ગુજરાતની તસવીર / પત્નીના પગમાં ફ્રેક્ચર, પતિ ખભા પર ઊંચકી અમદાવાદથી બાંસવાડા ચાલતો નીકળ્યો

X

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:19 PM IST
અમદાવાદ: ના એ કોરોના વાઇરસથી દૂર નથી ભાગી રહ્યો, એને લાગે છે કે એવા રોગ તો શહેરીજનોને નડે. એ તો દૂર ભાગી રહ્યો છે ભૂખથી જે કોઈ પણ વાઇરસ કરતા ભયાનક હોય છે. બાંસવાડાનો રમેશચંદ્ર મીણા પત્ની રમીલાને લઈને રોજીરોટીની શોધમાં અમદાવાદના મેમનગરમાં આવીને વસ્યો છે. એ ક્યાંક છૂટક મજૂરી કરે છે અને રમીલા કોઈ ફેક્ટરીમાં કામ કરે છે. બે મહિના પહેલા રમીલા પડી ગઈ અને એને પગે ફ્રેક્ચર થઈ ગયું, એટલે એ ચાલી શકતી નથી. પડતામાં પાટુ હોય એમ કોરોના વાઇરસના કારણે શહેર લૉકડાઉન થઈ જતા હવે મજૂરી મળતી નથી. વાઇરસનો ચેપ લાગે એ પહેલા આ પરિવારને ભૂખનો રોગ લાગુ પડી ગયો છે. એ કહે છે અહીં મજૂરી નહીં મળે તો ખાઈશું શું? ગામડે ઘર છે, નાનું ખેતર છે. ખાવાનું કંઈક તો મળી જશે. સાવ ભૂખ્યા નહીં રહીએ. તસવીરકારને મળ્યો ત્યારે એ 5 કિમી તો કાપી ચૂક્યો હતો અને કહેતો હતો કે ઓઢવ જવું છે ત્યાંથી બસ મળે તો ઠીક નહીં તો આમ ને આમ ચાલતા જ બાંસવાડા પહોંચી જઈશું. અમદાવાદથી બાંસવાડાનું અંતર 262 કિમી છે. પણ જ્યારે પોતાની અને પોતાનાઓની ભૂખનો સવાલ હોય ત્યારે કોઈ અંતર મોટું હોતું નથી. કોઈ બોજ મોટો હોતો નથી.
BAPS દ્વારા ફૂડ પેકેટ્સ અને શાકભાજી વિતરણ

લૉક-ડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ કરવા અને ભોજન પહોંચાડવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અમદાવાદ તેમ જ અન્ય શહેર અને જિલ્લાઓમાં ફૂડ પેકેટ્સ અને 2 હજાર કિલો શાકભાજીનું વિતરણ કર્યું હતું.

દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. સુરત શહેર જિલ્લામાં 21 દિવસના લોકડાઉનને લઈને શ્રમજીવીઓ બેરોજગાર બનતા ગામ જવા રવાના થઈ રહ્યા છે. લોકડાઉનથી જનજીવન થંભી ગયું છે. જોકે, સંકટ સમયે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જ્યારે પગપાળા જતા લોકોને વાહનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. આવો જ એક કિસ્સો ગત રોજ સુરતમાં બન્યો હતો. મરણ પછી સ્મશાન સુધી લઈ જવામાં મદદરૂપ થતો મોક્ષરથ પગપાળા જતા લોકોની મદદે આવ્યો હતો. સુરતના હિરાબાગ સર્કલથી મોક્ષરથમાં લોકોને કામરેજ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી