પડોશીઓ વચ્ચેની તકરાર ક્યારેક પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે પણ આ તકરાર ક્યારેક ગંભીર બાબતની હોય છે જે સામાજિક સંબંધોને લાંછન લગાવે તેવી હોય છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક પડોશીએ તેની પડોશમાં રહેતી પડોસણને એટલી હદે હેરાન કરી મૂકી તેને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર બનાવમાં પડોશી યુવક પડોશણને જોર જોરથી અશ્લીલ ગીતો ગાઈને પરેશાન કરી મૂકી છે, એટલું જ નહીં પડોસણ જ્યારે બાથરૂમમાં નાહવા જાય ત્યારે પણ બહારથી જોર જોરથી બૂમો પાડીને પરેશાન કરતો. હાલ ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘર પાસે ચપ્પલ મૂકવાને લઈને બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો
શહેરના ચાંદખેડામાં એક એપાર્ટમેન્ટમાં રહેતી માયા ( નામ બદલ્યું છે ) તેના બે બાળકો અને પતિ સાથે રહે છે. રોજ હસી-ખુસીથી રહેતો પરિવાર પડોશીની હેરાનગતિથી પોલીસ સ્ટેશનના પગથિયાં રહ્યો છે. માયાના પડોશમાં મોહિત અને નિશા ( નામ બદલ્યુ છે ) રહે છે જે લોકો માયાના ઘર પાસે રોજ ચપ્પલનો ખડકલો કરી દેતા હતા. જેથી માયા અને તેના પતિએ આમ ન કરવા કહ્યું હતું, આ ઝઘડો સામાન્ય વાતમાં પતી જાય તેમ હતો પરંતુ મોહિત અને નિશાએ માયા અને તેના પરિવારને પરેશાન કરવા માટે એક વિચિત્ર પ્લાન ઘડ્યો.
મહિલા બાથરૂમમાં નાહવા જાય ત્યારે યુવક ગીતો ગાતો
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મોહિત રોજ માયાને અશ્લીલ ગીતો ગાઈને પરેશાન કરતો હતો. આ વાત અહીંથી અટકી નહીં પણ મોહિત હવે માયાને ઈશારો પણ કરવા લાગ્યો આ વાત માયાએ તેના પતિને કરી. પણ મોહિત આટલેથી અટકવાને બદલે તેણે 'એની પાછળ પાછળ જઈને અશ્લીલ વાતો કરી, અશ્લીલ ગીતો ગાતો હતો. માયા જ્યારે બાથરૂમમાં નાવા જાય ત્યારે તેને અવાજ સંભળાય એવી રીતે મોહિત ફરી અશ્લીલ ગીતો રણકારતો હતો.
પાડોશણ મહિલાના પતિને ગાળો આપતી
આ બધા પછી માયાના પતિ જ્યારે ઓફિસથી ઘરે આવે ત્યારે નિશા રસ્તામાં ઊભી રહેતી અને માયાના પતિને ગાળો બોલતી હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ આ વાત ખૂબ આગળ વધી અને માયા અને તેનો પતિ ચાંદખેડા પોલીસ સ્ટેશન જવા મજબૂર બન્યા હતા. ચાંદખેડા પોલીસે હાલ આ અંગે માયાની ફરિયાદ નોંધી મોહિત અને તેની પત્નીની સામે કાર્યવાહી કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.