ગ્રાઉન્ડ રિપોર્ટદાણીલીમડામાં કોંગ્રેસનો ખેલ ખતમ?:ઈતિહાસમાં પહેલીવાર આ સીટ મેળવવા ભાજપે બનાવી ખાસ વ્યૂહરચના, ઓવૈસી-AAP વચ્ચે કોંગ્રેસ બરાબરની ફસાઈ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારી કરી દીધી છે. હાલ AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ હાઇકમાન્ડ ઉમેદવારોની યાદી તૈયાર કરવા મંથન કરી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પહેલાં જ અમદાવાદ શહેરમાં 2017માં ગુમાવેલી દાણીલીમડા, જમાલપુર-ખાડિયા, બાપુનગર અને દરિયાપુર બેઠક કબજે કરવા ભાજપે કમર કસી લીધી છે. એમાં પણ ખાસ કરીને ભાજપ માટે ‘લાસ્ટ લોકલ’ ગણાતી દાણીલીમડા સીટ માટે ભાજપે આ વખતે ખાસ પ્લાન ઘડી કાઢ્યો છે અને ઓવૈસી અને આપે ભાજપનું કામ સરળ બનાવી દીધું છે. એટલું જ નહીં, કોંગ્રેસના નારાજ મહિલા નેતા કમળા ચાવડા અને જમના વેગડા તેમજ ઓવૈસીની પાર્ટીનાં મહિલા ઉમેદવાર કૌશિકા પરમાર એમ ત્રણ મહિલાએ શૈલેષ પરમાર સામે મોરચો માંડ્યો છે.

જો અમદાવાદ શહેરની આ ચારેય બેઠક પૈકી દાણીલીમડા બેઠક જીતી જાય તો ભાજપના આત્મવિશ્વાસમાં વધારો થશે. આ ચારેય બેઠક ભાજપ છેલ્લી બે ટર્મથી હારતો આવ્યો છે. ભાજપ માટે કોઈપણ રીતે દાણીલીમડા બેઠક હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. એ માટે અમદાવાદના ભાજપ સંગઠનના નેતા પ્રવીણ પટેલને આ મિશન પાર પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

દાણીલીમડા ભાજપ માટે કેમ લાસ્ટ લોકલ બેઠક?
દાણીલીમડા વિસ્તારની વસતિની તાસીર પ્રમાણે 60 ટકા લધુમતી, જ્યારે 40 ટકા હિન્દુઓની વસતિ છે, જે કોંગ્રેસની જીત માટે માટે વરદાનરૂપ છે, કારણ કે લઘુમતી મતોનો ઝુકાવ અહીં મોટે ભાગે કોંગ્રેસ તરફ રહ્યો છે. આ બેઠક માટે કહેવાય છે કે જો કોઈ અમદાવાદ ભાજપના SC નેતાને ચૂંટણી લડવી હોય, પણ કોઈ સીટની ટિકિટ ન આપી શકે એમ ન હોય અને લડાવવા જરૂરી હોય તો તેમને દાણીલીમડાની ટિકિટ આપી દેવામાં આવે છે. આમ, આ બેઠક લાસ્ટ લોકલ તરીકે પણ ઓળખાય છે.

બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ બન્નેવાર કોંગ્રેસ જીતી
વર્ષ 2010ની વસતિ ગણતરી પ્રમાણે નવું સીમાંકન થયું હતું, જેમાં જમાલપુર, શહેરકોટડા અને મણિનગર વિધાનસભાના કેટલાક ભાગને જોડીને દાણીલીમડા વિધાનસભા બેઠકની રચના કરવામાં આવી હતી. આ બેઠકની રચના થયા બાદ બન્નેવાર કોંગ્રેસનો વિજય થયો છે.

કોંગ્રેસનો ગઢ છતાં AMCની ચૂંટણીમાં ભાજપે એકવાર ખેલ પાડ્યો
આ વાત છે વર્ષ 2005ની. જ્યારે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મતગણતરી સમયે એકાએક પાંચમાં રાઉન્ડ બાદ ચિત્ર પલટાયું હતું, ભાજપે પુષ્પા મિસ્ત્રી, જિગર પંડ્યા અને નરેશ વ્યાસની પેનલ ઉતારી કોંગ્રેસ અને NCP પાસેથી જીતનો કોળિયો ઝૂંટવી લીધો હતો. આ સમયે ભાજપના ઉમેદવારોએ શહેર કોંગ્રેસના અગ્રણી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે રહી ચૂકેલા બદરુદ્દીન શેખ અને જયંતીલાલ પરમારને દાણીલીમડા વોર્ડમાં હાર આપી હતી.

