નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 15 એપ્રિલ, ચૈત્ર સુદ-બારસ.
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે વડાપ્રધાન કચ્છની સુપર મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે 2) CNGના ભાવવધારાના વિરોધમાં આજે અમદાવાદના શિક્ષાચાલકો હડતાળ પર 3) આજથી કેમ્પ હનુમાનમાં મહોત્સવ શરૂ, સવારે 8 વાગે હનુમાન યાત્રા નીકળશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) 'કોંગ્રેસમાં મારી સખત હેરાનગતિ થઈ રહી છે, મને પક્ષ છોડવા મજબૂર કરાઈ રહ્યો છે', હાર્દિક પટેલનું સૂચક નિવેદન
પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા પાર્ટીથી નારાજ હોવાના એજન્સીના અહેવાલ છે. પીટીઆઈની સાથેની ખાસ વાતચીત બાદ હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતા પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. સાથેસાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. દિવ્યભાસ્કરે અગાઉ એક્સક્લુઝિવ રિપોર્ટ આપ્યો હતો. હાર્દિકની નારાજગી સામે આવી છે અને આપમાં જોડાય તેવી શક્યતાઓ છે.
2) ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, ભાજપ ગુજરાતને ગમતો નથી, કોંગ્રેસમાં હવે દમ નથી, 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે
ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાનો સંપર્ક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી.
3) બુલેટ ટ્રેનના રૂટનો ડ્રોન નજારો, જમીનથી 33 ફૂટ ઊંચે દોડનારી બુલેટ ટ્રેનમાં બેઠા પહેલાં કરો 350 કિ.મી.ની હાઇસ્પીડનો અહેસાસ, બે મિનિટમાં વલસાડથી સાબરમતી સુધીની સફર
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનને કલાકના 350 કિ.મી.ની ગતિએ દોડાવીને ટ્રાયલરન લેવાનો છે, જોકે દિવ્ય ભાસ્કર દ્વારા પહેલીવાર અત્યારે ગુજરાતમાં વલસાડથી સાબરમતી સુધીના 352 કિ.મી. રૂટ પરની કામગીરીનો રિયલ ટાઈમ ડ્રોન નજારો પ્રસ્તુત કરાયો છે. સમગ્ર રૂટની લાઈવ કામગીરીનો આ ડ્રોન વીડિયો તમને માત્ર 2 મિનિટમાં 352 કિ.મી.ની સફર કરાવશે.
4) ગુજરાતમાં પ્રજા સમક્ષ એન્ટી-ઇન્કમ્બન્સી ઊભી કરવા AAPની ગેરીલા સ્ટ્રેટેજી, ભાજપને પણ કોંગ્રેસનો નહિ, ઝાડુનો લાગે છે ડર!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમેત્યારે જાહેરાત થઈ શકે છે. આ માહોલમાં ભાજપને કોંગ્રેસની લગીરે ચિંતા નથી, પણ આમ આદમી પાર્ટી(AAP)નો ડર જરૂર લાગી રહ્યો છે. આનું કારણ એ છે કે ભાજપને ટક્કર આપવા માટે AAP હવે પંજાબ પેટર્ન મુજબ પ્રજામાં એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. આ માટે AAPએ ગેરીલા એટેકની પદ્ધિતિ અપનાવી છે અને ભાજપના વિકાસ મોડલ પર જ પ્રહાર કરી રહી છે. AAPની દિલ્હી સરકારે આપેલી શિક્ષણ, વીજળી અને પાણી માટેની ફ્રી સુવિધાની યોજનાઓની તેઓ ગુજરાત સાથે તુલના કરી રહી છે. આ રીતે તેઓ ગુજરાતની ભાજપ સરકારને ભીંસમાં લઈ રહી છે, જેથી તેના નેતાઓ ઉશ્કેરાઈ જાય છે.
5) અમદાવાદમાં ગર્ભવતી મહિલાની ટોઇલેટમાં ડિલિવરી થતાં બાળક કમોડમાં ફસાયું, ફાયરના જવાનોએ 25 મિનિટમાં બાળકને બચાવ્યું
આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ છે. ફાયરબ્રિગેડના જવાનો પોતાના જીવન જોખમે આગ, ભૂકંપ કે કોઈપણ હોનારતમાં તાત્કાલિક પહોંચી અને લોકોને પોતાના જીવના જોખમે બચાવે છે. આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોયલેટમાં જ ડિલિવરી થઈ જતા બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. ટોયલેટના કમોડમાં ફસાયેલા બાળકને અમદાવાદના ફાયરબ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ 25 મિનિટમાં તેને કોઈપણ તકલીફ ન પડે તે રીતે કમોડને તોડી અને બાળકને સહીસલામત રેસ્ક્યુ કર્યું હતું. દિવ્યભાસ્કરે કમોડમાં ફસાયેલા બાળકને કઈ રીતે બહાર કાઢ્યું તેનું રેસ્ક્યુ ઓપરેશન અંગે ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ સાથે ખાસ વાતચીત કરી હતી.
6) મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું- યુદ્ધના સમયે આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે
દેશના 15 વડાપ્રધાનોની માહિતી સાથે તૈયાર કરાયેલા વડાપ્રધાન મ્યુઝિયમનું ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું કે આ મ્યુઝિયમમાંથી લોકો આઝાદીથી લઈને અત્યાર સુધીના દેશ વિશે જાણી શકશે. આ સાથે યુવાનો અહીં ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય વિશે પણ વિચારી શકશે.મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે એક-બે અપવાદોને બાદ કરતાં આપણે ત્યાં લોકશાહીને મજબૂત કરવાની પરંપરા રહી છે. તેમણે કહ્યું કે આજે જ્યારે યુદ્ધ સંકટથી વિશ્વ ઘેરાયેલું છે. ત્યારે તેઓ વિશ્વાસની નજરોથી આપણી તરફ જોઈ રહ્યા છે.પીએમએ પોતે પણ મ્યુઝિયમમાં પ્રવેશ કરતી વખતે ટિકિટ ખરીદી હતી. જ્યારે, મ્યુઝિયમમાં પીએમ મોદીની તસવીર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સામે લગાવેલી છે.
7) ઉત્તરપ્રદેશના ગુટકાના વેપારીના બેડની અંદરથી 6.31 કરોડ રોકડા મળ્યા, 18 કલાક ચાલ્યું સર્ચ-ઓપરેશન
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં 12 એપ્રિલે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી. આ દરમિયાન વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર આઠ સો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પૈસાને ગુટકા કારોબારીએ બેડ બોક્સની અંદર રાખ્યા હતા.
8) વિદ્યાર્થી અને શિક્ષક પોઝિટિવ આવ્યા, અન્ય વિદ્યાર્થીઓને રજા અપાઈ, નોઈડામાં કોરોનાવાઈરસના 44 કેસ નોંધાયા
દિલ્હીમાં ગુરુવારે એક પ્રાઈવેટ સ્કુલમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે પછીથી અન્ય વિદ્યાર્થીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. આપના ધારાસભ્ય આતિશે કહ્યું કે આ સમગ્ર મામલા પર સાવધાનીપૂર્વક નજર રાખવામાં આવી રહી છે.
9) લગ્નમંડપમાં જ આલિયા-રણબીરનું લિપલોક! લગ્ન પછીની પ્રથમ મસ્ત તસવીરો
ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. આ લગ્નમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા. લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ 2) AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોના પેન્શન સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1.50 લાખ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે 3) અમદાવાદના જુહાપુરામાં જ સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી 'ઔવેસી તુમ વાપસ જાઓ'ના બેનરો બતાવ્યા, કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ઘર્ષણ 4) રાજકોટમાં દોઢ વર્ષના પુત્રને સાચવવા દંપતી ઝઘડ્યું, પતિએ ગળેફાંસો ખાતાં મોત, પત્નીએ એસિડ પીધું 5) રાજકોટમાં દબાણ હટાવ શાખાએ 6 દિવસમાં 2.33 લાખની રકમ દંડ પેટે વસૂલી, 330 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો 6) ભાગવતનો વાયદો:RSSના ચીફ મોહન ભાગવતે કહ્યું- 15 વર્ષમાં અખંડ ભારત ફરીથી બનશે, રાઉતે કહ્યું- 15 દિવસની જ મુદત આપો 7) ખાલિસ્તાની સમર્થકને મુસ્લિમોની ચિંતા:ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કહ્યું- મોદી સરકારે મુસ્લિમવિરોધી ઉશ્કેરણી બંધ કરવી જોઈએ 8) 'બળાત્કાર કે અફેર?' બાબતે ઘેરાયા CM મમતા:નિર્ભયા કેસના વકીલે કહ્યું- એવી માન્યતા છે કે રાત્રે બહાર જવું, ટૂંકા કપડા પહેરવા એ બળાત્કારનું કારણ છે 9) હવામાન વિભાગનું અનુમાન:સતત ચોથા વર્ષે સામાન્ય રહેશે ગુજરાત સહિત અન્ય પશ્ચિમી રાજ્યોનું ચોમાસું, ઉત્તર ભારતમાં એવરેજથી વધુ વરસાદ થશે
આજનો ઈતિહાસ
15 એપ્રિલ, 1976નાં દિવસે ભારતે 15 વર્ષમાં પહેલી વખત બેઈજિંગમાં પોતાના રાજદૂત મોકલવાની જાહેરાત કરી.
અને આજનો સુવિચાર
જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.