મે આઇ હેલ્પ યુ?:LRD ઉમેદવારોને દોડની તૈયારી કરવા ગુજરાત પોલીસે આપ્યાં મેદાન, હજુ ભાવનગર, અમરેલી અને બોટાદમાં 15 જગ્યાએ તાલીમ શરૂ કરાશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં પણ મેદાનો ફાળવવા માટે સૂચના આપવામાં આવી
  • વલસાડમાં પોલીસ અધીક્ષક દ્વારા 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવાઈ રહી છે

ગુજરાતમાં લાંબા સમય બાદ LRDની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થવાની છે. ત્યારે ઉમેદવારો હાલ મેદાનમાં પરસેવો પાડીને દોડની આકરી તૈયારી કરી રહ્યા છે. ઘણા ગામડાં તથા નાનાં શહેરોમાં દોડવા માટે મેદાનની સુવિધા ઉપબલ્ધ નથી, એવામાં કેટલાક ઉમેદવારો ખેતરમાં જ ટ્રેક બનાવીને દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ વચ્ચે સરકાર દ્વારા પણ ઉમેદવારોને સારી પ્રેક્ટિસ થાય એ માટે મેદાનો આપવામાં આવી રહ્યાં છે.

ભરતી બોર્ડના ચેરમેને ટ્વિટર પર આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. એ મુજબ રાજ્યમાં સાબરકાંઠા, સુરતના કામરેજ, ભરૂચ તથા જામનગર જિલ્લામાં અત્યારસુધીમાં મેદાનો ફાળવાયાં છે. જ્યારે ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં પણ મેદોનો ફાળવવા માટે સૂચના આપવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કયાં કયાં મેદાનો ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ફાળવાયાં?

  • જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
  • લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.

ભાવનગરમાં યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવાશે
આ ઉપરાંત વલસાડમાં પણ પોલીસ અધીક્ષક દ્વારા હાલ 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા અમરેલી, ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચના આપવામાં આવી છે, જેમાં ટૂંક સમયમાં 15થી વધુ જગ્યાએ તાલીમ શરૂ થશે.

લોકોને મેદાન આપવા હસમુખ પટેલની અપીલ
નોંધનીય છે કે ભરતીની જાહેરાત બાદ હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને ઉમેદવારો પાસે મેદાનની સુવિધા ન હોય તો લોકોને તેમની જમીન આપવા અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસ મેદાન પર સવારે 5.45 વાગે 500થી વધુ યુવાનો પોલીસ ભરતી માટેની દોડની પ્રેક્ટિસ પૂરી કરે છે. અન્ય પોલીસ એકમો તથા સમાજના અન્ય લોકો જેમની પાસે મેદાન હોય તેઓ શક્ય હોય તો યુવાનોને પ્રેક્ટિસ માટે મેદાન આપે એવી મારી અપીલ.