બન્યું એવું કે હમણાં જ રાજ્યના નવા ગૃહ સચિવ બનેલા રાજકુમારને અભિનંદન આપવા બે અધિકારી હિંમત કરીને બુકે લઈને પહોંચી ગયા, પરંતુ ઉપરી અધિકારી સાથે સારો રેપો કેળવવાનો તેમનો દાવ ઊંધા માથે પટકાયો. સાહેબ ખુશ થઈ એવું માનીને ગયેલા બે અધિકારીને રાજકુમારે તેમની ચેમ્બરમાં જ ખખડાવી નાખ્યા અને કામથી કામ રાખવાની તાકીદ કરી. આવી જ કામ કરવાની સ્ટાઈલ વર્ષોથી ગુજરાતની બ્યૂરોક્રેસીમાં સર્વોચ્ચ સ્થાન અને બધાના ‘સાહેબ’ના વિશ્વાસુ ગણાતા એક અમલદારની છે.
ખેર, પેલા બે અધિકારીની જે વલે થઈ એનાથી ડિપાર્ટમેન્ટમાં તો સોપો પડી જ ગયો, પરંતુ નવા સાહેબની કામ કરવાની સ્ટાઈલને KK એટલે કે.કૈલાશનાથન સાથે ડિપાર્ટમેન્ટમાં બધા સરખાવવા લાગ્યા છે. KKની જેમ RK પણ પોતાની કામગીરીમાં જ વ્યસ્ત રહે છે. કોઈ દ્વારા ખોટી ખુશામત કે વાહવાહીથી દૂર રહે છે અને સાવ ઓછા બોલા છે. તેમનું કામ એવું છે કે એ ભલા અને તેમનો ડિપાર્ટમેન્ટ. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ હતી.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલ CM તો બની ગયા, પણ હાલત ‘દિલીપ પરીખ’ જેવી છે, AMC-ઔડામાં કાબે અર્જુન લૂંટિયો; વહી ધનુષ વહી બાણ
નીતિનભાઈ ગયા પછી યાદ છે કોણ છે આપણા નાણામંત્રી?
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હજુ કેટલાક મંત્રીઓની પૂરેપૂરી ઓળખ પરેડ પણ ના થઇ હોય એવું લાગે છે. ખાસ કરીને સરકારમાં નંબર-2નું સ્થાન નાણામંત્રીનું કહેવાય છે, પરંતુ આ સરકારના નાણામંત્રી તો એવા ખોવાયેલા છે કે હવે તેમનું નામ પણ ભુલાઈ રહ્યું છે. તમને યાદ દેવડાવી દઈએ કે કનુ દેસાઈ આપણા નાણામંત્રી છે, પરંતુ કાર્યભાર સંભાળ્યા બાદ કનુભાઈ ના કોઈ મીડિયામાં દેખાયા... ના કોઈ પ્રજાલક્ષી કાર્યક્રમમાં દેખાઈ રહ્યા છે... ના કોઈ વક્તવ્યમાં. કનુભાઈ દેખાય છે તો માત્ર તેમની ઓફિસ અને મંત્રી બંગલામાં જ.... પટેલ સરકારમાં ખબર નહીં કેમ નાણામંત્રી કનુ દેસાઈનો કોઈ દબદબો નથી. બાકી રૂપાણી સરકારના નાણામંત્રી નીતિનભાઈ તો સતત લાઈમ લાઈટમાં રહેતા હતા.
કનુભાઈને તો મળવા માટે મુલાકાતીઓ પણ ઘણા ઓછા આવે છે અને ટાસ્ક પૂરતું જ કામ કરે છે. હવે ટૂંક સમયમાં તેમણે વિધાનસભામાં પોતાનું પહેલું બજેટ રજૂ કરવાનું છે ત્યારે તેમને બોલતા સાંભળવાનો કદાચ પહેલવહેલો લહાવો મળશે.
