LRD ઉમેદવારોની તૈયારી:400-400 મીટરના રાઉન્ડનો ટાર્ગેટ રાખી LRD ઉમેદવારોની પ્રેક્ટિસ, અમદાવાદમાં બગીચા, પોલીસ હેડક્વાર્ટર અને મેદાનોમાં ભીડ

અમદાવાદ14 દિવસ પહેલા
  • અમદાવાદમાં LRDના ઉમેદવારો સવાર-સાંજ મેદાનોમાં પ્રેક્ટિસ માટે પહોંચી રહ્યા છે
  • LRDની 10459 જગ્યાની સીધી ભરતી માટે કુલ 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે

સામાન્ય રીતે શિયાળામાં બગીચા અને મેદાનોમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોની ભીડ જોવા મળતી હોય છે, જોકે ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બાદ ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરતા હોઈ, આ બગીચા-મેદાનોમાં ઉમેદવારોની ભીડ વધુ જોવા મળી રહી છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં વહેલી સવારથી જ મેદાનોમાં, રોડ પર તથા બગીચાઓમાં લાખો યુવાઓ દોડની પ્રેક્ટિસ, કસરત કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે.
અમદાવાદમાં યુવાનોની તનતોડ મહેનત
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી / બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાની સીધી ભરતી માટે કુલ 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. આગામી ડિસેમ્બર મહિનામાં શારીરિક દોડની પરીક્ષા યોજાવાની છે, જેથી ભરતીમાં ફોર્મ ભરનાર ઉમેદવારો દોડની તનતોડ તૈયારીઓ કરી રહ્યાં છે. અમદાવાદમાં અનેક જગ્યાએ યુવક-યુવતીઓ સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલાં બગીચાઓ, ઔડા ગાર્ડન, શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર, ખુલ્લાં મેદાનોમાં યુવાનો દોડની પ્રેક્ટિસ કરે છે. DivyaBhaskarએ શહેરમાં આવેલા ગાર્ડનમાં દોડની પ્રેક્ટિસ કરતાં યુવક-યુવતીઓ સાથે તેમની LRD ભરતીમાં દોડની પરીક્ષાની તૈયારીઓ અંગે વાતચીત કરી હતી.

કોચના માર્ગદર્શનમાં ટિપ્સ મુજબ પ્રેક્ટિસ
ઔડા ગાર્ડનમાં સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહેલા મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. PSI અને LRDની ભરતી બહાર પડતાંની સાથે જ દોડની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે 5000 મીટર દોડ 22 મિનિટની આસપાસ પૂરું કરી શકીએ એવી તૈયારીઓ કરી છે. સવાર-સાંજ અમે અમારા RM રનર્સ ગ્રુપના કોચ રૂપેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ દોડની પ્રેક્ટિસ કરીએ છીએ. તેમની અલગ અલગ રીતે દોડની ટિપ્સ મુજબ પ્રેક્ટિસ ચાલી રહી છે.

કસરત માટે 5 વાગ્યે મેદાનમાં પહોંચે છે
તન્વી પટેલ નામની મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે LRDની ભરતીમાં અમે દોડની પ્રેક્ટિસ શરૂ કરી છે. પરીક્ષા હવે નજીક આવી છે. દરરોજ સવાર-સાંજ પ્રેક્ટિસ કરીએ છીએ. સવારે 5 વાગ્યે આવીને અમે વોર્મઅપ કરીએ, ત્યાર બાદ કસરત કરીને દોડની શરૂઆત કરીએ છીએ. અમારા રૂપેશ સર સાથે જ દોડની પ્રેક્ટિસ તેમજ ટ્રેનિંગ ચાલે છે. 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂરું કરવાની હોય છે. ઓછામાં ઓછા સમયમાં અમે આ રનિંગ પૂરું કરીએ એવી જ અમને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. 1600 મીટર દોડ બહુ ઓછી કહેવાય એવું લોકો કહે છે, પરંતુ ગ્રાઉન્ડની હકીકત અલગ છે. ગ્રાઉન્ડની મહેનત પરથી ખ્યાલ આવે છે કે આ કંઈ સહેલું નથી. પરંતુ અમે નિયત સમય અથવા એનાથી પહેલાં દોડ પૂરી કરી પાસ થઈ જઈએ એ રીતે મહેનત કરીએ છીએ.

અમદાવાદમાં મેદાનમાં દોડની તૈયારી કરતી મહિલા ઉમેદવારો
અમદાવાદમાં મેદાનમાં દોડની તૈયારી કરતી મહિલા ઉમેદવારો

400 મીટરના રાઉન્ડથી દોડની પ્રેક્ટિસ
સંદીપસિંહ સોલંકી નામના ઉમેદવારે જણાવ્યું હતું કે અમે સવાર અને સાંજ એમ બંને સમય પ્રેક્ટિસ કરીએ છીએ. સવારે વહેલા આવીને અમે સ્ટ્રેચિંગ, વોર્મઅપ અને કસરત કરીએ છીએ. બાદમાં અમારી દોડની પ્રેક્ટિસ શરૂ થાય છે. 400 મીટરનો એક રાઉન્ડ છે, જેને અમે 1 અથવા 1.20 મિનિટમાં પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. સાંજે અમે શરીરને રિલેક્સ કરવા માટે વર્કઆઉટ કરીએ છીએ. લોકો ગમે તેમ દોડવાની શરૂઆત કરે છે જેને કારણે તેમને ઘણી તકલીફ પડે છે, પરંતુ એક સારા કોચના માર્ગદર્શન હેઠળ દોડ કરે તો ચોક્કસ તેઓ પરીક્ષા પાસ કરી શકે છે.

સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ
ગજેરા કૃપાલીએ જણાવ્યું હતું કે LRD ભરતીમાં 3 લાખ જેટલી મહિલાઓએ ફોર્મ ભર્યા છે અને તેમને 1600 મીટર દોડવાનું હોય છે. 9.30 મિનિટની અંદર આ દોડ પૂરી કરવાની હોય છે, ત્યારે અમે અહીં સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરીએ છીએ અને નિયત સમયમાં દોડ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે બધી છોકરીઓ સાથે રહીને પ્રેક્ટિસ કરીએ છીએ અને એકબીજાને મોટિવેશન પણ આપીએ છીએ. મહેનત કરીને આગળ વધવા માગીએ છીએ. 1600 મીટર બહુ ઓછું કહેવાય છે, પરંતુ ખરેખર એમાં મહેનત કરવી જ પડે તો જ નિયત સમયમાં દોડ પૂરી થઈ શકશે.