પાર્વતીજીને દેશમુખ પરિવારે ઘરે તેડાવ્યા:ખોખરા-હાટકેશ્વરમાં પાર્વતીજીની ત્રણ દિવસ માટે સ્થાપના કરતા મહારાષ્ટ્રીયનો, સોમવારે વિસર્જન કરાશે

22 દિવસ પહેલા

શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની આરાધના થાય છે. તે પૂર્ણ થતાં જ ગણેશજીને જાહેર સ્થળોએથી માંડીને ઘરે સૌ કોઇએ તેડાવે છે. ગણેશજીના દોઢ દિવસથી દસ દિવસ માટે આજે ઘણાં ભક્તજનો તેડાવે છે. કેટલાંક પરિવારે વિસર્જન કરી દીધું છે, ઘણાં હવે વિસર્જન કરશે. માટીના ગણેશજીની મૂર્તિને તો ઘર આંગણે જ વિસર્જન કરી દેવામાં આવે છે. બીજા લોકોને ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુંડ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકોને કદાચ ખ્યાલ નહિ હોય કે, ગણેશજીના સ્થાપનાના ત્રીજા દિવસે એટલે કે સાતમના દિવસે મહારાષ્ટ્રીયનો પોતાના ઘરે પાર્વતીજી ( ગૌરી માતા )ની ત્રણ દિવસ માટે સ્થાપના કરતાં હોય છે.

આદ્યશક્તિ પાર્વતી માતાનું પૂજન મહારાષ્ટ્રમાં આસ્થા, શ્રધ્ધાથી કરવામાં આવે છે. અમદાવાદના ભદ્વ તેમ જ ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં વસવાટ કરતાં ઘણાં મહારાષ્ટ્રીયનો ગૌરી માતાને ઘરે તેડાવે છે. દેશમુખ કુંટુંબના સભ્યોએ પોતાના ઘરે પાર્વતીજી ( મહાલક્ષ્મીજી)ને ત્રણ દિવસ માટે તેડાવ્યા હતા. આવતીકાલે સોમવારે સવારે તેમનું પણ વિસર્જન કરવામાં આવશે.

આ અંગે ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં રહેતાં રમેશભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, ઘરમાં સુખ સંપત્તિ અને આનંદમયી રહે તે માટે માતાની સ્થાપના, પૂજા કરવામાં આવે છે તેવું લોકમુખે ચર્ચાય છે. વિવાહીત દિકરીને પિયરમાં બોલાવીને તે દિકરીના હાથે ગૌરી માતાનું પૂજન કરવામાં આવે છે. કોઇ ઠેકાણે તો કુંવારી દિકરીના હાથે ઉત્સાહપૂર્વક પૂજન કરવામાં આવે છે. બીજા દિવસે એટલે કે અષ્ટમીના દિવસે અલગ અલગ જાતની શાકભાજીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ પૂજનમાં 16 આંકનો મહત્વ હોય છે. મિષ્ટાનમાં ભોજન નૈવેદ્યમાં અપાય છે. ઘરની મહિલાના હાથે માતાજીને અલગ અલગ પ્રકારના દાગીના અને અલંકારથી શૃગાંર કરવામાં આવે છે. ત્રીજા દિવસે એટલે કે નોમના દિવસે વિધિથી માતાજીનું વિસર્જન કરાય છે.

ત્રણ દિવસ સુધી દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે. સગા - સબંધી અને મિત્રોને દર્શનાર્થે બોલાવવામાં આવે છે. ગઇકાલે શનિવારે દેશમુખ પરિવારને ત્યાં ખોખરા વિસ્તારના કોર્પોરેટર કમલેશ પટેલ તથા જગીશાબેન સોલંકી તેમજ ભાજપના સ્થાનિક આગેવાન જયંત રાવલ તથા ચરણસીંગ રાજપૂત સહિત અનેક લોકોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...