કાયદાનો વિરોધ:રખડતા ઢોર મામલે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર વિધાનસભામાં બિલને રદ કરે તેવી માલધારી સમાજની માંગ
  • સોમવારે સમગ્ર રાજયમાં માલધારીઓ કલેકટર ઓફિસ બહાર ધરણાં પર બેસશે

રાજયમાં રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા લાવેલા બિલને મુખ્યમંત્રીએ હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ માલધારી સમાજ આ બિલને વિધાનસભામાં રદ કરે તેવી માંગ રહ્યો છે. સરકારે જાહેરાત કરી છે પરંતુ આગામી દિવસોમાં તે લોલીપોપ સમાન સાબિત થઈ શકે છે. જેથી ગુજરાત માલધારી સમાજ સોમવારે સમગ્ર રાજ્યમાં કલેક્ટર ઓફિસે ધરણાં કરશે અને મંગળવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરશે.

ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ ઘરણાં કરશે
ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં ગાયો અને ગોવાળોનાં વિરોધને કાળો કાયદો લાવી શહેરી વિસ્તારને ગામડાઓમાં ભેળવી સરકારી પડતર જમીન અને ગૌચરો તેમના માનીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું આ વિધયક ગુજરાત સરકાર લાવી છે. તે સંદર્ભે તારીખ 18 એપ્રિલે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ સવારે 11 વાગે ધરણા યોજવા આહવાન કરાયું છે.

ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુચ, દ્વારકા, અમરેલી, વિરમગામ, ડીસા, પાલનપુર, રાધનપુર, પાટણ, મહેસાણા, દહેગામ, ખેડા, સાણંદ, ધનસુરા, હિંમતનગર સહિત વિસ્તારોમાં માલધારી સમાજ દ્વારા ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું કે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં 18 એપ્રિલે ધરણા તેમજ 19મીએ ગાંધીનગર માલધારી સમાજ ઉપવાસ પર બેસશે. તે અંગે ગુજરાત સરકારની પોલીસ સમક્ષ લેખિતમાં પોલીસ પરમીશન માંગવામાં આવી છે.

લોલીપોપ આપી સમાજોને ગુજરાત સરકારે છેતર્યા
ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભૂતકાળની જેમ નિર્દોષ સમાજોને લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે. તેવી જ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી હતી. પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માંગણી છે કે, ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાંહેધરી આપે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...