શું આ છે વાઈબ્રન્ટ ગુજરાત?:ગુજરાતમાં બેરોજગારીનો બોલતો પુરાવો, સરકારી નોકરીની 16 હજાર જગ્યા, ઉમેદવારો 24 લાખ!

અમદાવાદ13 દિવસ પહેલા
  • રાજ્યમાં 100 દિવસમાં 27 હજારથી વધુ ભરતી કરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું
  • કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં દોઢ વર્ષ બાદ સરકારી ભરતી શરૂ થઈ
  • સરકારી ભરતીની જાહેરાત થતાં ઉમેદવારોએ નવા ઉત્સાહ સાથે તૈયારી શરૂ કરી

ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય એવું જોવા મળી રહ્યું છે. PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને 15,944 જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. આમ 1 સરકારી નોકરીની જગ્યા સામે 150 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે. પણ ગુજરાતમાં બેરોજગારી ઘટવાની વાત તો દૂર, વધતી જાય છે. તેનો આ બોલતો પુરાવો છે.

અગાઉ કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં 2020માં ભરતી સંબંધિત પ્રક્રિયાઓ થઈ નહોતી. એવામાં દોઢ વર્ષથી સરકારી નોકરીની તૈયારી કરવા અન્ય જિલ્લામાંથી શહેરોમાં આવનારા ઉમેદવારો નિરાશ થઈને પોતપોતાના વતન પરત ફર્યા હતા. જોકે ફરી એકવાર સરકારી ભરતીની જાહેરાત થતાં તેમણે નવા ઉત્સાહ સાથે તૈયારી શરૂ કરી દીધી છે.

LRDમાં 1 જગ્યા સામે 95 ઉમેદવારો
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

બિનસચિવાલય ક્લાર્કમાં 3900 જગ્યાની ભરતી
પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

LRDમાં 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા.
LRDમાં 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

GPSCમાં ક્લાસ-1 અને 2ની 203 જગ્યા માટે ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે 183 જગ્યા, મદદનીશ વ્યવસ્થાપક વર્ગ-2 માટે 6 જગ્યા, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1 માટે 13 જગ્યા, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની 1 જગ્યા, આમ કુલ મળીને 203 જેટલા જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. પહેલા 19 ડિસેમ્બરે તેની પરીક્ષા શરૂ થવા જઈ રહી હતી, પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થવાના કારણે આ તારીખ પાછળ ખસેડવામાં આવી અને પ્રાથમિક કસોટી હવે 26 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી વચ્ચે કુલ ચાર તબક્કામાં યોજાવાની છે.

100 દિવસમાં 27 હજાર ભરતીનું આયોજન
નોંધનીય છે કે, રૂપાણી સરકારના રાજીનામાં બાદ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી સરકારી નોકરીઓ અંગેની જાહેરાત અંગે જણાવ્યું હતું, જેમાં તેમણે બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસ કરવા અંગે વાત કરી હતી.