તૈયારી જીત કી...:ક્યાંક LRD ઉમેદવારોએ ખેતરમાં, તો ક્યાંક મેદાનમાં ટ્રેક બનાવ્યા, કેટલીક જગ્યાએ સ્થાનિક પોલીસે ગ્રાઉન્ડ આપ્યા, તસવીરોમાં જુઓ દિવસ-રાતની મહેનત

અમદાવાદ6 મહિનો પહેલા
  • શારીરિક કસોટીની તૈયારીમાં મહિલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મેદાનોમાં પહોંચી રહી છે
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ, બગીચા અને મેદાનોમાં વહેલી સવારે જ દોડતા દેખાય છે યુવાનો

રાજ્યમાં લાંબા સમય બાદ લોકરક્ષક દળની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી આવી છે. એ માટે રાજ્યનાં તમામ શહેરોમાં યુવાનો શારીરિક અને લેખિત પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. રાજ્યનાં ઘણાં શહેરોમાં યુવાનો શારીરિક કસોટી માટે દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગામડામાં રહેતા ઉમેદવારો ક્યાંક ખેતરમાં જ દોડવા માટે ટ્રેક બનાવી રહ્યા છે, તો શહેરોમાં રહેતા યુવાનો મેદાનો, તથા ગાર્ડનમાં દોડવા માટે જઈ રહ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે યુવાનો લોકરક્ષક દળમાં નોકરી મેળવવા માટેની એકપણ તક છોડવા માગતા નથી. શારીરિક કસોટીની તૈયારીમાં છોકરીઓ પણ પાછળ નથી. મેદાનોમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોવા મળી રહી છે.

LRDમાં પાસ થવા ઉમેદવારો કરી રહ્યા છે આકરી મહેનત
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં પોલીસ દ્વારા જ ગરીબ અને મધ્યમવર્ગના ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બીજી તરફ, રિવરફ્રન્ટ પર પણ યુવાનો સવારમાં મોટી સંખ્યામાં પ્રેક્ટિસ માટે આવી રહ્યા છે. ગાંધીનગરના કોલવડા ગામમાં નિવૃત્ત પીઆઈ દ્વારા પોતાના જ ગામમાં દોડવા માટેનું મેદાન તૈયાર કરાયું છે. વડોદરામાં યુવાઓને વડોદરા જૂથ-1 દ્વારા રોજ સવારે રનિંગ અને સ્ટ્રેચિંગની તાલીમ આપવામાં આવે છે. મહેસાણામાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-15 દ્વારા 27 મહિલા અને 22 છોકરા એમ કુલ 49 ઉમેદવારને તાલીમ અપાય છે.

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા તથા રાજકોટમાં યુવાનો LRDની પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરી રહ્યા છે એ તસવીરોમાં નિહાળો