લમ્પીની સારવાર માટે માર્ગદર્શિકા:નાગરવેલનાં પાન, કાળા મરી, મીઠું, ગોળની રોજ તાજી બનાવેલી પેસ્ટ લગાવવી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રો. એન. પુનિયામૂર્તિના માર્ગદર્શન પ્રમાણે અમૂલે ઉપચાર માટેની માર્ગદર્શિકા બહાર પાડી
  • ઘા/જખમમાં કીડા દેખાય તો ફક્ત પહેલા દિવસે સીતાફળના પત્તાની પેસ્ટ અથવા કપૂરયુક્ત નારિયેળ તેલ લગાવવું

રાજ્યમાં ગૌવંશને લંપી (ગઠ્ઠાવાળી) વાઇરસે ભરડામાં લીધો છે. આ રોગ નવો હોવાને કારણે પશુતબીબો પણ સારવારની યોગ્ય પદ્ધતિના અભાવે મૂઝવણમાં છે. આ સ્થિતિમાં લંપીને કાબૂમાં રાખવા માટે ઘરગથ્થુ અને પારંપારિક ઉપચાર પદ્ધતિ અંગે પ્રો. એન. પુનિયામૂર્તિએ આપેલા માર્ગદર્શન પ્રમાણે એનડીડીબીએ ઉપચાર માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે.

લંપીના ઉપચાર માટે 2 પદ્ધતિ દર્શાવાઈ છે, જેમાં પશુને ખવડાવવા માટે (ઓછામાં ઓછા 1 કલાકના ગાળે વારાફરથી પશુને ખવડાવાની) જેમાં પહેલો ઉપચાર 1 ડોઝ માટેની સામગ્રીમાં નાગરવેલનાં 10 પાન, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરિયાત મુજબ ગોળ લઈ, આ તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવવી. તેમાં ગોળ મિક્સ કરી તૈયાર થયેલો ડોઝ નાની-નાની માત્રામાં પશુને ખવડાવવો. પહેલા દિવસે દર 3 કલાકે 1-1 ડોઝ ખવડાવવો અને બીજા દિવસથી લઈને 2 અઠવાડિયાં સુધી સવાર, બપોર અને સાંજ એમ રોજના 3 ડોઝ ખવડાવવા. યાદ રહે આ ડોઝ રોજ તાજા બનાવવા.

બીજો ઉપચાર 2 ડોઝ માટે છે, જેમાં 2 કળી લસણ, 10 ગ્રામ ધાણા, 10 ગ્રામ જીરું, 1 મુઠ્ઠી તુલસી, 10 ગ્રામ તેજ પત્તા, 10 ગ્રામ કાળા મરી, નાગરવેલનાં 5 પાન, 2 નાની ડુંગળી, 10 ગ્રામ હળદર પાઉડર, 30 ગ્રામ ચીરાતાના (કરિયાતું) પાનનો પાઉડર, 1 મુઠ્ઠી ડમરાનાં પાન, 1 મુઠ્ઠી લીમડાનાં પાન, 1 મુઠ્ઠી બિલિનાં પાન, 100 ગ્રામ ગોળ લઈ, આ તમામ સામગ્રીની પેસ્ટ બનાવી તેમાં ગોળ મિક્સ કરવાનો. આ ડોઝ નાની-નાની માત્રામાં પશુને ખવડાવવો. પહેલા દિવસે દર 3 કલાકે 1-1 ડોઝ અને બીજા દિવસથી રોજ સવાર-સાંજ 2 ડોઝ, સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ખવડાવવા. આ ડોઝ પણ રોજ તાજા બનાવવા.

એ જ રીતે ઘા/જખમ પર લગાવવા માટે (જો ઘા કે જખમ હોય તો) 1 મુઠ્ઠી વાંછીકાંટો/દદણોનાં પાન, 10 કળી લસણ, 1 મુઠ્ઠી લીમડાનાં પાન, 500 મિલિ નારિયેળનું અથવા તલનું તેલ, 20 ગ્રામ હળદર પાઉડર, 1 મુઠ્ઠી મહેંદીનાં પાન અને 1 મુઠ્ઠી તુલસીનાં પાન લઈ, આ સામગ્રીને દળીને ૫૦૦ મિલિ નારિયેળ કે તલના તેલ સાથે મિક્સ કરી ઉકાળીને ઠંડું કરવું. ત્યાર બાદ ઘા/જખમને સાફ કરી સીધું લગાવી દેવાનું. જો ઘા/જખમમાં કીડા દેખાય તો ફક્ત પહેલા દિવસે સીતાફળના પત્તાની પેસ્ટ અથવા કપૂરયુક્ત નારિયેળ તેલ લગાવવું.

અન્ય સમાચારો પણ છે...