અત્યારસુધી ભાજપ કેમ દાણીલીમડા બેઠક નથી જીતી શક્યો?

 • અત્યારસુધી કોઈ સક્ષમ ઉમેદવાર ના ઊભો રાખી શક્યા.
 • ત્રીજો પક્ષ હોય ત્યારે ભાજપને ફાયદો થઈ શકે એવી સ્થિતિ નહોતી.
 • વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકરો પૂરતો પ્રચાર નહોતા કરી શકતા.
 • ચૂંટણી ટાણે જ ભાજપ સ્થાનિક કાર્યકરો નિષ્ક્રિય થઈ જવાની શંકાસ્પદ ભૂમિકા.
 • હોદ્દેદારો માત્ર કાર્યક્રમલક્ષી જ એકઠા થાય છે.
 • જે બૂથમાં મત નથી મળતા ત્યાં પ્રચાર જ નથી કરવામાં આવતો.

અત્યારસુધીનું નિરીક્ષણ રહ્યું છે કે માઈનોરિટી વિસ્તારમાં ભાજપને ઝડપથી મત મળી શકતા નથી, કેમ કે આ તમામ વોટબેંક કોંગ્રેસ પક્ષને સમર્પિત રહેલી છે, પરંતુ હા એ ગણિત ચોક્કસ કામ કરી ગયું છે કે જે વિસ્તારમાં ત્રીજો અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડતો હોય અને જો જે-તે ઉમેદવાર કોંગ્રેસના વોટ કાપી શકે તેવો હોય તો ભાજપને એનો લાભ અવશ્ય મળ્યો જ છે. આવું જ કંઈક આ વખતે દાણીલીમડા વિધાનસભા બેઠક પર થઈ શકે એમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાણીલીમડા બેઠક પર ચૂંટણી પરિણામ આશ્વર્યજનક ચોક્કસ રહેશે, કેમ કે અહીં બે નહિ, પરંતુ ચાર-ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

2022ની ચૂંટણીમાં દાણીલીમડા સીટની ભૂમિકા
દાણીલીમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. અહીં ભાજપના ઉમેદવાર જલદી ચૂંટણી લડવા તૈયાર થતા નથી. સમગ્ર રાજ્યમાં 13 અનુસૂચિત જાતિની સીટો પૈકી સાત બેઠક ભાજપ પાસે છે, જ્યારે છ બેઠક કોંગ્રેસ પાસે છે. સ્થાનિક કાર્યકરોનું માનીએ તો અહીં ઉત્તર ગુજરાતના SC સમાજની વસતિ વધુ છે, જેથી ભાજપ ઉત્તર ગુજરાતમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તો સ્થિતિ બદલાઇ શકે છે. ભાજપ સાથે ઉમેદવાર સંકળાયેલો તો હોય સાથે પ્રખર આંબેડકરવાદી પણ હોય, જે કોંગ્રેસના નેતાઓને જવાબ આપી શકે. તો ભાજપ માટે કામ સરળ બની શકે છે.

શૈલેષ પરમારને તેના મજબૂત પોકેટમાં જ નબળા પાડવા ભાજપની સ્ટ્રેટેજી
દાણીલીમડા વિધાનસભામાં સૌથી વધુ 11 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વોર્ડનાં કુલ 228 બૂથ છે, જેમાં 89 બૂથ પર સંપૂર્ણપણે શૈલેષ પરમારની પકડ રહેલી છે. આ તમામ બૂથ બહેરામપુરા, દાણીલીમડા તથા ગોમતીપુર વિસ્તારના છે, જ્યાં સૌથી વધારે માઈનોરિટી તથા દલિત સમાજની મત બેંક છે. આ તમામ બેઠકમાં જ ભાજપે ધીમી ગતિએ પોતાના પ્રચાર ગતિ વધારી દીધી છે. અત્યારસુધી જે ભાજપ માત્ર 25 કે 50 કાર્યકરોને આધારે પ્રચાર કરતો હતો, એના સ્થાને એક હજાર કરતાં વધારે કાર્યકરોને પ્રત્યેક બૂથ અને વોર્ડ સ્તરે વહેંચી દેવામાં આવ્યા છે. મૂળ ભાજપનો ઉદ્દેશ છે કે શૈલેષ પરમારને તેના જ મજબૂત પોકેટમાં નબળા પાડીને દાણીલીમડા સીટ કોઈ પણ હિસાબે જીતી લેવી.

