવી હતી.

વેપારીઓની વિનંતી સરકારે સ્વીકારી
રાજ્યમાં કોરોનાની વેક્સિનનો મર્યાદિત પ્રમાણમાં જથ્થો હોવાના કારણે હજુ પણ ઘણા લોકો વેક્સિન લઈ શક્યા નથી. એવામાં વેપારીઓની ફરિયાદ હતી કે, સેન્ટરના ધક્કા ખાવા છતાં વેક્સિનનો જથ્થો ખુટી રહેતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. એવામાં તેમની ફરજિયાત વેક્સિન લેવાની સમયમર્યાદા વધારવાની વિનંતીને સરકારે સ્વીકારી લીધી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વેપારીઓએ વેક્સિનની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી હતી
ગઈકાલે જ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી કે હજી ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસો.એ આ વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે. વેક્સિનના જથ્થાની અછતના કારણે અમે અમારા વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે તો બાકીના સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને વેકસીન મળી રહે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ 1 ઓગસ્ટથી જો વેપારીઓએ વેક્સિન લીધી નહિ હોય તો તેમને કોઈ વાણિજ્યક પ્રવૃત્તિ કરવા દેવામાં નહીં આવે. જેથી ઘણા વેપારીઓને નુકશાન થઇ શકે છે.

રાત્રિના સમયે પણ વેક્સિનેશન કેમ્પ યોજના માંગ
ગુજરાત ટ્રેડર ફેડરેશનના પ્રમુખ જ્યેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, વેપારીઓ માટે ફરજિયાત 31 જુલાઈ સુધી વેક્સિન શક્ય નથી. કાલે તેનો છેલ્લો દિવસ છે. હજી ઘણા વેપારીઓને વેક્સિન મળી નથી. સરકારે એક ઝૂંબેશ ઉપાડીને રાત્રિના 8 થી 11 વાગ્યા સુધી તમામ સોસાયટી, શેરી અને મોહલ્લામાં વેક્સિનેશન કેમ્પ યોજવા જોઈએ. જેથી ઝડપી વેક્સિનેશન થાય અને ગુજરાતમાં સંપૂર્ણ વેક્સિનેશનનું લક્ષ્યાંક પણ પૂરું થશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સુપરસ્પ્રેડર કેટેગરીના લોકોનું ફરજિયાત વેક્સિનેશન
અમદાવાદ વેપારી મહાજનના આશિષ ઝવેરીએ કહ્યું હતું કે, જે રીતે રાજ્યમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે તે પ્રમાણે હજી ઘણા લોકોને વેક્સિન મળી નથી. જેમાં વેપારીઓ, ફેરિયા અને નોકરીયાત વર્ગનો સમાવેશ થાય છે. વેક્સિનના ઓછા જથ્થાને કારણે લોકોને વેક્સિન હજી મળી નથી. અમારી રજૂઆત છે કે સરકાર અમને 15 ઓગસ્ટ સુધીની સમય મર્યાદામાં વધારો કરી આપે. જેથી અમે તમામ વેપારીઓને વેક્સિન આપી શકીએ.