ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોને બરબાદ કરવા માટે રીતસર ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. ઘણા સમયથી ડ્રગ્સ પેડલર અને ડીલરને પકડવા માટે પોલીસનો આખો એક્શન પ્લાન ચાલી રહ્યો છે. એટલું જ નહીં પોલીસે અંડર કવર લોકોનું જાળ બિછાવ્યા બાદ હવે નાના-મોટા ડ્રગ્સ વેચનાર ઝડપાઇ રહ્યા છે. આ વખતે ગુજરાત એટીએસના સ્ટાફને બાતમીના આધારે વસ્ત્રાપુર જેવાં પોશ અને ભરચક વિસ્તરમાંથી ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ સાથે એક શખસને ઝડપી લીધો છે.
ડ્રગ્સ, ચરસ અને ગાંજો ત્રણેય મળ્યું
ગુજરાત એટીએસએ ડ્રગ્સની બદીને ડામવા માટે કવાયત હાથ ધરી છે. દરિયામાં મોટા જથ્થા બાદ હવે નાના ડીલરને પકડવા માટે સક્રિય બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલીના રાજુલાનો એક વ્યક્તિ ડ્રગ્સની ડીલિંગ કરાવતો હતો. એટીએસને બાતમી મળતા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખસની ધરપકડ કરી છે. એમ.ડી, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 80 ગ્રામ એમ.ડી, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો મળ્યો હોવાની વિગત જાણવા મળી રહી છે.
ત્રણ દિવસ અગાઉ શહેરમાંથી 3 પેડલર પકડાયા હતા
નોંધનીય છે કે, ગત અઠવાડિયે જ શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઈ હતી. આરોપીઓ પાસેથી રૂ. 42 લાખનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે શહેરભરમાં 3 જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે શુક્રવારે વેજલપુરમાંથી ફારૂક તતા રાયખડમાંથી મારૂફ અને સલમાન નામના પેડલરોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.