ઢોર નિયંત્રણ બિલનો વિરોધ:સરકારની બાંહેધરી છતાં માલધારીઓ ટસના મસ થવા તૈયાર નથી, ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે વિરોધનું રણશિંગુ ફૂંકશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલધારી મહાપંચાયતની ફાઈલ તસવીર - Divya Bhaskar
માલધારી મહાપંચાયતની ફાઈલ તસવીર
  • દહેગામના ઝાંક ગામે માલધારી મહાપંચાયતની રવિવારે બેઠક યોજાશે
  • ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી આગેવાનો મીટિંગ ઉપસ્થિત રહેશે

ગુજરાત વિધાનસભામાં બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવતાં જ આ કાળા કાયદાના વિરોધમાં રાજ્યભરના માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે મુખ્યમંત્રીએ 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં માલધારીઓએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારે 15 દિવસની સમય મર્યાદા પણ પૂર્ણ થવા છતાં હજી સુધી હકારાત્મક નિર્ણય નહીં આવતાં માલધારીઓની ધીરજ હવે ખૂટી છે અને સરકારની બાંહેધરી છતાં તેઓ ટસના મસ થવા તૈયાર નથી. ભૂપેન્દ્ર સરકાર વિરુદ્ધ રણશિંગૂ ફૂંકવા આગામી રવિવારે દહેગામનાં ઝાંક ગામે સવારે 11 વાગ્યે માલધારી મહાપંચાયતની મીટિંગ બોલાવી છે, જેમાં આંદોલનને વેગવંતુ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં આવશે.

'ઢોર અંકુશ નિયંત્રણ કાયદાને લઈને બે-ત્રણ મહિનાથી લોલીપોપ અપાય છે'
ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું કે, દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલ વડવાળા મંદિર ખાતે ગુજરાત માલધારી મહાપંચાયની અગત્યની મીટીંગ મળશે. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામ જીલ્લાઓમાંથી મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારનાં ઢોર અંકુશ નિયંત્રણ કાયદાને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી વાયદા અને લોલીપોપ આપવામાં આવે છે તેને માલધારી સમાજ સારી રીતે જાણે છે. ભુતકાળનાં અનેક નિર્દોષ સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે.

તેમણે વધુમાં કહ્યું, આ બાબતને ધ્યાને લઈ જ્યાં સુધી કાયદો રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રાખીશું. છેલ્લે જ્યારે મુખ્યમંત્રી જોડે ગાંધીનગર ખાતે મીટીંગ યોજાઈ ત્યારે તેઓએ 15 દિવસની અંદર આ બાબતે માલધારી સમાજને સાથે રાખીને ફરીવાર મીટીંગ યોજવાની વાત કરી હતી. તે વાતને 25 દિવસ થવા આવ્યા છતાંય ગુજરાત સરકાર તરફથી યોગ્ય કે ઠોસ વાત જાહેર કરાઈ નથી. તે બાબતે ચર્ચા વિચારણા કરવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

પશુ પાલકોએ લેવું પડશે ફરજિયાત લાયસન્સ
ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદા મુજબ પશુ પાલકોને લાયસન્સ લેવું ફરજિયાત રહેશે, તેમજ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂંક કરીને તેને સમયસર ચકાસવામાં પણ આવશે.

બિલની મહત્ત્વની જોગવાઈ

  • શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે
  • લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે
  • કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
  • શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
  • પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
  • ઢોર પકડનારી પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
  • પાલિકા હસ્તકના ઢોરવાડાનાં ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોર દીઠ 50 હજારનો દંડ

અગાઉ પાટીલે આ કાયદા માટે ફેરવિચારણા કરવા કહ્યું હતું
થોડા સમય પહેલા સી.આર. પાટીલે ઢોર નિયંત્રણ કાયદા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મને પણ લાગે છે કે મહાનગરપાલિકામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમણે વિનંતી કરી હતી અને સાધુ-સંતો મળવા આવવાના છે. મેં મુખ્યમંત્રીને વિનંતી કરી હતી કે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. કાયદાનું સખતાઈથી પાલન કરવા માટે સર્વે સમાજ તૈયાર હોય ત્યારે આવા કાયદાની જરૂર નથી એવી માગણી મને વાજબી લાગે છે અને તેમણે પોઝિટિવ કહ્યું છે અને મને વિશ્વાસ છે સરકાર જરૂર ફેરવિચારણા કરશે.

અન્ય સમાચારો પણ છે...