ભાજપ કોંગ્રેસની આ નબળાઈઓનો લાભ ઉઠાવી શકે છે

 • AMCમાં વિપક્ષ નેતા પદેથી હટાવાતાં બનતા કમળા ચાવડા નારાજ.
 • પક્ષમાંથી સસ્પેન્ડ થતાં જમના વેગડા આડા ફાટ્યા.
 • કોરોનાકાળમાં MLAની નબળી કામગીરી સામે આક્રોશ.
 • ભાજપ છેલ્લા ઘણા સમય બેઠક કબજે કરવા એક્ટિવ.

ભાજપે આ તૈયારીઓ કરી લીધી છે

 • ભાજપ પ્રભારી પ્રવીણ પટેલ 12 કલાક ફરે છે વિસ્તારમાં.
 • મજૂર ગામના 150થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપશે.
 • શૈલેષ પરમારના કોંગ્રેસની અંદર તથા બહાર રહેલા વિરોધીઓને ભાજપ તરફ ખેંચવા પ્રયાસ કરશે.
 • ઘરે ઘરે જઈ અનેક લોકજાગૃતિ કાર્યક્રમ.
 • શક્તિમંડળના સભ્યોની કોરોના કામગીરીને આધારે પ્રચાર.
 • તમામ વોર્ડમાં ઓટલા બેઠક.
 • કપરા કાળમાં સાથે ન રહેનારા પ્રતિનિધિને બદલવાના મુદ્દા પર પ્રચાર.
 • 61 શક્તિ કેન્દ્રનાં અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપ થકી પ્રચાર.UPના બે પ્રભારી ક્રિષ્ના કુમાર પાંડે અને રાઘવેન્દ્રની સતત વિસ્તારના અલગ અલગ બૂથમાં મુલાકાત.

ભાજપ જિતુ વાઘેલા કે ગિરીશ પરમારની જગ્યાએ આયાતી ઉમેદવાર ઉતારી શકે છે
શૈલેષ પરમારે આ સીટ પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપને માત આપી હતી. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર ગિરીશ પરમારનો 14 હજાર અને વર્ષ 2017માં જિતુ વાઘેલાનો 32 હજાર મતથી પરાજય થયો હતો. આ વખતની ચૂંટણીમાં ભાજપ આ બંનેમાંથી કોઈ નેતાને રિપીટ કરવાના મૂડમાં ન હોવાનું લાગી રહ્યું છે. એની જગ્યાએ કોંગ્રેસના અસંતુષ્ટ નેતા જેમાં કમળા ચાવડા અથવા જમના વેગડાનો પણ સમાવેશ થઈ શકે છે. આમ, ભાજપ આયાતી ઉમેદવારને ટિકિટ આપી ચૂંટણીમાં ઉતારી શકે છે.

​​​શૈલેષ પરમારના વિરોધીઓનો ફાયદો ઉઠાવવા કોર્પોરેશનના જ નેતા પ્રવીણ પટેલને કામે લગાવ્યા
દાણીલીમડા વિધાનસભા બેઠક પર આ વખતે અપસેટ સર્જાય એવી સ્થિતિ એટલા માટે છે, કેમ કે સ્થાનિક ધારાસભ્ય સામે વિરોધ ઊઠ્યો હોવાના રાગ છેડાઈ રહ્યા છે. ના માત્ર બાહ્ય, પરંતુ કોંગ્રેસના જ કોર્પોરેટર પણ શૈલેષ પરમારથી નારાજ હોવાની જાણકારી મળી રહી છે, ત્યારે ભાજપ દ્વારા AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલને કામે લગાવી દાણીલીમડા વિધાનસભાના પ્રભારી બનાવાયા છે. પ્રવીણ પટેલ દિવસના 12 કલાક કરતાં વધુ સમય દાણીલીમડા વિધાનસભા બેઠકની અંદર પસાર કરી પાયાના સ્તરે કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ પરમાર સામે વિરોધ હોય તેવા અનેક કોર્પોરેટર છે. જ્યારે પ્રવીણ પટેલ પણ કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવે છે, ત્યારે BJP આ તકનો લાભ લેવાનું છોડવા માગતી નથી એમ લાગે છે.

40 હજાર ગેરંટી કાર્ડ આપ્યા, સમસ્યાઓને વાચા આપીશું: AAPના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના દાણીલીમડા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર થયેલા દિનેશ કાપડિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાહઆલમ અને બહેરામપુરા વિસ્તારમાં ગટર, પાણી અને રસ્તાની અનેક સમસ્યાઓ છે. આ તમામ સ્થિતિને આધારે બદલાવ લાવવો જરૂરી હોવાના મુદ્દા પર પ્રચાર કરીને લોકોને દિલ્હી તથા પંજાબ મોડલ વિશે સમજણ આપી રહ્યા છીએ. બૂથ અને વોર્ડ પ્રમાણે અમે A,B,C,D બ્લોક નક્કી કર્યા છે અને એ જ સ્ટ્રેટેજીના આધારે પ્રચારમાં આગળ વધી રહ્યા છીએ. 40 હજાર જેટલાં ગેરંટી કાર્ડ લોકોને આપ્યાં છે.

દિવ્ય ભાસ્કર: કયા મુદ્દાઓને આધારે પ્રચાર કરો છો?

શૈલેષ પરમાર: છેલ્લાં 10 વર્ષથી ધારાસભ્ય તરીકે કામ કરું છું અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપું છું, એટલે જ આજે તમામ પ્રકારની સુવિધા મળી છે. પ્રજા સાથે સંપર્ક અને એમાંય ખાસ કરીને કોરોનાકાળમાં લોકો ભૂખ્યા ન સુવે તે માટે તમામ સગવડ આપી છે. આ તમામ મુદ્દાઓને આધારે પ્રચાર કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર: કઈ એવી સ્થિતિ છે, જેનાથી દાણીલીમડાની પ્રજા વંચિત છે ?

શૈલેષ પરમાર: બહેરામપુરામાં બેરલ માર્કેટમાં 10 વર્ષથી કોઈ સુવિધા નથી. 10 વર્ષમાં ગટરની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, મારા બજેટમાંથી પીવાના પાણી આપવાની સુવિધા કરી છે. આજે પણ વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે. કહેવાતા મેટ્રોસિટીના આ વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજની વ્યવસ્થા પૂરી નથી પાડવામાં આવી. નલ સે જલ યોજના છે છતાં મારા વિસ્તારમાં નળથી પાણી નથી મળતું. રસ્તા પણ કોર્પોરેશન તરફથી કરવામાં આવતા નથી.

દિવ્ય ભાસ્કર: AAPએ પણ બેરલ માર્કેટ ટાર્ગેટ કર્યું છે અને શૈલેષ પરમારને બદલવા પ્રચાર કરી રહ્યા છે?

શૈલેષ પરમાર: આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ છે તે કોરોના સમયે ક્યાં હતા. કોરોનામાં આખી વિધાનસભામાં જ્યાં જ્યાં રસોડા અને સુવિધા ચાલતી હતી પણ એનો પ્રચાર સોશિયલ મીડિયામાં નથી કર્યો. માનવતાની દૃષ્ટિએ અમે કામ કર્યા છે. ભાજપની બી ટીમ છે, એટલે બી ટીમ તરીકે કોંગ્રેસને નુકસાન કરવા પ્રચાર કરે છે. આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે દેખાય છે. મતદારો એનો જવાબ આપશે.

દિવ્ય ભાસ્કર: કમળાબેન, જમનાબેન નારાજ છે, આવા અનેક કોર્પોરેટર તમારા વિરુદ્ધમાં છે, એનો ભાજપ લાભ લેવા માગે છે?

શૈલેષ પરમાર: કોર્પોરેશનમાં જે પણ ઉમેદવાર પસંદ થયા તેમાં મોટા ભાગનાં મેં નામ આપ્યા એ છે. કુલ 24 કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા, જેમાંથી 12 લોકો તો મેં નામ આપેલાં હતાં એ છે. શહેજાદખાન પઠાણ ભણેલા છે. વાત નારાજગીની છે તો એમાં નારાજ કોર્પોરેટર પણ આગામી સમયમાં કોંગ્રેસ સાથે જ કામ કરશે. જમનાબેનને પણ મેં બે વખત ટિકિટ અપાવી હતી. જમનાબેન વેગડાએ ગઈ વખતે મારી સામે અપક્ષ ઉમેદવારી કરી હતી, એટલે સમજાવટ થતાં તેમણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. તેમણે કાળા જાદુના જે નાટક કર્યા એમાં પાર્ટીને લાગ્યું કે તે પાર્ટીને નુકસાન કરે છે એટલે તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ સારા માર્જિનથી દાણીલીમડા વિધાનસભા જીતશે.

દિવ્ય ભાસ્કર: પોલીસ સિક્યોરિટીની જરૂર કેમ પડી?

શૈલેષ પરમાર: ચાર-પાંચ વર્ષથી સરકારે સિક્યોરિટી આપી છે. મને ત્રણેક વખત ધમકી મળી હોવાનું ધ્યાનમાં આવ્યું હશે, એ કારણે પોલીસ સિક્યોરિટી આપવામાં આવી છે.

શૈલેષ પરમારની બેઠક જીતવા માટેની વ્યૂહરચના

 • જૂના કાર્યકરો સાથે સમાધાન કરી પોતાના તરફ વાળવાની શરૂઆત
 • મુસ્લિમ બૂથ તથા મજૂર ગામમાં સક્રિય પાયો વધારે મજબૂત કરવો
 • 10 વર્ષની કામગીરીને આધારે વોટ માગવાની શરૂઆત

આ વિવાદો MLA શૈલેષ પરમારનું ગણિત બગાડી શકે

 • શૈલેષ પરમારની ચાલુ સભામાં એક મહિલા મંચ પાસે દોડી જાય છે અને વિવાદ કરે છે, જેમાં માહિતી સામે આવે છે કે તેને પાણીને લગતી સમસ્યા છે અને આ સમસ્યા સામે શૈલેષ પરમાર આંખ આડા કાન કરે છે. જોકે આ વિરોધ બાદ શૈલેષ પરમારની પોલીસ સિક્યોરિટી માટેની માગણીને આધારે તેમને પોલીસ સુરક્ષા પણ અપાઈ હોવાનું સામે આવ્યું છે.
 • અમદાવાદના મેમનગરમાં થયેલા હિટ એન્ડ રન કેસને લઇને ધારાસભ્ય શૈલેષ પરમાર પર લોકોએ રોષ ઠાલવ્યો હતો. શૈલેષ પરમારના ડ્રાઇવરે ‘MLA ગુજરાત’ લખેલી કાર દ્વારા એક જ્યુપિટર ચાલકને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. નેતાજીએ મૃતકના પરિવારની મુલાકાત ન લેતાં માહોલ ગરમાયો હતો.
 • 2017માં દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે આપ (આમ આદમી પાર્ટી)ના ઉમેદવારના ટેકેદારની સહી બાબતે વિવાદ ઊભો કરી તેમનું નોમિનેશન રદ કરવા મામલે હાઇકોર્ટમાં થયેલી રિટમાં ચૂંટણીપંચે શૈલેષ પરમાર સહિત અન્યોને નોટિસ પાઠવી હતી. ટેકેદારો દ્વારા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સહી કરી હોવા છતાં તેને માન્ય રાખ્યું ન હતું. તેમની રજૂઆતને ધ્યાનમાં ન લઈ અન્યાય કરાયો હોવાની પિટિશનમાં રજૂઆત કરાઈ હતી.
 • કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળા ચાવડા કે જેમને કોંગ્રેસના કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ નેતા તરીકે પદભાર સોંપાયો હતો. જોકે વધતા કોરોનાકાળ વચ્ચે વહીવટદારની નિમણૂક બાદ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પોતાની રાજકીય કારકિર્દી ટકાવી રાખવા માટે શહેજાદખાન પઠાણને વિપક્ષ નેતા બનાવવા માટે ટેકો આપતાં દલિત સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો.
 • વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની નિમણૂક થતાં અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટરમાં બે ફાંટા પડી ગયા છે, જેના કારણે કોર્પોરેટર પણ વિરુદ્ધમાં ચાલ્યા ગયા છે.
 • વિપક્ષ નેતા શહેજાદખાન અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા ઓડિયો વાઈરલ થયો હતો. આ વાઇરલ ઓડિયોમાં દાણીલીમડાના જમના વેગડા અને તાંત્રિક મહિલા વાતચીત કરતા હોવાનો વિવાદ થયો હતો. જોકે અંતે કોંગ્રેસે જમના વેગડાને સસ્પેન્ડ કરતાં સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર પણ નારાજ છે.
અન્ય સમાચારો પણ છે...