સ્વામી વિવેકાનંદ તેમના ઓછા આયુષ્યમાં અનેક મોટા બોધપાઠ આપતા ગયા. 1886ની વાત છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે, ‘શું જોઇએ છે?’ સ્વામીજીએ કહ્યું- ‘નિર્વિકલ્પ સમાધિ.’ તો ગુરુએ કહ્યું કે, ‘આટલા હીન વિચાર. હું તો વિચારતો હતો કે, તું વટવૃક્ષ બનીશ, હજારોને આશ્રય આપીશ. તું તો ફક્ત તારી મુક્તિનું વિચારે છે.’ આ સાંભળીને સ્વામીજી રડી પડ્યા. પછી એક િદવસ તેઓ સમાધિમાં બેઠા અને બહુજનહિતાય, બહુજનસુખાય અને સત્યના પ્રચારનો સંકલ્પ લઇને ઊઠ્યા. જીવન જીવવાની કળા શીખવતા સ્વામીજીના જીવનના આવા કિસ્સા જણાવે છે ડૉ. શિપ્રા માથુર...
1. ભલે એક જ હોય પણ જીવનમાં મિત્ર જરૂરી છે
સ્વામીજી રાજપૂતાનાના ખેતડી રિયાસતના રાજા અજીત સિંહને પોતાના મિત્ર માનતા. અમેરિકામાં બીમારી વખતે એક પત્રમાં તેમને ઉદ્દેશીને સ્વામીજીએ લખ્યું હતું કે, ‘ફક્ત તમારી સમક્ષ હાથ ફેલાવતા હું શરમ નથી અનુભવતો.’ સ્વામીજી માતાની સંભાળ માટે પણ તેમને જ કહેતા. તેમણે એક જ મજબૂત મિત્ર બનાવ્યો, જેમને તેમણે બધી જ વાત કરી, પત્રો લખ્યા, મદદ લીધી અને તેમને જ્ઞાન પણ આપ્યું.
બોધઃ વધુ નહીં, પરંતુ એક સાચો મિત્ર હોવો જરૂરી છે.
2. મહિલાઓ વિશેના નિર્ણયો પુરુષોએ કરવા નહીં
કોઇએ સ્વામીજીને વિધવા વિવાહ અંગે પૂછ્યું. તો તેમણે કહ્યું કે, કોઇ વિધવાને જ પૂછો. એ નક્કી કરનારા આપણે કોણ? 1984માં એક પત્રમાં તેમણે લખ્યું કે, ‘બેલ્લુર મઠ બનાવતા પહેલા મેં મહિલાઓના આશ્રય માટે એક જગ્યા બનાવવાનો સંકલ્પ કર્યો છે.’ સાથે સ્વામીજીએ મઠ માટે ભેગા કરેલા રૂ.સાત હજાર મોકલતા કહ્યું કે,‘મહિલાઓ પર શાસનની નહીં, સહકારની નિયત રાખો.’
બોધઃ મહિલાઓ માટે શું સારું, શું ખરાબ, તે તેમને નક્કી કરવા દો.
3. મદદના બદલામાં ખોટા વિચારોને સ્વીકારશો નહીં
અમેરિકા જતા પહેલા સ્વામીજીએ લોકોનું સમર્થન માગ્યું. થિયોસોફિકલ સોસાયટીના કર્નલ ઓકાલ્ટે તેમને કહ્યું કે, ‘સમર્થન પત્ર જોઇએ તો સોસાયટીના સભ્ય બનો.’ સ્વામીજીએ કહ્યું કે, ‘હું તમારા મોટા ભાગના સિદ્ધાંતો વિરુદ્ધ છું એટલે સભ્ય ના બની શકું.’ છેવટે તેમણે વિચાર્યું કે, ‘સારું થયું દેશહિતના કામ માટે મેં એકના બદલે અનેક દેશવાસીની મદદ લીધી.’
બોધઃ મદદના બદલામાં કોઇ તમારા સિદ્ધાંત વિરુદ્ધનું માગે તો મદદ ના લો.
4. અંધવિશ્વાસ અધર્મ, ધર્મ વિશ્વાસ શીખવે છે
1891ની વાત છે. સ્વામીથી ટ્રેનમાં અમદાવાદ જતા હતા. તેમની પાસે એક મુસાફરે ચમત્કારોની વિચિત્ર વાત કરી. સ્વામીજીએ તેને ઠપકો આપતા કહ્યું કે, ‘અલૌક્કિ શક્તિ અને અધ્યાત્મને કોઇ સંબંધ નથી. ઇચ્છાઓના ગુલામ અને અહંકારીઓ જ ચમત્કારોના ચક્કરમાં પડે છે. આવી નિરર્થક બાબતોથી જ દેશ બરબાદ થાય છે.’
બોધઃ પાખંડોથી દૂર રહો. ધર્મ વિશ્વાસ કરતા શીખવે છે, અંધવિશ્વાસ અધર્મ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.