‘આ જિતુભાઇ તો ભૂપેન્દ્રસિંહને સારા કહેવડાવે તેવા છે’
પટેલ સરકારમાં લોટરી લાગી ને એકાએક શિક્ષણમંત્રીની બની ગયેલા જિતુ વઘાણીથી કમલમ ખુશ હોય કે ન હોય તેની ખબર તો નથી, પરંતુ કાર્યકરોમાં અત્યારથી જ નારાજગી વર્તે છે. અરે.. કાર્યકરો તો ત્યાં સુધી કહે છે કે આ તો ભૂપેન્દ્રસિંહને પણ સારા કહેવડાવે તેવા છે. કોઈ કાર્યકર સાથે ગયેલા અરજદારો કે મુલાકાતીઓ પ્રત્યે તેમનું વર્તન ખૂબ જ તોછડું હોય છે. એક કાર્યકરે સચિવાલયની કીટલીએ જ બળાપો ઠાલવતાં કહ્યું હતું કે આમની પાસે કામ લઈને જઈએ તો આપણે તહોમતદાર હોઈએ અને જિતુભાઈ જજ હોય એમ પૂછે છે કે કેમ આવ્યા? શું કામ આવ્યા? અરે.. રજૂઆત કરનારને શાંતિથી સાંભળતા પણ નથી. ઊલટાનું વકીલની જેમ દલીલો કરીને મોરલ તોડી નાખે છે.
મંત્રી બન્યા બાદ તો તેમણે મોબાઈલ ફોન ઉપાડવા પણ આસિસ્ટન્ટ રાખ્યો છે. આ મામલે ફરિયાદ છે કે મુખ્યમંત્રીથી લઈને કમલમ સુધી પણ પહોંચી ગઈ છે. વાઘાણીને કોણ જાણે કેમ ભૂપેન્દ્ર પટેલની સરકાર બોલવામાં પણ તકલીફ પડે છે, એટલે જ તો તેઓ દરેક જગ્યાએ ભાજપ સરકાર... ભાજપ સરકાર..નું જ રટણ કર્યા કરે છે.
સચિવાલયના ઊંદરો એટલા જાડા થઈ ગયા છે કે પાંજરાય નાના પડે છે!
અત્યારે તમે ગાંધીનગર સચિવાલયમાં કોઈ કામે જાઓ, ખાસ કરીને જૂના સચિવાલયમાં તો ખૂણે-ખૂણે ઊંદરનાં પાંજરાં મૂકેલાં જોવા મળશે. એક ડિપાર્ટમેન્ટમાં પટાવાળાને સહજ ભાવે પૂછ્યું તો તેણે તો આખી રામકહાણી કહી. તે બોલ્યો, “અરે ભાઈ, હવે તો આ ઊંદરડાને પણ સરકારી ઓફિસો ફાવી ગઈ હોય એમ લાગે છે. મારા બેટા જવાનું નામ જ નથી લેતા. અરે, અત્યારસુધી તો ફાઈલો કોરી ખાતા હતા, પણ હવે તો બાબુઓ અને અમલદારોના ‘ખોરાક’ પર પણ નજર બગાડે છે. હમણાં જ સહકારી વિભાગમાં શીંગનો મોટો જથ્થો આવ્યો તો સાહેબો પહેલા તો આ ઊદરડા ઉજાણી કરી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સરકારી માલ ખાઈ-ખાઈને આ ઊંદરડા એટલા જાડા થઈ ગયા છે કે અહીં મૂકેલાં પાંજરાં પણ એના માટે નાનાં પડે છે. લાગે છે હવે તો કોઈ વાંસળીવાળાને બોલાવવો પડશે.”
મંત્રી હો તો રાજેન્દ્ર ત્રિવેદી જૈસા...
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી જ એક એવા મંત્રી છે, જેમણે પોતાની કામગીરી વડે સોપો પાડી દીધો છે. અગાઉ સ્પીકર હતા ત્યારે પણ પોતાની કડક કામગીરી માટે પ્રખ્યાત થયેલા રાજેન્દ્ર ત્રિવેદી જ સરકારમાં નંબર 2નું સ્થાન ભોગવી રહ્યા હોય તેમ લાગે છે. કદાચ આ કારણથી જ મુલાકાતીઓ, અરજદારો કે ફરિયાદીઓની સૌથી વધુ અવરજવર રાજુભાઇને ત્યાં જ જોવા મળે છે.
વળી, ત્રિવેદી સાહેબની કામ કરવાની પદ્ધતિ પણ અલગ છે. સિનિયર સિટિઝન હોય તો તેમનું કામ એક ધક્કે જ પતાવી દેવાની તેમની ડિપાર્ટમેન્ટમાં સ્ટ્રિકટલી સૂચના છે. હજી હમણાં જ એક વૃદ્ધ તેમની જમીનના વિવાદ અંગે ત્રિવેદી સાહેબને મળવા આવ્યા. રજૂઆત કરતાં કરતાં એકાએક ઉગ્ર થઈ ગયેલા (પોતાની તકલીફને લીધે) દાદા ઊભા થઇને રજૂઆત કરવા લાગ્યા.. તો રાજુભાઈએ એ નરમાશથી કહ્યું, “દાદા પહેલા બેસી જાઓ.. અને બેઠા બેઠા મને કહો તમારી વાત.” કાર્યકરો પણ રાજુભાઈની કામગીરીથી ખુશ લાગે છે અને એ ખુશી તેમની ચેમ્બરમાંથી બહાર આવતી વેળાએ તેમના મોઢા પર સાફ દેખાય છે.
અધિકારીઓ પર શિક્ષકની જેમ સોટી ઉગામે, કરે તો ક્યા કરે જેવી સ્થિતિ
શિક્ષણ વિભાગમાં ત્રણ IAS એસ.જે. હૈદર, વિનોદ રાવ અને અન્ય એક સિનિયર અધિકારી વચ્ચે સંકલનના અભાવને પગલે તેમના વિભાગના મંત્રી ખફા હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. કયાંક અધિકારી એકબીજા પર કામનું ભારણ નાખતા હોય એવું લાગે છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કરવું તો ઘણું છે, પરંતુ સંકલન સાધવા શિક્ષણ વિભાગ પર એક શિક્ષકની જેમ સોટી ઉગામે તેમ તેમનો જ વિભાગ ઇચ્છી રહ્યો છે. હાલમાં મંત્રી કરે તો ક્યા કરે એવી સ્થિતિમાં છે.
સૂડી વચ્ચે સોપારીઃ મારી બજાવો છો અને કામ પણ માગો છો
વન વિભાગ અને એમાંય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-જીપીસીબીનો ચાર્જ જેમની પાસે હતો અને ત્યાર બાદ હાલમાં વાઇબ્રન્ટ સમિટનો ભાર સોંપાયો છે. તેવા સિનિયર મોસ્ટ આઇએએસ એવી દ્વિધામાં મુકાયા છે કે એક બાજુ મારી બજાવો છો ને કામ પણ માગો છો. આમ, આ અધિકારીની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. વાત કંઇક એવી છે કે જીપીસીબીમાં કેટલીક બાબતો એવી બહાર આવી છે, જેને લઇને અધિકારી કંઇક ભીંસમાં આવ્યા હોય તેવું જણાય છે. તેથી તે એટલા તો ખફા છે કે હવે નવું કામ જોશભેર કરવું કે પછી વોહી રફતાર(બાબુશાહી પ્રમાણે)થી કામ કરવું તે નક્કી કરવા સરકાર પર દબાણ લાવી રહ્યા છે.
અંજુ શર્મા ઉતાવળાં બહુ, CMથી આગળ ન જતાં રહેતાં!
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ડોમેસ્ટિક રોડ શો દરમિયાન IAS અધિકારી અંજુ શર્મા તેમના વિભાગની કોઇ જાહેરાત કરવા એવાં તો ઉતાવળાં થયાં હતાં કે એ સમયે અન્ય સિનિયર અધિકારીએ કહેવું પડ્યું હતું કે મેડમ સીએમ જાહેરાત કરે પછી તમારો વિભાગ જાહેરાત કરે એ ધ્યાન પર લો. અંજુ શર્માએ ઇન્ટરનેશનલ રોડ શો પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર જ યોજવાને પગલે મેડમ કંઇક અન્ય બાબતે વર્કોહોલિક હોવાનું જણાવવામાં થોડી ઉતાવળ કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.