યુવકની હત્યા:અમદાવાદમાં માધુપુરાના યુવકે 3 મહિના પહેલાં ભાગીને પ્રેમલગ્ન કર્યા, સાબરમતી નદીમાં હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં સાબરમતી નદીમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકના ગળાના ભાગે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મૃતક યુવક દુધેશ્વરનો રહેવાસી હિતેશ રાઠોડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સાથે સાથે તેણે લગભગ ત્રણેક મહિના પહેલા આફરીન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. જોકે બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જાણી શકાયું છે, પરંતુ આ હત્યા પાછળ તેના પ્રેમ લગ્ન જવાબદાર છે કે કેમ તે અંગેની પણ તપાસ પોલીસે શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ, માધવપુરા હીરાજી દેવાજીની ચાલીમાં રહેતા હિતેશ રાઠોડે ત્રણ મહિના પહેલા હિતેશે મારવાડીની ચાલીમાં રહેતી આફરીન બાનુ અંસારી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને અમદાવાદથી જામનગર જતા રહ્યા હતા. બાદમાં બન્નેનો પરિવાર માની જતાં પરત અમદાવાદ આવ્યા અને સાબરમતીમાં ડી કેબિનમાં ભાડે રહેવા લાગ્યા હતા. હિતેશ ગેરેજ પર નોકરી કરતો હતો.

રવિવારે બપોરના સમયે હિતેષ પત્ની આફરીન બાનુને ખરીદી કરવા માટે માધુપુરા સાળીના ઘરે મૂકીને નોકરી ગયો હતો. બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. પત્ની આફરીનબાનુ તથા ભાઈ નરેશે હિતેશની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. જો કે, ફાયરબ્રિગેડને સાબરમતી રિવરફ્રંટ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી નરેશે તે જગ્યાએ તપાસ કરી ત્યારે હિતેશનો મૃતદેહ હતો.

હિતેશને ગળાના ભાગે તિક્ષણ હથિયારનો ઘા માર્યો હોવાનુ સામે આવતા રિવરફ્રંટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં હિતેશના મૃતદેહને પીએમ માટે મોકલી આપી અજાણ્યા શખસના વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...