હવે કર્તવ્યને મા-બાપ મળ્યાં:અમદાવાદના સરકારી શિશુગૃહમાં રહેતા 10 મહિનાના ‘કર્તવ્ય’ને મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના દંપતીએ કર્તવ્યને દત્તક લીધો - Divya Bhaskar
મહારાષ્ટ્રના દંપતીએ કર્તવ્યને દત્તક લીધો
  • કર્તવ્યને મહારાષ્ટ્રના ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો
  • અમદાવાદના કલેક્ટરે પરિવારને શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદ જિલ્લા બાળક સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત પ્રયાસો અને દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શનથી શિશુગૃહમાં રહેતા દસ મહિનાના ‘કર્તવ્ય’ને માતા-પિતાની છત્રછાયા મળી છે. તેને મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો છે.

કાયદેસરનું વાલીપણા હેઠળ કર્તવ્યને સુપ્રત કર્યો
આજે એક ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી આવેલા પ્રેમાળ દંપતીને સંતાનના રૂપમાં આ કર્તવ્યને જિલ્લા કલેક્ટરે કાયદેસરના વાલીપણા હેઠળ સુપ્રત કર્યો હતો. ભારત સરકારની કારા સંસ્થા દ્વારા કાયદામાં ઠરાવેલી દત્તક પ્રક્રિયા પૂર્ણ કરીને કર્તવ્યને માતાપિતા અને કુટુંબના છત્ર હેઠળ મૂકવાની વિધિસર મંજૂરીના પગલે આ શક્ય બન્યું હતું.

કલેક્ટર સંદીપ સાગલે હાજર રહ્યા
કલેક્ટર સંદીપ સાગલે હાજર રહ્યા

કલેક્ટરે મહારાષ્ટ્રના યુગલને ધન્યવાદ આપ્યા
કલેક્ટર સંદિપ સાગલે આ હૃદયસ્પર્શી ઘટનાને સર્વાધિક સુખદ ઘટના તરીકે મુલવી હતી. માતા-પિતાની છત્રછાયાની ઝંખના સેવનારા બાળકને હોંશભેર અને દિલની લાગણીથી સંતાન તરીકે અપનાવી લેવા માટે મહારાષ્ટ્રના યુગલને હાર્દિક ધન્યવાદ આપ્યા હતા. આ બાળકને વ્હાલા સંતાન તરીકે ગળે લગાડનાર ભાથુભાઇ અને ઉષાબાઇનો આ નિર્ણય સહુના હૃદયને સ્પર્શી ગયો હતો. કલેક્ટરે સમગ્ર પ્રક્રિયાના ઝડપી અને સમયબદ્ધ સંકલન માટે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપવાની સાથે ભવિષ્યમાં આવી યશસ્વી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બાળક દત્તક લેવા કારાને અરજી કરાય છે
દેશ-વિદેશના દંપતીઓ બાળક દત્તક મેળવવા માટેની તેમની અરજીઓ કારા એટલે કે (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી) ને મોકલે છે. દેશની વિવિધ સરકારી આશ્રય સંસ્થાઓ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરી દત્તક માટે ઉપલબ્ધ બાળકોની વિગતો કારાને ઉપલબ્ધ કરાવે છે. કારા દ્વારા સઘન મેચિંગ પ્રક્રિયાના અંતે જિલ્લા સ્તરની સમિતિની મંજૂરીથી દત્તક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે.