સાહેબ મિટિંગમાં છે:મુખ્યમંત્રી બદલાઈ ગયા, પણ આ કલાકારના પૈસા તો ફસાયેલા જ રહ્યા, મંત્રીઓને ફાર્મહાઉસનાં પ્રલોભનો આપવા ટોળકીઓ સક્રિય

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી...

ગુજરાત એક એક્ટર આજકાલ પોતે અત્યંત હેરાન છે. તેમની હેરાનગતિ પાછળ ગુજરાત સરકાર જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર રચાઈ તે સમયથી આ કલાકાર સતત હેરાન થઈ રહ્યાં છે. અવારનવાર તેઓ સચિવાલયના ધરમધક્કા ખાય રહ્યાં છે. અલગ અલગ પ્રતિમા કે સ્કલ્પચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા આ કલાકારના કહેવા પ્રમાણે રાજ્ય સરકારના વન વિભાગ માટે પણ વર્ષો પહેલા તેમણે સ્કલ્પચર બનાવ્યા છે પરંતુ આટલા વર્ષો પછી પણ સરકારે આ સ્કલ્પચરના નાણાંની ચૂકવણી હજુ સુધી નથી કરી. વિજય રૂપાણી સરકાર બદલાઈ અને ભૂપેન્દ્ર પટેલ સરકારનો બીજો કાર્યકાળ પણ શરૂ થઈ ગયો છે ત્યારે આટઆટલા વર્ષે પણ મહેનતાણું ન મળતા આ કલાકાર મુશ્કેલીમાં મૂકાયા છે.

મંત્રી તો ફોન નંબર લેવા જિદ્દે ચડ્યા
હાલમાં કમૂરતા ચાલી રહ્યા છે. જો કે મંત્રી મંડળે શપથ લઈ લીધા અને બાદમાં ચેમ્બરમાં જઈ અને શુભ મુહૂર્તમાં કામો શરૂ કરી દીધા હતા. પરંતુ જ્યારે ઘનારકની શરૂઆત થઈ ત્યારે હવે મંત્રીઓ સરકારી નંબર લેવા માટે માગણી કરી રહ્યા છે. કોઈએ આ બાબતે એક મંત્રી ને પૂછ્યું પણ ખરું કે હાલ તો કમૂરતાચાલી રહ્યા છે એવામાં નવો નંબર ? મંત્રીએ કહ્યું કે, કમૂરતા ચાલે છે તો શું ? નવા નંબર તો લેવાય જ ને.

મંત્રી સાહેબ, રસ્તામાં અમારું ફાર્મ હાઉસ છે, જરૂર પડે તો કહેજો
મંત્રી મંડળે શપથ લઈ અને વિભાગ ફાળવણી બાદ કામો કરવાની શરૂઆત પણ કરી દીધી છે. કામગીરી હવે ફુલ ફ્લેઝમાં ચાલી રહી છે ત્યારે એવા લોકો પણ સક્રિય થયા છે કે જેઓ અન્ય નેતાઓના રેફરન્સ લઈને આવે છે અને મંત્રીઓને આડકતરી રીતે તાબામાં લેવાની કોશિષ કરી રહ્યા છે. કોઈ કહે છે કે સોમનાથ આવો તો રસ્તામાં જ કંપની આવે છે તો કોઈ કહે છે કે દ્વારકા જાઓ તો રસ્તામાં અમારું ફાર્મ હાઉસ છે. કોઈપણ સેવા હોય તો ગમે ત્યારે કહેવું એમ કહીને પ્રલોભનો આપવા માટે ટોળીઓ સક્રિય થઈ ગઈ છે.

મનગમતા PA-PS ન મળતા મંત્રીઓ નારાજ
થોડાં દિવસ અગાઉ જ મંત્રીઓને કાયમી પી.એ. અને પી.એસ.ની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીઓએ પોતાના ગમતાં પી.એ. અને પી.એસ. આપવા માટે અગાઉ પોતાનો મંતવ્ય રજૂ પણ કરી દીધો હતો તેમ છતાં પણ જ્યારે સરકારે પી.એ. અને પી.એસ.ની ફાળવણીનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે કેટલાંક મંત્રીઓના પગ તળેથી જમીન સરકી ગઈ. ગમતાં પી.એ. અને પી.એસ. ના મળતાં તેમનામાં નારાજગી છે. પસંદગીના પી.એ. અને પી.એસ.ની ફાળવણી થાય તે માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ કેટલાંક મંત્રીઓ રજૂઆત કરી આવ્યા છે.

