કોંગ્રેસમાં એક પછી એક ગાબડાં:રાઠવા બાદ બારડ ભાજપમાં જોડાતાં કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ, મધુ શ્રીવાસ્તવ તેમનાં પત્નીને ચૂંટણી લડાવવા ઇચ્છે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાજ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા બાદ હવે ભગા બારડે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો બીજી તરફ વડોદરામાં પીયૂષ ગોયલ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. જયરાજસિંહ પરમારે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા જ બળાપો કાઢ્યો હતો. વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે.

'મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે; પત્નીને લડાવીશ': મધુ શ્રીવાસ્તવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રિપીટ કરાશે કે નહીં એ અંગે અટકળોએ જોર પકડ્યું છે, ત્યારે આજે મધુ શ્રીવાસ્તવને જ્યારે ચૂંટણી લડવા અંગેનો સવાલ મીડિયા દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમણે મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું.

મરીશ તોપણ કોંગ્રેસનું કફન ઓઢીને જ મરીશ: સુખરામ રાઠવા
મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા આજે વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. જેનું ખંડન ખુદ સુખરામ રાઠવાએ કર્યું હતું. સુખરામ રાઠવાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, ગઈકાલે જે ઘટના બની તેના અનુસંધાને ટીવી મીડિયામાં જે વાતો વહેતી થઈ હતી, તેનું ખંડન કરવા મને મોવડી મંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને સાચી વાત લોકો સુધી પહોંચે અને કોઈને મનદુઃખ ના થાય અને કોઈને પણ સંદેહ ના જાય કે સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષ સાથે નથી, તેનો ખુલાશો કરવા માટે જ અહી આવ્યો છું. વધુમાં તેમણે જણાવતા કહ્યું કે, ચૂંટણીઓ આવે ત્યારે ઘણાં બધાં સમીકરણો બદલાતા હોય છે. કેટલાક મિત્રો ભાજપમાંથી કોંગ્રેસમાં પણ આવે છે અને કેટલાક મિત્રો કોંગ્રેસમાંથી ભાજપમાં પણ જાય છે. આ ચૂંટણીની રણનીતિ છે. જેના ભાગરૂપે ગઈકાલે જે ઘટના બની તેનાથી હું ઘણો જ દુઃખી છું. પણ પાર્ટી હુ છોડવાનો નથી, હુ પાર્ટીની સાથે જ છું. હું સુખરામ રાઠવા 1985થી છોટા ઉદેપુર વિધાનસભાનો ધારાસભ્ય હતો, 1985થી સતત 2002 સુધી છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ કર્યું છે.

સુખરામ રાઠવાની ફાઈલ તસવીર
સુખરામ રાઠવાની ફાઈલ તસવીર

કેજરીવાલ જાદુગર છે, જેઓ ભ્રમ ઊભો કરે છે: પીયૂષ ગોયલ
વડોદરામાં પીયૂષ ગોયલ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ઉપરાંત તેમણે કેજરીવાલને જાદુગર પણ કહ્યા હતા અને કહ્યું હતું કે કેજરીવાલ જાદુગર છે, જેઓ ભ્રમ ઊભો કરે છે, લોકો એમાં ભ્રમમાં ભરાઈ જશે નહીં. ઉપરાંત તેમણે મોહનસિંહ રાઠવાની ભાજપમાં એન્ટ્રીને લઈને પણ વાત કરી હતી. વડોદરા એક એવી નગરી છે, જે સાંસ્કૃતિક નગરી અને શિક્ષણ નગરી છે. ગુજરાત ભાજપને ઐતિહાસિક વિજય આપવા માગે છે. આ ગુજરાત એક-એક ગુજરાતીના લોહી પરસેવાથી બન્યું છે.

કોંગ્રેસના લેપટોપિયા નેતાના લીધે આ સ્થિતિ થઈ છે: જયરાજસિંહે પરમાર
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને હાલ ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા જ બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના 10 જેટલા લેપટોપિયા નેતાના લીધે આ સ્થિતિ થઈ છે. તેઓ ગુજરાતના પ્રશ્નોની જાણ દિલ્હી સુધી નથી થવા દેતા, સિનિયર અને અનુભવી નેતાઓની અવગણના થઈ રહી છે, ભાજપમાં નવી પેઢીને તક મળે છે.

જયરાજસિંહે પરમારની ફાઈલ તસવીર
જયરાજસિંહે પરમારની ફાઈલ તસવીર

'હા, આ ગુજરાત તમેજ બનાવ્યું છે': પરેશ ધાનાણી
અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. જેમાં તેમને ભાજપના કેમ્પેઇન સામે કોરોના કાળથી લઈ મોરબી હોનારત સુધીની અનેક ઘટનામાં હા, આ ગુજરાત તમેજ બનાવ્યું છે. તેવાં ટ્વીટ કરતાં રાજકારણમાં ચૂંટણીનો માહોલ ઉગ્ર બન્યો છે.

તેમના જવાથી મને વ્યક્તિગત દુઃખ થયું, અમારા પથદર્શક હતા: નારણ રાઠવા
રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મોહનસિંહ રાઠવા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વડીલ હતા. કોંગ્રેસ પાર્ટીમાંથી એ છૂટા પડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના સમાચાર મળ્યા હતા. મોહનસિંહભાઈ રાઠવા કોંગ્રેસમાંથી જતા વ્યક્તિગત દુઃખ છે અને સમાજના આગેવાન તરીકે અમારા સૌના સલાહકાર હતા અને અમારા એક પથદર્શક હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે વર્ષો સુધી લડ્યા અને આજે એ પાર્ટીમાં જાય છે, ત્યારે મને પણ દુઃખ થાય છે. પરંતુ એમનો નિર્ણય સર્વોચ્ચ નિર્ણય છે. એમના મનથી નિર્ણય લીધો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી લીધો હશે એટલે મારે એમાં કશું કહેવું નથી.

નારણ રાઠવાની ફાઈલ તસવીર
નારણ રાઠવાની ફાઈલ તસવીર

ભ્રષ્ટાચારી ભાજપનો અંત નિશ્ચિત, ગુજરાત હવે પરિવર્તન લાવશે: આલોક શર્મા
કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ પર આલોક શર્માનો એક વીડિયો પોસ્ટ કરવાની સાથે ટ્વિટ કર્યું હતું કે, હાર ભાળી ગયેલી ભાજપના એક પણ સિનિયર નેતા ચૂંટણી લડવા માટે તૈયાર નથી. ભ્રષ્ટાચારી ભાજપનો અંત નિશ્ચિત છે, ગુજરાત હવે પરિવર્તન લાવશે, ગુજરાત હવે કોંગ્રેસની સરકાર બનાવશે.

હું અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યો છું, ભાજપમાં જોડાવાનો નથી: જીગ્નેશ કવિરાજ
ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવા લાગી છે ત્યારે આજે જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઑ ચાલી રહી હતી. જીગ્નેશ કવિરાજે ભાજપમાં જોડાવા અંગે ખુલાસો કર્યો હતો. તેઓ પોતાના મૂળ વતન એવા મહેસાણાની ખેરાલુ બેઠક પરથી અપક્ષ તરીકે આ વખતે દાવેદારી નોંધાવશે. હાલમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. આજે તેમણે સમકરથકો સાથે રેલીનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...