શિક્ષકથી સિલિકોન વેલી સુધીની સફર:અમદાવાદીએ બનાવ્યું વ્હોટ્સએપનું 'EMOJI’ રિએક્શન ટૂલ, એક સમયે HB કાપડિયા સ્કૂલમાં હતા શિક્ષક

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: આનંદ મોદી

છેલ્લા એકાદ મહિનાથી તમે વ્હોટ્સએપમાં એક નવું ટૂલનો ઉપયોગ કરી રહ્યા હશો, જે વ્હોટ્સએપનું ઇમોજી રિએક્શન ટૂલ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ટૂલ ક્રિએટ કરવામાં એક અમદાવાદી યુવાનનું યોગદાન છે. આ યુવાનનું નામ છે વીદિત મણિયાર. તેમણે શહેરના મેમનગરમાં આવેલી એચબી કાપડિયા ન્યૂ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને હાલ મેટા કંપનીમાં નોકરી કરી રહ્યો છે. વિદિત રિએક્શન પ્રોજેક્ટની ટીમમાં હતો. જેમાં તેમની ટીમને સફળતા પણ મળી હતી.આજે અમદાવાદના યુવક અને તેની ટીમે જે પ્રોજેક્ટ પર કામ કર્યું છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતો વિદિત મણિયાર હાલ મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. વિદિત 9 થી 12 ધોરણ સુધી એચબી કાપડિયા સ્કૂલમાં ભણતો હતો. વિદિતે 12 સાયન્સ કરીને ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કર્યું હતું. એચબી કાપડિયા સ્કૂલમાં જ વિદિતને પહેલી નોકરી મળી હતી. જેમાં તે શિક્ષક તરીકે ફિઝિક્સ ભણાવતો હતો.

ગત વર્ષે જ મેટા કંપનીમાં જોડાયો ને પ્રોજેક્ટ રિએક્શન પર કામ કર્યું
ત્યાર બાદ હાયર એજ્યુકેશન માટે વિદિત વિદેશ ભણવા ગયો હતો. જે બાદ પે પલ કંપનીમાં 5 વર્ષ સુધી નોકરી કરી હતી. ગત વર્ષે જ વિદિત મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયો હતો. હાલ તે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. મેટા કંપનીમાં જોડાયા બાદ વિદિતે અનેક નાના મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. તાજેતરમાં વ્હોટ્સએપમાં મેસેજ પર રિએક્ટ કરવા ઇમોજી આવ્યા છે. આ અપડેટ લાવવા માટે પણ વિદિતે પ્રોજેકટ રિએક્શન ટીમ સાથે કર્યું હતું.લાંબા સમયની મહેનત બાદ આ પ્રોજેકટ ટીમ સાથે પૂરો કર્યો હતો, હજુ પણ અવનવા અપડેટ અને કરોડો લોકોને કંઈક નવું આપવા વિદિત ટીમ સાથે કામ કરી રહ્યો છે.

ભણતો ત્યારથી હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમાં માનું છું: વિદિત મણિયાર
આ અંગે વિદિત મણિયારે જણાવ્યું હતું કે, હું સ્કૂલમાં ભણતો ત્યારથી હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમાં માનું છું. વ્હોટ્સએપ પહેલાંથી જ મને ગમતું હતું. અબજો લોકોના જીવનમાં વ્હોટ્સએપથી પરિવર્તન આવ્યું છે. મેં પ્રોજેક્ટ રિએક્શનમાં પણ કામ કર્યું છે. આ પ્રોજેક્ટમાં કામ કરવાનું મને ગર્વ છે. વ્હોટ્સએપમાં હજુ બીજું ઘણું આવી રહ્યું છે. અત્યારે કહી ના શકું પણ ચોક્કક્સ પછી મળીશું.

પ્રશંસા સાંભળીને અમને આનંદ થાય છેઃ વિદિતના પિતા
જ્યારે વિદિતના પિતા નયનભાઈ મણિયારે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે મારો દીકરો અમદાવાદથી ભણીને વિદેશ ગયો અને વિદેશ જઈને આટલી મોટી કંપનીમાં નોકરી કરે છે. તે શરૂઆતથી ભણવામાં પણ હોશિયાર હતો. હજુ તેને આગળ PHD કરવું છે. તે જે કામ કરે છે તેની પ્રશંસા સાંભળીને પણ અમને આનંદ થાય છે.

પુત્ર અને પુત્રવધૂ બંને ખૂબ સારું કામ કરી રહ્યાં છેઃ વિદિતનાં માતા
વિદિતના માતા નયનાબેને જણાવ્યું હતું કે અમારા દીકરાએ માત્ર અમારું જ નહીં પણ દેશનું નામ રોશન કર્યું છે. અમે એકલાએ તેની પાછળ મહેનત નથી કરી, તેના સ્કૂલ ટીચર, પ્રિન્સિપાલ, મિત્રો તમામ લોકોએ તેના માટે મહેનત કરી છે. તેની સાથે તેની પત્ની પણ વિદેશમાં છે અને તે પણ સેમસંગ કંપનીમાં નોકરી કરે છે. અમારા પુત્ર અને પુત્રવધુ બંને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે તેની મને ખુશી છે.

‘અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ભણી પ્રગતિ કરે એ માટે મદદ કરીશું’
એચબી કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયાએ જણાવ્યું હતું કે અમને ગર્વ છે કે અમારી સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી આજે મેટા કંપનીમાં છે. સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ સફળતા મેળવીને આજે અનેક સારી જગ્યાઓ પર છે. અમે હજુ ઇચ્છીએ છે કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને પ્રગતિ કરે. અમે સ્કૂલ તરફથી બનતી તમામ મદદ કરીએ છે અને કરતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...