અપક્ષ ધારાસભ્યએ ભાજપને સમર્થન આપ્યું પણ કોઇ આવકાર ન મળ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10માંથી 9 બેઠક પર ભાજપનો વિજય થયો. જ્યારે એકમાત્ર વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા. જીત બાદ તેઓએ રાજ્યપાલને મળીને ભાજપને સમર્થન જાહેર કર્યું. જો કે ભાજપ તરફથી તેઓનું સમર્થન ન તો સ્વીકારવામાં આવ્યું કે ન તો ઇનકાર કરવામાં આવ્યો. ભાજપે વાઘોડિયા વિધાનસભા બેઠક પર દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ કાપી હતી. જેથી નારાજ મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને કોઇપણ સંજોગોમાં ભાજપે રિપિટ ન કર્યા. આખરે સ્થિતિ એવી બની કે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ આ બેઠક પરથી ચૂંટણી હાર્યા અને અપક્ષ ધર્મેન્દ્રસિંહનો વિજય થયો. જીત બાદ ધર્મેન્દ્રસિંહે ભાજપને સમર્થન જાહેર કર્યું. પરંતુ ભાજપ જાણે દબંગ નેતાઓ માટે નો એન્ટ્રીનો મેસેજ આપવા માગતો હોય તેમ તેમના સમર્થન અંગે કોઇ પ્રતિક્રિયા કે નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ ભૂતકાળમાં ભાજપમાં હતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

ભાજપના કોર્પોરેટરો-ચેરમેનોને સિક્યુરિટી અને પોલીસે પ્રવેશ જ ના આપ્યો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ અને કોર્પોરેટરોને હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેથી હવે કોર્પોરેટરો અને ધારાસભ્યો દરેક કાર્યક્રમમાં પહોંચી જાય છે. ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023ના ઉદ્ઘાટનમાં ભાજપના તમામ કોર્પોરેટરો કોર્પોરેશનના હોદ્દેદારો અને વિવિધ કમિટીઓના ચેરમેનો પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ રિવરફ્રન્ટના મેદાનમાં પતંગબાજો પાસે પતંગ ચગાવવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે ભાજપના કોર્પોરેટરો અને વિવિધ કમિટીઓના ચેરમેન ડેપ્યુટી ચેરમેનોને સિક્યુરિટીએ પ્રવેશ આપ્યો નહોતો. પોલીસ અને ખાનગી સિક્યુરિટીના બાઉન્સરોએ તેઓને દરવાજે જ રોકી દીધા હતા. કોર્પોરેટરોએ પોતાની ઓળખ આપી છતાં પણ તેઓને પ્રવેશ આપ્યો ન હતો. છેવટે સાઈડના રસ્તા પરથી તમામ કોર્પોરેટરોને ભાજપના નેતાએ અંદર પ્રવેશ કરાવવો પડ્યો હતો. પતંગબાજો સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો ન હતો. પરંતુ જ્યારે મુખ્યમંત્રી ગયા અને તમામ નેતાઓ પહોંચ્યા ત્યારે કોર્પોરેટરો અને એક પણ નેતાને પ્રવેશ આપવામાં ન આવતા સવાલ ઉઠ્યા હતા કે હવે તો સિક્યુરિટી અને પોલીસ નેતાઓની ઓળખને પણ ગાંઠતી નથી.

ભાજપે આ લિસ્ટ બનાવતા અનેકના જીવ અદ્ધર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મામલે અમુક સીટ પર તો પૂર્વ ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો કર્યો હતો. આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર, જસદણ ધોરાજી સહિત અનેક જગ્યાએ ભાજપના કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા હતા. ઉમેદવારો દ્વારા આ અંગે હાઈકમાન્ડને ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં 10 પ્રમુખો આ મામલે પ્રદેશને રિપોર્ટ કરશે. તાજેતરમાં જ ભાજપે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના વડપણ હેઠળ શિસ્ત સમિતિની રચના કરી છે. આથી ભાજપના 600 કાર્યકર અને નેતા સામે કાર્યવાહી તલવાર વિંઝાશે.

વડોદરા, સાવલી, પંચમહાલ, બોટાદ સહિતના વિસ્તારોમાં બળવો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત 40 જેટલા ભાજપ કાર્યકરોને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે સસ્પેન્ડ કરી દીધા હતા. હવે 600 જેટલા કાર્યકરોના નામ જાહેર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપે ચૂંટણી બાદ તુરંત જ સંગઠનમાં એકાએક ફેરફાર શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ પક્ષ દ્વારા ચાર નાયબ દંડકને ઝોન પ્રમાણે જવાબદારી સોંપાઈ છે. જેમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયાને સૌરાષ્ટ્ર ઝોન, વિજય પટેલને દક્ષિણ ઝોન, રમણભાઈ સોલંકીને મધ્ય ઝોન અને જગદીશ મકવાણાને ઉતર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ધારાસભ્યોને સાંભળવા અને તેમના પ્રશ્નોની સરકાર સમક્ષ વાત કરવી તથા ધારાસભ્યોને કોઈ મુશ્કેલી ન પડે એ માટેની વિચારણા હવે ભાજપ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...